પ્રશાંત દયાળ (શતરંજ-100, નવજીવન ન્યૂઝ): મંત્રી અમર ઠાકોરના બંગલા બહાર ઍમ્બ્યુલન્સ ઊભી હતી. અંગત સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો દોડાદોડ કરી રહ્યા હતા. ઍમ્બ્યુલન્સમાં આવેલા પેરામેડિકલ સ્ટાફે અમર ઠાકોરની તબિયત તપાસી નિર્ણય કર્યો કે તેમને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા પડશે. પેરામેડિકલ સ્ટાફે જ તેમને ઍમ્બ્યુલન્સમાં શિફ્ટ કરતાં સિવિલ હૉસ્પિટલને ફોન કરી અમર ઠાકોરની સ્થિતિની જાણકારી આપી, જરૂરી તમામ મેડિકલ સ્ટાફને હાજર રહેવાની સૂચના આપી દીધી હતી. અને મિનિટોમાં ઍમ્બ્યુલન્સ સિવિલ હૉસ્પિટલ તરફ રવાના થઈ હતી. હજી અમર ઠાકોર હૉસ્પિટલ પહોંચે તે પહેલાં તો અમર ઠાકોરની સ્થિતિ નાજુક છે તેવા સમાચાર મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા સહિત રાજકીય વર્તુળમાં ફેલાઈ ગયા. ટેલિવિઝન સ્ક્રીન ઉપર પણ બ્રેકિંગ ન્યૂઝમાં અમર ઠાકોર બીમાર હોવાના સમાચાર ચાલવા લાગ્યા હતા.
ગઈ રાત્રે અમર ઠાકોર જમ્યા ત્યાર બાદ બેચેની અનુભવી રહ્યા હતા, પણ તેમને લાગ્યું કે સતત પ્રવાસ અને બહારના જમવાના કારણે ગૅસ થયો હશે. પૈસા અને સત્તા હોવા છતાં હજી તેમની અંદરનું દેશીપણું યથાવત્ હતું. તેમણે થોડોક અજમો ફાકી લીધો હતો. તેમને હતું કે સવાર થતાં સારું થઈ જશે. ઊંઘ આવે તે માટે તેમણે ઊંઘની ગોળી પણ લઈ લીધી હતી. આમ પણ તેમને રોજ એક ડઝન કરતાં વધુ દવાની ગોળીઓ તો લેવી જ પડતી હતી, ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર સાથે તો તેમણે છેલ્લાં ઘણાં વર્ષોથી દોસ્તી કરી લીધી હતી. તેમના ફૅમિલી ફિઝિશિયન અમર ઠાકોરના પેટ સામે જોઈ કહેતા : “મંત્રી, આ પેટ ઓછું કરો નહિતર તકલીફ થશે. થોડું ડાયેટિંગ, થોડી કસરત રોજ કરતા રહો. પણ ડૉક્ટરની વાત સાંભળી અમર ઠાકોર પેટ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહેતા : “ડૉક્ટર, આ પેટ ઓછું કરીશ તો ઘણાની ઊંઘ બગડી જશે.” પછી ડૉક્ટરના કાન પાસે મોઢું લાવી કોઈ રહસ્ય કહેતા હોય તેમ કહેતા : “ખબર છે. આ પેટ કેમ મોટું છે? આ પેટમાં અનેક લોકોના રાઝ છુપાવી રાખ્યા છે. રાજકારણમાં જો રાઝ છુપાવતાં ના આવડે તો તમારું કામ નથી. માટે જ ડૉક્ટર… તમે ડૉક્ટર છો અને હું નેતા. વાત જ્યાં સુધી કસરત કરવાની છે તો ડૉક્ટર, વજન ઘટાડવાની કોઈ દવા આપી દો. મારા આખા ખાનદાનને કસરત સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.” અને ડૉક્ટર હસતા હસતા નીકળી જતા, પણ આજે સવારે અમર ઠાકોરની પત્નીએ જ્યારે ફૅમિલી ફિઝિશિયનને અમરની તબિયત અંગે જાણ કરી ત્યારે તે તરત અમદાવાદથી ગાંધીનગર જવા નીકળી ગયા હતા. પણ અમર ઠાકોર અંગે જે જાણકારી મળી તે પ્રમાણે સતત હાંફી રહ્યા હતા. ઉધરસ પણ આવી રહી હતી. આ લક્ષણો હાર્ટઍટેકના હોવાની શક્યતા હતી, એટલે તેમણે પોતાને પહોંચતાં મોડું થઈ જશે, તે બાબત ધ્યાનમાં લેતાં ઍમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. જ્યારે ઍમ્બ્યુલન્સ પહોંચી ત્યાં સુધીમાં અમર ઠાકોર બેભાન થઈ ગયા હતા, પેરામેડિકલ સ્ટાફે જ્યારે તેમની પલ્સ તપાસી તો તે ધીમી પડી રહી હતી.
ઍમ્બ્યુલન્સ હૉસ્પિટલ પહોંચે તે પહેલાં જ કાર્ડિયોલૉજિસ્ટ સહિત તમામ ડિપાર્ટમેન્ટ હેડ હાજર થઈ ગયા. જોકે સમયસરની સારવારને કારણે એકાદ કલાકમાં ઠાકોરની તબિયત નૉર્મલ થવા લાગી હતી. હાર્ટઅૅટેક હતો, પણ હવે ચિંતાની વાત ન હતી. તેમને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરે તેમને કોઈને પણ મળવાની ના પાડી દીધી હતી. આમ છતાં થોડીક જ મિનિટમાં ખુદ મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા દોડી આવ્યા હતા. મહેતા મનોમન અમરની તબિયત માટે પ્રાર્થના કરી રહ્યા હતા. મહેતાએ આટલાં વર્ષોની મહેનત બાદ ગોઠવેલી શતરંજમાં અમર તેમનો વિશ્વાસુ વજીર હતો. તેની ગેરહાજરીમાં શતરંજની બાજી અધૂરી છોડી દેવી પડે. હૉસ્પિટલમાં દાખલ થતી વખતે મુખ્યમંત્રીના ચહેરા ઉપરની ચિંતા વાંચી શકાય તેવી હતી. મુખ્યમંત્રીને જોતાં સિનિયર ડૉક્ટરો દોડી આવ્યા. તેમણે અમર ઠાકોરની તબિયતની જાણકારી આપી હતી, પણ એક વખત મુખ્યમંત્રી મહેતા અમર ઠાકોરને જોવા માગતા હતા. ડૉક્ટરોએ તેમને આઇસીયુ યુનિટના કાચમાંથી જોઈ શકશે તેવી મંજૂરી આપતાં, મુખ્યમંત્રી આઇસીયુ યુનિટ સુધી ગયા અને કાચમાંથી તેમણે બેડ ઉપર સૂઈ રહેલા ઠાકોર તરફ નજર કરી. તેમણે મૉનિટર ઉપર નજર કરી તો પલ્સ હવે નૉર્મલ હતી. તે જ વખતે મુખ્યમંત્રીની આંખમાં આંસુ સરી પડ્યાં. ત્યાં હાજર મેડિકલ સ્ટાફ આ દૃશ્ય જોઈ દંગ રહી ગયો. આજ સુધી સિંહ જેવા અવાજમાં ભાષણ કરતા મુખ્યમંત્રીની આંખમાં આંસુ જોઈ તરત એક ડૉક્ટરે પોતાનો સફેદ હાથરૂમાલ આપ્યો. જોકે ખુદ મુખ્યમંત્રી પણ જાણતા ન હતા કે તેમની આંખમાં આંસુ કેમ આવ્યાં!
હજી મુખ્યમંત્રી ગોવિંદરાય હૉસ્પિટલ છોડે તે પહેલાં અમર ઠાકોરની તબિયત રજૂ કરતા મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝમાં શરૂ થઈ ગયા હતા : અમર ઠાકોરની તબિયત જોવા આવેલા મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા રડી પડ્યા. મહેતા હૉસ્પિટલની બહાર આવ્યા એટલે તરત ટેલિવિઝન-પત્રકારોએ તેમના બૂમ મહેતાની સામે ધરી દીધા અને કૅમેરા ઑન થઈ ગયા. મુખ્યમંત્રી મહેતા એક્સપર્ટ ડૉક્ટરની જેમ હેલ્થ-બુલેટિન આપવા લાગ્યા હતા. મુખ્યમંત્રી ટીવી ઉપર દેખાશે તેવી ખબર પડતાં કેટલાક ડૉક્ટરો મુખ્યમંત્રીની પાછળ ગોઠવાઈ ગયા હતા. મહેતા સાહેબ બોલી રહ્યા હતા ત્યારે ડૉક્ટરોની નજર તો કૅમેરા તરફ જ હતી.
મુખ્યમંત્રી જ્યારે અમર ઠાકોરને પહેલી વખત મળ્યા ત્યારે અમરની ઉંમર માંડ પંદર-સોળ વર્ષની હશે, ત્યારે પણ અમર લાડુ જેવો ગોળ જ હતો. પહેલાં તો ગોવિંદરાય અમરને ‘આવ મારા લડ્ડુ’ કહેતા હતા. અમરને પહેલી વખત જોયો ત્યારે માણસ પારખવામાં પાવરધા ગોવિંદરાય અમરની તાકાતને પારખી ગયા હતા, કારણ કે તેની ઉંમરના બાળકમાં હોય તેવી બાળરમત ન હતી. તે નાનો હતો, છતાં તેની વાતો મોટા માણસ જેવી હતી. તેની અંદર નિર્દોષતા ન હતી, પણ એક પ્રકારની દુષ્ટતા હતી. તે કોઈ પણ પ્રકારની દુશ્મની સહન જ નહોતો કરી શકતો. બસ, આ વાતોને કારણે ગોવિંદરાયે અમર ઉપર હાથ મૂક્યો હતો અને તે આજ સુધી હતો. અમર પાસે મુખ્યમંત્રી ગોવિંદરાયની અઢળક વાતો હતી. કદાચ તે પોતાના વિશે કેટલું જાણે છે તેની ખુદ ગોવિંદરાયને પણ ખબર ન હતી.
અમર ઠાકોર પાસે ગૃહ વિભાગનો હવાલો હોવાને કારણે હૉસ્પિટલ બહાર મોટી સંખ્યામાં નાના-મોટા પોલીસ-અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જોકે દરેકના ચહેરા ઉપર કૃત્રિમ ચિંતા હતી. પોલીસ-અધિકારીઓને ખબર હતી કે તેઓ મંત્રી અમર સુધી જઈ શકવાના ન હતા. છતાં જ્યારે પણ અમર ઠાકોર સાજા થાય ત્યારે હૉસ્પિટલમાં તેની નોંધ લેવાય તે માટે ઘણા પોલીસ-અધિકારીઓ મંત્રીના પર્સનલ સેક્રેટરીને મળી લેતા હતા. હૉસ્પિટલ બહાર લાલ લાઇટવાળી કારોની કતાર લાગી હતી. મોટી સંખ્યામાં બિલ્ડરો પણ આવ્યા હતા, જે પૈકી ઘણાને ત્યાં અમર ઠાકોરનું રોકાણ થતું, તેઓ જ્યારે અમરની ખબર પૂછતાં ત્યારે ‘સાહેબ બચી તો જશે ને!’ તેવા પ્રકારના પ્રશ્નો હતા. કારણ કે અમરના મૃત્યુ બાદ તેમની પાસે અમરના રહેલાં નાણાં પાછાં આપવાનો પ્રશ્ન ન હતો. બીજી સૂચક હાજરી અન્ડર વર્લ્ડના મુસ્લિમ ગુનેગારોની હતી. જાહેરમાં અમર ઠાકોર મુસ્લિમોને ભલે ભાંડતા હોય પણ મુસ્લિમ ગુનેગારો સાથે તેમનો નાતો સારો હતો. તેથી તેઓ પણ અમર બીમાર છે તેવા સમાચાર મળતાં હૉસ્પિટલે દોડી આવ્યા હતા.
(ક્રમશઃ)








