Thursday, November 19, 2026
HomeNationalલશ્કર કમાન્ડર લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર: CRPFના DGની પોસ્ટ વાયરલ, જમ્મુ-કાશ્મીર પોલીસે...

લશ્કર કમાન્ડર લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર: CRPFના DGની પોસ્ટ વાયરલ, જમ્મુ-કાશ્મીર પોલીસે લખ્યું- ‘ભાગી શકો છો, છુપાઈ નહીં શકો’

- Advertisement -

Latif Bhatt encounter in J&K: જમ્મુ-કાશ્મીરમાં CRPFની ચોકી પર હુમલો કરનારા લશ્કર-એ-તૈયબાના કમાન્ડર લતીફ ભટને સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. આ કાર્યવાહી બાદ CRPFના ડીજી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સોશિયલ મીડિયા પરની પોસ્ટ ચર્ચામાં આવી છે. CRPFના ડીજીએ પોતાની પોસ્ટમાં સાથીઓને અભિનંદન આપતાં શિયાળાની ઋતુમાં પીરસવામાં આવતી કેટલીક વાનગીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમની આ પોસ્ટના અલગ-અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે લખ્યું હતું કે, “તમે ભાગી શકો છો, પરંતુ છુપાઈ નહીં શકો.”

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે મસ્જિદમાં નમાજ માટે અઝાન થાય તે પહેલાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. લતીફ ભટ કાશ્મીર ખીણમાં જીવિત બચેલો એકમાત્ર સ્થાનિક આતંકવાદી હોવાનું જણાવાયું હતું. આ પહેલાં સોમવારે દક્ષિણ કાશ્મીરના લારૂ બાયપાસ વિસ્તારમાં સુરક્ષાદળોએ ઉમર નિસાર ડાર નામના આતંકવાદીને ઠાર કર્યો હતો. ડાર 11 નવેમ્બરે કુલગામમાં CRPFના જવાનો પર થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓ પૈકીનો એક હતો. તે સમયે લતીફ ભટ એન્કાઉન્ટરના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

- Advertisement -

11 નવેમ્બરે લતીફ ભટ અને ઉમર નિસાર ડાર દ્વારા કરવામાં આવેલા હુમલામાં CRPFના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. ગુપ્તચર માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના દેવસર વિસ્તારમાં આવેલા જંગલપોરામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાદળોએ લતીફ ભટને ઘેરી લીધા બાદ તેને આત્મસમર્પણ કરવાની તક પણ આપી હતી, પરંતુ તેણે સમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ થયેલા એન્કાઉન્ટરમાં તેને ઠાર કરવામાં આવ્યો હતો.

તપાસ અને સુરક્ષા એજન્સીઓની માહિતી મુજબ, ઉમર નિસાર ડારે લતીફ ભટને આશરે છ મહિના સુધી આશ્રય આપ્યો હતો અને અન્ય જરૂરી મદદ પણ પૂરી પાડી હતી. બંનેએ તાજેતરમાં CRPFની ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલા પહેલાં બંનેએ વિસ્તારની રેકી પણ કરી હતી. ડાર અગાઉ બ્રેડ બનાવવાનું કામ કરતો હતો. તેના પરિવારે તેની ગુમ થયાની જાણકારી આપી હતી, પરંતુ તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)માં સામેલ થઈ ગયો હતો. આ સંગઠનમાં જોડાયાના લગભગ એક સપ્તાહ બાદ જ સોમવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular