Tuesday, November 17, 2026
HomeGujaratDIG જેલના સળીયા પાછળ હતા છતા અઘોરીબાબાની શ્રદ્ધા ઘટી નહીં, કહ્યું 'તને...

DIG જેલના સળીયા પાછળ હતા છતા અઘોરીબાબાની શ્રદ્ધા ઘટી નહીં, કહ્યું ‘તને ઠીક લાગે એ કરજે’ | શતરંજ-91

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-91, નવજીવન ન્યૂઝ): કોર્ટે રિમાન્ડનો આદેશ આપ્યા બાદ ઑફિસમાં પાછા ફરતી વખતે તપાસ કઈ રીતે આગળ વધારવી તેના વિચારો વિવેક પંતને ઘેરી વળ્યા હતા. તેમણે પોતાની કારમાંથી વિનોદ પરમારને ફોન કરી કહ્યું : “એક કામ કરો પરમાર. આજ મૈં કિસી કી પૂછતાછ કરના નહીં ચાહતા. તુમ સબ કો લેકે ગાંધીનગર પોલીસ સ્ટેશન ચલે જાઓ. સભી કો કસ્ટડી મેં રખ કે ઑફિસ આ જાવ. ફિર હમ બાત કરતે હૈં.” પોલીસવાનમાં રહેલા પરમારને પંતના આ વ્યવહારથી આશ્ચર્ય થયું હતું. છતાં તેમની પાસે પંતનો એ આદેશ માનવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તે પોલીસવાનમાં હતા અને તેમની સાથે પોલીસ-અધિકારીઓ જ હતા. પોલીસ-અધિકારીઓ ભલે હવે આરોપી હતા, પણ તેઓ તેમના સિનિયર પણ હતા અને તેમના જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હતા. પરમારે થોડોક વિચાર કર્યા પછી વછરાજાનીને કહ્યું, “સર, પંત સાહેબનો હુકમ છે. આપણે સીઆઇડી ક્રાઇમની ઑફિસે જતા નથી. આપણે ગાંધીનગર પોલીસ સ્ટેશન જઈએ છીએ.” જાડેજા પરમારની સામે જોઈ રહ્યા હતા તેની પરમારને ખબર હતી. પરમાર પણ જાણતા હતા કે આખી સ્થિતિ બહુ અપમાનજનક હતી. જાડેજા નવી સ્થિતિને સમજી ગયા હતા. તેમ છતાં વછરાજાનીએ પૂછ્યું : “કેમ?” પરમારે સંકોચ સાથે કહ્યું : “સૉરી સર, અમારી પાસે સીઆઈડીમાં લૉકઅપની વ્યવસ્થા નથી. પરમારે જે કંઈ કહેવું હતું તે સિફતપૂર્વક કહી દીધું હતું કે તમને લૉકઅપમાં મૂકવાનો આદેશ છે.

વછરાજાનીએ જાડેજા સામે જોયું. રાઠોડને સારી ગુજરાતી આવડતી ન હતી, છતાં થોડી ઘણી ખબર પડતી હતી. તેમને અંદાજ તો આવી ગયો છતાં તેમણે ખાતરી કરવા પરમારને પૂછ્યું : “ક્યા આપ હમેં લૉકઅપ મેં રખેંગે?” પરમારે લાચારીના સ્વરમાં કહ્યું, “સર, ઑર્ડર હૈ.” બધા જ અધિકારીઓના મોઢાં પડી ગયા. કોઈ કશું બોલ્યું જ નહીં. પોલીસવાનની આગળ ચાલી રહેલી વિવેક પંતની કાર ગાંધીનગરમાં દાખલ થતાં ઇન્દ્રોડા સર્કલથી જમણી બાજુ વળી સીઆઇડી ક્રાઇમની ઑફિસ તરફ જતી રહી, જ્યારે પરમારની વાન ગાંધીનગર પોલીસ સ્ટેશન જવા સીધી નીકળી. પરમાર બધાને પોલીસ સ્ટેશનના લૉકઅપમાં મૂકી પોલીસ સ્ટેશન-ઑફિસર પાસે સત્તાવાર એન્ટ્રી કરાવી, સીઆઇડી ક્રાઇમમાં આવી વિવેક પંત પાસે આવ્યા. પંત જાણતા હતા કે, પરમાર પાસે કેટલાક સવાલો હશે. એટલે પરમારને બેસવાની સૂચના આપી. પંતે હવે પછીની તપાસ કેવી રીતે થશે તેની સ્પષ્ટતા કરતાં કહ્યું, “દેખો પરમાર, તુમ્હેં લગા હોગા કિ અપને હી પુલિસ અફસરો કો મૈંને લૉકઅપ મેં રખને કા ઑર્ડર ક્યૂં દિયા? એક બાત સમજ લો. યહ કોઈ આમ ગુનેગાર નહીં હૈ. હમ ઇન કે સાથ મારપીટ નહીં કર સકતે. પુલિસવાલે કાનૂન જાનતે હૈં. કૈસે હમેં ગુમરાહ કરના યહ સભી બાતેં ઉન્હેં અચ્છી તરહ આતી હૈ. ઇન સબ મેં જાડેજા શાતિર હૈ. કુછ લોગ કમજોર હૈં, મૈં ઉન્હેં અપમાનિત કરના નહીં ચાહતા, લેકિન ઉન પર પ્રેશર બનાના જરૂરી હૈ. ઇસમેં કોઈ ના કોઈ ટૂટેગા વહ હમારે લિયે જરૂરી હૈ. ઇસી કારણ બિના પૂછતાછ લૉકઅપ મેં રખકર મૈં ઉનકો દબાવ મેં લાના ચાહતા હૂં.” પરમારને લાગી રહ્યું હતું કે કદાચ પંત કહી રહ્યા હોય તે સાચું પણ હોય. છતાં એક પોલીસ-અધિકારી તરીકે બીજા પોલીસ-અધિકારી સાથે આવો વ્યવહાર થઈ રહ્યો તે ક્યાંક ને ક્યાંક ખટકી રહ્યું હતું.

- Advertisement -

પંતે બીજા મુદ્દા ઉપર આવતા કહ્યું, “દેખો પરમાર, પહલે હમને નાયર, રાવ ઔર તોમર કો ગિરફતાર કિયા. આજ હમને વછરાજાની, જાડેજા, રાઠોડ, કેતન રાજપૂત, કિરણ રાજપૂત, ઇકબાલ, ઉદય ઔર ડામોર કો ગિરફતાર દિખાયા. કુલ મિલાકે ગ્યારહ કો ગિરફતાર કિયા, લેકિન ઇનમેં સે નિઝામ કા ઍન્કાઉન્ટર હુવા ઉસકે સપોર્ટ મેં કૌન કૌન થે?” પરમારે યાદ કરીને કહ્યું, “એટીએસકે કેતન રાજપૂત, ઉદય પટેલ ઔર રાજસ્થાન પુલિસ, કિરણ રાજપૂત, કાન્તિ ડામોર ઔર ઇકબાલ શેખ થે.” પંતે કહ્યું, “ઠીક; એક કામ કરો. એક ટીમ કો અભી રાજસ્થાન એક લેટર કે સાથ ભેજ દો ઔર તુમ એટીએસ ચલે જાઓ, યહ પાંચોં પુલિસ અફસરો કે સર્વિસ વેપન આજ મંગવા લો ઔર એફએસએલ કો બેલેસ્ટિક ટેસ્ટ કરવાને કે લિયે ભેજ દો. મૈં એફએસએલ ડિરેક્ટર કે સાથ બાત કર લેતા હૂં. બેલેસ્ટિક ટેસ્ટ કી રિપોર્ટ મુઝે અર્જન્ટલી ચાહિયે.” પરમાર ‘સર’ કહી ચેમ્બરની બહાર આવ્યા. તરત તેમણે લેટર ટાઇપ કરી એક ટીમને રાજસ્થાન જવા રવાના કરી અને પોતે એટીએસ ઑફિસ જવા નીકળ્યા.

ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં રહેલો સ્ટાફ એક પછી એક કોઈ કામના બહાને લૉકઅપ સુધી આવી અંદર બેઠેલા પોલીસ-અધિકારીઓને જોઈ જતો હતો. જોકે લૉકઅપમાં બેઠેલા પોલીસ-અધિકારીઓને પણ સમજાતું હતું કે, પોતે જાણે પ્રાણી-સંગ્રહાલયમાં પાંજરે પુરાયેલા પ્રાણી હોય તેવી તેમની સ્થિતિ હતી. અંદરથી ખરાબ પણ લાગી રહ્યું હતું, પણ થાય શું? લૉકઅપ પાસે કામ કરી રહેલા ઉંમરલાયક પોલીસ સ્ટેશન-ઑફિસરનું ધ્યાન પણ વારંવાર લૉકઅપ તરફ જતું હતું. તે જૂનો પોલીસવાળો હતો. તેની નોકરીના સમયગાળામાં તેના સિનિયર પોલીસ-અધિકારીઓએ તેને અનેક વખત અપમાનિત કર્યો હતો. તેમ છતાં કોણ જાણે તેને લૉકઅપમાં રહેલા પોલીસ-અધિકારીની દયા આવતી હતી. તેણે એકાદ-બે વખત ઊભા થઈ વછરાજાની અને જાડેજાને કહ્યું, “સર, કંઈ જરૂર હોય તો મને કહેજો.” વછરાજાનીએ હસીને ના પાડી હતી. વછરાજાની વિચારે ચઢી ગયા હતા. તેઓ ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પોલીસ વિભાગમાં જોડાયા પછી તેમનો ગ્રાફ ઉપર ને ઉપર જઈ રહ્યો હતો. ક્યારેય આ પ્રકારે લૉકઅપમાં બેસવું પડશે તેવો તેમણે વિચાર સુધ્ધાં કર્યો ન હતો. આટલી મુશ્કેલી છતાં તેમની અઘોરીબાબા તરફની શ્રદ્ધા જરા પણ ઓછી થઈ ન હતી. તેમણે મનોમન બાબાને વંદન કરીને કહ્યું, “તને ઠીક લાગે તે કરજે.”
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular