Thursday, November 12, 2026
HomeNationalસાયબર ફ્રોડના પીડિતોના બેંક એકાઉન્ટ અનિશ્ચિતકાળ સુધી ફ્રીઝ રાખવા અયોગ્ય, કેન્દ્ર સરકાર...

સાયબર ફ્રોડના પીડિતોના બેંક એકાઉન્ટ અનિશ્ચિતકાળ સુધી ફ્રીઝ રાખવા અયોગ્ય, કેન્દ્ર સરકાર સમાધાન શોધેઃ અલ્હાબાદ હાઈકોર્ટ

- Advertisement -

Allahabad High Court on cyber crime account freeze cases: અલ્હાબાદ હાઈકોર્ટે સાયબર કેસના પીડિતોના બેંક એકાઉન્ટ અનિશ્ચિત સમય સુધી ફ્રિઝ રાખવાના મામલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર આ સમસ્યાનું સમાધાન શોધે. હાઈકોર્ટે કહ્યું કે, એવી વ્યવસ્થા હોવી જોઈએ, જેનાથી સાયબર ગુનેગારોની જાળમાં ફસાયેલા નિર્દોષ લોકોને રાહત મળી શકે. ઘણી વખત ગુનેગારો લોકોના આધારકાર્ડ અને અન્ય અંગત વિગતોનો દુરુપયોગ કરીને ગુનાઓ આચરે છે, પરંતુ તેની સજા નિર્દોષ લોકોને ભોગવવી પડે છે અને તેમના બેંક ખાતાં અનિશ્ચિત સમય સુધી ફ્રીઝ રહે છે.

જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ખંડપીઠ એક બિલ્ડર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીકર્તાના પુત્રના આધારકાર્ડની વિગતોનો કથિત રીતે સાયબર ગુનેગારોએ દુરુપયોગ કર્યા બાદ તેમના બેંક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને પણ આ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

- Advertisement -

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે સંબંધિત મંત્રાલય અને વિભાગોએ એવી સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ, જેમાં નિર્દોષ નાગરિકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે. ગુનેગારો તેમની અંગત માહિતીનો ઉપયોગ કરીને ગુનાઓ કરે છે અને તેના પરિણામે નિર્દોષ નાગરિકોનાં બેંક ખાતાં અનિશ્ચિત સમય સુધી ફ્રીઝ રહે છે.

અરજીકર્તાના જણાવ્યા અનુસાર, તેમના પુત્રએ ભૂલથી સાયબર ગુનેગાર દ્વારા મોકલવામાં આવેલી એક લિંક પર ક્લિક કર્યું હતું. ત્યારબાદ તેણે પોતાના આધારકાર્ડની વિગતો અને અન્ય અંગત માહિતી શેર કરી હતી. આરોપ છે કે સાયબર ગુનેગારોએ આ માહિતીનો ઉપયોગ બેંક વ્યવહારો મારફતે અન્ય નાગરિકો સાથે છેતરપિંડી કરવા માટે કર્યો હતો. પુત્રની આ ભૂલને કારણે તેમના તમામ બેંક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં, જેના કારણે તેમનો વ્યવસાય પણ પ્રભાવિત થઈ રહ્યો હતો. આ મામલે તેમણે વર્ષ 2020માં FIR પણ નોંધાવી હતી.

આ પહેલાં પણ અરજીકર્તાએ પોતાનું એક સેવિંગ્સ એકાઉન્ટ ફ્રીઝમાંથી મુક્ત કરાવવા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તે સમયે કોર્ટે તેમને UIDAI સમક્ષ નવું આધારકાર્ડ મેળવવા અને જૂનું આધારકાર્ડ રદ કરાવવા માટે યોગ્ય અરજી કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ તેમના આધારકાર્ડ માટે નવા બાયોમેટ્રિક ડેટા લેવામાં આવ્યા હતા અને મોબાઈલ નંબર પણ બદલવામાં આવ્યો હતો. જોકે, આ તમામ પગલાં છતાં તેમના બેંક ખાતાં ફ્રીઝ જ રહ્યાં હતાં અને સમસ્યાનો ઉકેલ આવ્યો નહોતો.

- Advertisement -

સુનાવણી દરમિયાન બેંકો તરફથી હાજર વકીલે જણાવ્યું હતું કે બેંકે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ સૂચના ન મળતાં ખાતાં ફ્રીઝ રાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. આ અંગે હાઈકોર્ટે સંબંધિત બંને બેંકોને સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓનો સંપર્ક કરીને પેન્ડિંગ ગુનાહિત કેસોની સ્થિતિ જાણવા અને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ મામલાનો ઉકેલ લાવવા તમામ શક્ય પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું.

કોર્ટે અરજીકર્તાને ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અથવા મુખ્ય સચિવ, લખનઉના પોલીસ કમિશનર અને વિભૂતિખંડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસ.બી. પાંડેએ ગૃહ મંત્રાલય વતી નોટિસ સ્વીકારી હતી. કોર્ટે તેમને આ મામલે જરૂરી સૂચનાઓ મેળવી જવાબી સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે હવે આ કેસની આગામી સુનાવણી ચાર અઠવાડિયા બાદ નવા કેસોની યાદીમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular