Supreme Court ordered withholding of BMC Commissioner Ashwini Bhide salary : મુંબઈના બોરીવલીમાં BEST બસ સ્ટેશન અને ડેપો માટે આરક્ષિત કરાયેલી જમીન પરથી દબાણો દૂર કરવા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતાં અદાલતે આંખ લાલ કરી છે. અદાલતની અવમાનની કાર્યવાહી શરૂ કરવાની સાથે શૉકોઝ નોટિસ ફટકારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) ને 5 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. અત્રે નોંધનીય છે કે મુખ્ય ન્યાયાધીશે એવી પણ ટિપ્પણી કરી હતી કે રેકોર્ડ અધિકારીઓ અને ગેરકાયદેસર દબાણ કરનારાઓ વચ્ચેની મિલીભગત દર્શાવે છે.
બેસ્ટ બસ સ્ટેશન અને ડેપો (BEST Bus Station and Depot) માટે અનામત રાખેલી જમીન પરથી અતિક્રમણ દૂર કરવામાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ રહી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ જમીન પર થયેલા દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ વારંવારના આદેશો છતાં BMC જરૂરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી. 4 નવેમ્બર બુધવારે સુનાવણી દરમિયાન, કોર્ટે આ અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ સુપ્રીમ કોર્ટના આદેશોની અવગણનાનો કેસ છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનની બનેલી બેંચે બીએમસી કમિશનર અશ્વિની ભીડે (Ashwini Bhide) સામે કારણદર્શક તિરસ્કાર નોટિસ જારી કરી છે. કોર્ટે આદેશ આપ્યો કે કમિશનર અને આ મામલામાં સામેલ સંબંધિત અધિકારીઓનો નવેમ્બરનો પગાર 1 ડિસેમ્બર, 2026 સુધી રોકી રાખવામાં આવે. બેંચે સ્પષ્ટપણે સંકેત આપ્યો કે જો આદેશોનું પાલન કરવામાં વધુ વિલંબ થશે તો વધુ કડક કાર્યવાહી કરાશે છે.
સુનાવણી દરમિયાન, બીએમસીએ જણાવ્યું હતું કે કાર્યવાહી કરતા પહેલા કેટલાંક મરાઠી દસ્તાવેજોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું જરૂરી હતું. જેના કારણે સમય લાગ્યો. કોર્ટે આ દલીલ પર તીવ્ર પ્રતિક્રિયા આપી, પ્રશ્ન ઉઠાવ્યો કે શું સોગંદનામા દાખલ કરનારા અધિકારીઓ મરાઠી જાણતા ન હતા. કોર્ટે આ ખુલાસો અસંતોષકારક ગણાવ્યો અને આદેશોના અમલમાં વિલંબ માટે તેને માન્ય કારણ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.








