Gujarat Congress Kisan Protest: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની કથળતી સ્થિતિ અને સરકારની નીતિઓ સામે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યભરમાં ‘કિસાન અધિકાર ધરણાં’ યોજ્યા હતા. રાજકોટના ત્રિકોણબાગ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં, વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં અને મહેસાણામાં શક્તિસિંહ ગોહિલ તથા તુષાર ચૌધરીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. કોંગ્રેસે માત્ર ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવી ઓછા વરસાદથી અસરગ્રસ્ત અન્ય જિલ્લાઓ અને તાલુકાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી હતી. સાથે ખેડૂતોને યોગ્ય વળતર, દેવા માફી સહિતની પાંચ માગણીઓ રજૂ કરવામાં આવી હતી.
રાજકોટમાં અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે આ વર્ષે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં સરકારે માત્ર ચાર જિલ્લાઓમાં જ અછત કે દુષ્કાળ જાહેર કર્યો છે, જે ખેડૂતોની હાલતની મજાક સમાન છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. ચાવડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર ઉદ્યોગપતિઓનાં હજારો કરોડનાં દેવા માફ કરે છે, પરંતુ ખેડૂતોને દેવામાંથી રાહત આપતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને માત્ર આશ્વાસન નહીં, પરંતુ નક્કર રાહતની અપેક્ષા છે. સરકાર પગલાં નહીં ભરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ તેમણે આપી હતી. તેમણે કકહ્યું કે વડાપ્રધાન ખેતરમાં આવે તો ખેડૂતોની સ્થિતિ અંગે ખબર પડશે. હજુ ગુજરાતનો ખેડૂત પગભર પણ થઈ શક્યો નથી. અદાણી અને બીજી કંપનીઓ માટે ખેતરોમાં વીજ થાંભલા નખાય છે. ખેડૂતની સહમતી ના હોય ત્યાં સુધી તેમની જમીનમાં થાંભલા ના નખાય તેવી જાહેરાત નરેન્દ્ર મોદી કરે.
વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે માત્ર ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય અપૂરતો છે. તેમના મતે રાજ્યના અનેક વિસ્તારોમાં સમયસર અને પૂરતો વરસાદ ન પડતા પાકને મોટું નુકસાન થયું છે તથા સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે ખાતર, બિયારણ, ડીઝલ અને ખેતીનાં સાધનોના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે સરકાર તરફથી રાહત કે વળતર ન મળતાં ખેડૂતો પર દેવાનો બોજ વધી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો.
મહેસાણામાં શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં ધરણાં યોજાયા હતા. કાર્યક્રમ બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી આવેદનપત્ર આપ્યું હતું. તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે ઉત્તર ગુજરાતના એક પણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી, જ્યારે ત્યાંના મોટા ભાગના વિસ્તારોમાં 50 ટકાથી પણ ઓછો વરસાદ થયો છે. તેના કારણે પીવાના પાણીની મુશ્કેલી, ખરીફ પાકને નુકસાન અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ છે. તેમણે ખેડૂતોનાં ધિરાણની વસૂલાત એક વર્ષ માટે મુલતવી રાખવા અને તે સમયગાળાનું વ્યાજ માફ કરવાની માગ કરી હતી. ઉપરાંત, સરકાર દ્વારા જાહેર કરાયેલી 150 દિવસની રોજગારીની જોગવાઈ મુજબ ઉત્તર ગુજરાતમાં પણ તાત્કાલિક રાહત કામો શરૂ કરવાની માગ કરી હતી. કોંગ્રેસે આવેદનપત્ર દ્વારા ખેડૂતોની સમસ્યાઓ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પહોંચાડવાની રજૂઆત કરી છે.








