Gujarat DGP formulates new SOP for the repair of police housing and offices : રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક (G S Malik) દ્વારા પોલીસ વિભાગના રહેણાંક તથા બિન-રહેણાંક મકાનોના ચાલુ મરામત અને ખાસ મરામતના કાર્યો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરતો આદેશ જારી કરાયો છે. રિપેરિંગ માટે મંજૂરી મેળવવામાં થતો લાંબો વિલંબ અને ભ્રષ્ટાચાર અટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મરામત માટે ‘કામના ક્વોટેશન’ને બદલે સીધી ગુણવત્તાયુક્ત ‘ચીજવસ્તુઓ’ ખરીદીને સ્ટોકમાં રાખવાની પદ્ધતિ અમલમાં આવશે.
ગત નાણાકીય વર્ષ 2025-26 માં ચાલુ મરામત ગ્રાન્ટ અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરતાં ધ્યાને આવ્યું હતું કે, કુલ 4,789 કાર્યો પાછળ થયેલા આશરે 19 કરોડ રૂપિયાના ખર્ચ પૈકી4,119 જેટલા કાર્યો (રૂ. 17.48 કરોડ એટલે કે 86 ટકા કામો) માત્ર “ત્રણ ક્વોટેશન” મેળવીને કરવામાં આવ્યા હતા. આ પદ્ધતિમાં મંજૂરી મેળવવામાં લાંબો સમય વ્યતિત થતો હતો તેમજ વહીવટી મુશ્કેલીઓ અને ગેરરીતિના આક્ષેપો થતા હતા.
હવે જે નવી પદ્ધતિ અમલી કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ મરામતના કાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવી. તેમજ બિનજરૂરી સમયનો વ્યય અને ટેન્ડરિંગ/ક્વોટેશનની વહીવટી પ્રક્રિયા અટકાવી નાના-મોટા રીપેરીંગના કામો ઝડપથી પૂરા કરવાનો છે. તે ઉપરાંત ખાસ આ નવી પધ્ધતિ અમલી થતા ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ સંપૂર્ણપણે નાબૂદ થવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવી SOP મુજબ હવેથી “કામોના ત્રણ ક્વોટેશન” મંગાવવાની પદ્ધતિ બંધ કરીને “ચીજવસ્તુઓના ત્રણ ક્વોટેશન” મેળવી જરૂરી સામગ્રીનો પૂરતો જથ્થો કચેરી ખાતે સ્ટોકમાં રાખવાનો રહેશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્લોથિંગ આર્ટિકલ્સની જેમ સિવિલ અને વિદ્યુત કામ માટે ખરીદાયેલા તમામ માલસામાનનું નિયત નમૂના મુજબ સ્ટોક રજીસ્ટર અને ઇશ્યુ રજીસ્ટર નિભાવવું પડશે. સાથોસાથ દર માસની 5 તારીખ સુધીમાં વર્ગ-1 કે 2 ના અધિકારી દ્વારા માલસામાનની ભૌતિક ચકાસણી કરી પ્રમાણપત્ર આપવાનું રહેશે. કચેરીના વડાએ દર ત્રણ મહિને એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબરની 10મી તારીખ સુધીમાં જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે.
આ નવી SOP થી અનેક ફાયદાઓ થશે જેમ કે, મરામત માટે જરૂરી એવા સ્પેરપાર્ટ્સ, ઈલેક્ટ્રિક, પ્લમ્બિંગ સામગ્રી જેવો જરૂરી માલસામાન અગાઉથી કચેરી ખાતે સ્ટોકમાં હોવાથી નળ ટપકવો, લાઇટ-પંખા બંધ થવા, વાયરિંગ ફેલ થવું કે પાઇપલાઇન લીકેજ જેવા પ્રશ્નો તાત્કાલિક ઉકેલી શકાશે. તે ઉપરાંત ક્વોટેશનની આડમાં થતી ગેરરીતિ અટકશે, કારણ કે સામાન ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી સ્પર્ધાત્મક દરે ખરીદાશે અને તેનો ચોક્કસ રેકોર્ડ રહેશે.
શ્રમ અને રોજગાર વિભાગના દૈનિક વેતન મુજબ અર્ધ-કુશળ શ્રમિકો બોલાવીને કામ કરાવવાનું રહેશે. જો કોઈ મોટું કાર્ય માત્ર માલસામાન ખરીદવાથી ન થઈ શકે અને ત્રણ ક્વોટેશન લેવાની જરૂર પડે, તો કમિશનરેટ, જિલ્લા કે એકમો ખાતે કામ શરૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારી (CP/રેન્જ વડા) ની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. 50 હજારથી વધુના કામોને ‘ખાસ મરામત’ ગણી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ (Gujarat State Police Housing Corporation Limited) ના કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રહી દરખાસ્ત મોકલવાની રહેશે.








