Farmer’s Protest Getco co Porbandar: પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. વીજ ટ્રાન્સમિશન લાઇન માટે જમીનના ઉપયોગ અને પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ન મળવાના મુદ્દે બરડા પંથકના અંદાજે 300 જેટલા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે GETCO દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર કરવા માટે જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં તેમને પૂરતું વળતર મળ્યું નથી. ખેડૂતો દ્વારા જમીનના ઉપયોગ તેમજ પાકના નુકસાન સામે યોગ્ય અને વાજબી વળતરની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓ દ્વારા છેતરપિંડી કરીને ખેડૂતોની બોગસ સહીઓ કરવામાં આવી હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કથિત બોગસ સહીઓ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
આ તમામ પડતર માગણીઓને લઈને ખેડૂતો પોરબંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કરવા પહોંચ્યા હતા. વીજ વાયર અને થાંભલા માટે કરવામાં આવેલા જમીનના ઉપયોગ તથા પાકના નુકસાનના બદલામાં યોગ્ય વળતર આપવાની તેમની મુખ્ય માંગણી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. આ દરમિયાન ખેડૂતો દ્વારા જેટપુરમાં ચાલી રહેલા આંદોલનનું ઉદાહરણ આપીને પરસ્પર સમર્થન સાથે આંદોલનને વધુ તીવ્ર બનાવવાની વાત કરવામાં આવી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે વળતર સહિતની પડતર માગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સરકાર અને સંબંધિત અધિકારીઓ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.








