Shankersinh Vaghela News congress protest statement: પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં જવું હવે નિશ્ચિત છે. પણ તે પહેલા સાગબારામાં કોંગ્રેસ દ્વારા આયોજીત આદિવાસી સંમેલનમાં પહોંચેલા શંકરસિંહ વાઘેલાએ બ્રાહ્મણ, પટેલ અને વાણિયા માથે મેલું ઉપાડે તો 50 હજાર રૂપિયા આપીશ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના કારણે મામલો ગરમાયો છે. પરંતુ શંકરસિંહ વાઘેલા રાજકારણના અઠંગ ખેલાડી છે, આ નિવેદન કરી એક સાથે અનેક પક્ષીઓનો શિકાર કરવાની તેમની વ્યૂહ રચના લાગી રહી છે.
1960થી 1990 સુધી આદિવાસી, દલિત અને આર્થિક રીતે પછાત મતદારો કોંગ્રેસની સલામત વોટબેંક રહ્યા હતા. પરંતુ ક્રમશઃ તેમાં ગાબડું પાડવામાં ભાજપ સફળ રહેતા 2022ની ચૂંટણીમાં ભાજપને જંગી બહૂમતિ મળી હતી. ગુજરાતના રાજકારણના સામાજિક તાણાંવાણાં સમજી શકે તેવો હવે શંકરસિંહને બાદ કરતા કોઈ નેતા રહ્યો નથી. આમ બ્રાહ્મણ, પટેલ, વાણિયાઓ વિરુદ્ધ કરેલું ઉચ્ચારણ એ બાપુની જીભ લપસવાના કારણે થયેલું નિવેદન નથી, પણ શંકરસિંહ પાસે તેનું ચોક્કસ ગણિત છે.
ગુજરાતમાં આદિવાસી મતદારોની સંખ્યા 15 ટકા છે, દલિત મતદારોની સંખ્યા 7 ટકા છે અને આર્થિક રીતે પછાત મતદારોની સંખ્યા 27 ટકા છે. આમ, આદિવાસી, દલિત અને પછાત જ્ઞાતિના મતો અંકે થાય તો 48 ટકા મતો ગુજરાતના રાજકારણને બદલવામાં નિર્ણાયક સાબિત થાય. આ ઉપરાંત દસ ટકા મતો લઘુમતિના છે. જે મતો ક્યારેય ભાજપને મળ્યા નથી. આમ કૂલ 58 ટકા મતદારો પોતાનો મત બદલે તો સત્તા પરિવર્તન થઈ શકે તેવું બાપુનું ગણિત હોવાનું રાજકીય પંડિતો માને છે.
આ બાજુ રાજકારણને નજીકથી જોતા અને શંકરસિંહ વાઘેલાના ભૂતકાળને સારી રીતે જાણતા રાજકીય વિશ્લેશકો એવું પણ માને છે કે શંકરસિંહને એ સારી રીતે ખ્યાલ છે કે ગુજરાતના પટેલ, વાણિયા અને બ્રાહ્મણ કોમ્યુનિટિના મતદારો ભાજપ સમર્પિત છે અને તેમાં કોઈ ભોગે છીંડું પડે તેવું હાલના તબક્કે શક્ય નથી. જેથી બાકીના મતદારો પર સમય અને શક્તિ ખર્ચ કરાય તો સારું પરિણામ મેળવવાની શક્યતાઓ વધે તેમ છે. જેથી રાજકીય પંડીતો બાપુના આ નિવેદનને એક બૌદ્ધીક વિચાર સાથે કરવામાં આવેલું નિવેદન સમજે છે. જોકે ખેર આગામી સમયમાં ચૂંટણી દરમિયાન આવા નિવેદનોની વણઝાર રહેવાની છે. જેના કેવા પરિણામ આવે છે તે તો ચૂંટણીના પરિણામોમાં જોવા મળી શકે છે.
આ છે, શંકરસિંહ વાઘેલાએ આપેલું નિવેદન
આ છે તેના પછીનું શરુ થયેલું રાજકારણ








