Sunday, October 4, 2026
HomeGujaratPI પરમારને સરકાર સામે શિંગડાં ભેરવવાની આદત હતી, પણ હવે સનકી DIG...

PI પરમારને સરકાર સામે શિંગડાં ભેરવવાની આદત હતી, પણ હવે સનકી DIG ને CID માં મુકાયા | શતરંજ-47

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-47, નવજીવન ન્યૂઝ): ઇન્સ્પેક્ટર વિનોદ પરમારે નિઝામ અને તેની પત્ની રૂપાનું અપહરણ કર્યું હોવાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપી દેતાં, ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોર ધૂંવાંપૂંવાં થઈ ગયા હતા. તેમણે ડીજીપી રામકિશોર ચૌબેને ફોન કરી રીતસર ધમકાવ્યા હતા અને ચૌબેએ પણ જાણે સ્કૂલ-વિદ્યાર્થીએ હોમવર્ક ના કર્યું હોય તેમ ઠપકો સાંભળતાં કહ્યું, “સર, સર, ડોન્ટ વરી… હું કંઈક કરું છું.” આ સાંભળતાં ઠાકોરનો પિત્તો ગયો હતો. તેણે માત્ર ગાળો ભાંડવાની જ બાકી રાખી હતી. તેણે ચૌબેને કહ્યું, “તમારાથી શેકેલો પાપડ પણ ભાંગે તેમ નથી. તમે કંઈક કર્યું હોત તો આ દિવસો જોવા ના પડતા. તમને કંઈ ભાન છે? સીએમ સાહેબ સામે મારે શું જવાબ આપવો? તમે એક કામ કરો… કલાક પછી તમારા સીઆઇડીના પેલા ડીઆઇજી સાથે કેસ પેપર લઈ સર્કિટ હાઉસ પહોંચો. મારે જ કંઈક કરવું પડશે.” ચૌબેને પોતાની એસી ચેમ્બરમાં પરસેવો છૂટી ગયો. તેમને લાગ્યું કે તેમની ડીજીપીની ખુરશી ગઈ. તેમણે ડીઆઈજી દવેને કેસ પેપર સાથે સર્કિટ હાઉસ પહોંચવાની સૂચના આપી અને પોતે પણ ત્યાં જવા રવાના થયા.

ચૌબે અને દવે સર્કિટ હાઉસ પહોંચ્યા. ત્યાં ડીઆઇજી વિવેક પંત પણ આવ્યા. તેમણે ડીજીપીને ‘જયહિંદ’ કહી સલામ કરી. તરત ડીજીપીએ તેમને પૂછ્યું, “વિવેક, ક્યૂં આના હુઆ?” તેણે આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, “સર, મુઝે ભી પતા નહીં, એમઓએસ હૉમ કી ઑફિસ સે કૉલ થા, કી મુઝે સર્કિટ હાઉસ પહુંચના હૈં”. ચૌબે અને દવેને બહુ વિચિત્ર વાત લાગી કે શા માટે પંતને બોલાવ્યા હશે? પંત છેલ્લાં ચાર વર્ષથી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના એસપી તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા. પંતની છાપ છટક અને સનકી અધિકારી તરીકેની હતી… પોતાને ઠીક લાગે તેવું જ કરે, જેના કારણે વર્ષોથી તેઓ સાઇડ પોસ્ટિંગમાં હતા. ચૌબે, દવે અને પંત ત્રણે પૈકી કોઈને ખબર ન હતી, કે પંતને અહીંયાં મોકલનાર કોણ હતું? નિઝામનો મામલો કોણ સુલટાવી શકે તેવી સલાહ લેતો ફોન મંત્રી અમર ઠાકોરે ઇન્દ્રસિંહ જાડેજાને કર્યો, ત્યારે તેણે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું, “સર, પંત લાંબા સમયથી આઇબીમાં છે, હવે તેની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ હશે. મારો મિત્ર પણ છે. તેને આ કેસનું સુપરવિઝન સોંપી દો. હું તેને બધું સમજાવી દઈશ, એટલે અમર ઠાકોરને ઑફિસમાંથી વિવેક પંત ઉપર ફોન ગયો હતો.

- Advertisement -

મંત્રી અમર ઠાકોર આવી પહોંચતાં, સર્કિટ હાઉસમાં મિટિંગ શરૂ થઈ હતી. મંત્રીનો ચહેરો જોઈને જ ખબર પડતી કે તેઓ ખૂબ ગુસ્સામાં છે… તેમનો ગોળમટોળ ચહેરો, ગુસ્સાને કારણે લાલ ટામેટા જેવો થઈ ગયો હતો. તેમણે ડીજીપી સામે જોતાં, તરત ચૌબેએ ડીઆઇજી દવે પાસે રહેલા કેસ પેપર પોતાની પાસે લેતાં કહ્યું, “હા, સર.” મંત્રીએ કેસ પેપર માટે હાથ લાંબો કરતાં તેમણે તેમના હાથમાં કેસના કાગળો આપ્યા. મંત્રી ઠાકોરનું અંગ્રેજી સારું નહીં, પણ વાંચી શકતા હતા. તેમણે આઠ-દસ લાઇનો જ વાંચી હશે, ત્યાં થાકી ગયા, કારણ કે વાંચવું અને સમજવું તે બંને કામ સાથે કરવાં અધરાં હતાં. છતાં તેમને બહુ ખબર પડી ગઈ હોય તેમ ફાઈલ પછાડતાં કહ્યું, “પત્તર ફાડી નાખી છે કેસની. સાલો એક-બે કોડીનો ઇન્સ્પેક્ટર રિપોર્ટ તૈયાર કરે, અને…” પછી પોતાના ખભાના ભાગે ઇશારો કરી, ચૌબે અને દવેની સામે જોતાં બોલ્યા, “ખભે અશોકસ્તંભ લટકાવી ફરતા આપણા બે બે આઇપીએસ અધિકારીઓ વાંચે સુધ્ધાં નહીં? મને શરમ આવે છે, તમને કંઈ કહેતાં.” દવે કંઈ બોલવા જતા હતા, પણ ચૌબેએ તરત દવેના સાથળ ઉપર હાથ મૂકી તેમને રોક્યા હતા.

મંત્રીએ કાગળો હાથમાં લઈ ડીજીપી ચૌબેને આદેશ આપ્યો કે “એક કામ કરો. આ કેસ પેપરો જ ફાડી નાખો. અને આપણે જે કરવું છે તેવા કેસ પેપરો તૈયાર કરો.” ચૌબે, દવે અને પંત ત્રણે આઇપીએસ અધિકારીઓ એક બીજા સામે જોવા લાગ્યા. આવું કેવી રીતે બને તેવો ત્રણેની આંખમાં સવાલ હતો. જે રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં મુકાઈ ગયો, તેનાં પેપરો ફાડી નાખવાનો શું અર્થ થતો હતો, તે મંત્રીને સમજાતો ન હતો; અથવા તે પોતાને સુપ્રીમ કોર્ટ કરતા પણ મહાન સમજતા હતા! ચૌબે કંઈ બોલવાની સ્થિતિમાં જ ન હતા. વિવેક પંતે બાજી સંભાળવાનો પ્રયત્ન કરતાં કહ્યું, “એક મિનિટ સર.” તેમણે કેસપેપરો પોતાની પાસે લીધાં અને કહ્યું, “સર, પેપરો ફાડી નાખવાં એ ઉકેલ નથી. આ પેપરોમાંથી કેવી રીતે રસ્તો નીકળે તે જોવું પડશે.” તેમ કહી તેઓ કેસ પેપર ઉપર નજર કરવા લાગ્યા.

ચૌબે અને દવેને થોડી હાશ થઈ હતી. અમર ઠાકોર વિવેક પંત સામે એવી રીતે જોઈ રહ્યા હતા કે, જાણે પંત કોઈ જાદુગર હોય અને તે કોઈ ચમત્કાર કરવાના હોય! પંત, કેસ જોઈ રહ્યા હતા, એટલે મંત્રીએ અધીરા થતાં કહ્યું, “પંત મને લાગે છે કે તમે જ આ કેસનું સુપરવિઝન સંભાળી લો.” મંત્રીએ દવે સામે જોયું. દવેએ પણ કહ્યું, “હા, હા, સર, પંતને આપી દો.” દવે પોતાના ગળામાંથી ગાળિયો કાઢી લેવા માગતા હતા. તેમને પણ ખબર હતી કે ‘હવે કોઈ રસ્તો નીકળે તેમ નથી.’ મંત્રી અમર ઠાકોરે પોતાનો મોબાઇલ ફોન હાથમાં લીધો અને હોમ સેક્રેટરીને ફોન જોડી સીધી સૂચના આપી : “વિવેક પંતને આઇબીમાંથી સીઆઇડી ક્રાઇમમાં મૂકો અને રાજુ દવેને ત્યાંથી આઇબીમાં મૂકો, ફાઈલ ઇમીડિએટ તૈયાર કરી, સીએમ ઑફિસમાં મોકલો, હું રૂબરૂ જઈ ઑર્ડર કરાવી લઉં છું.” સાંજ થતાં જ ઑર્ડર પણ થઈ ગયો અને વિવેક પંતે તરત પોતાનો ચાર્જ પણ લઈ લીધો. પંતે ચાર્જ લેતાંની સાથે જ ઇન્સ્પેક્ટર વિનોદ પરમારને પોતાની ચેમ્બરમાં બોલાવી ખરેખર હમણાં સુધી ઇન્ક્વારીમાં કયાં તથ્યો હાથ લાગ્યાં છે, કોનાં નિવેદનો થયાં છે, સાક્ષીઓ કોણ છે, તે બધું ધ્યાનથી સાંભળ્યું હતું. પરમારને તેમણે સૂચના આપી હતી કે, “પરમાર, એક કામ કરો. કેસ પેપર યહાં છોડ કે જાવ. આજ રાત કો પઢ લૂંગા. ફિર ક્યા કરના ઉસકી બાત કરેંગે.” જે રીતે વિવેક પંતે ચાર્જ લીધો હતો તે જોતાં પરમારને લાગી રહ્યું હતું કે, કેસ બગડી રહ્યો છે. કદાચ હવે તપાસ ઉપર પૂર્ણવિરામ પણ મુકાઈ જશે. જોકે પરમાર કંઈ કરી શકે તેમ ન હતા, તેમનાથી જે શક્ય હતું તે તેમણે કર્યું હતું.

- Advertisement -

રાત્રે વિવેક પંત પોતાના ઘરે કેસપેપર વાંચી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રસિંહ જાડેજાનો ફોન આવ્યો : “કૈસે હો પંતજી?” પંતે જવાબ આપ્યો : “બસ, સીઆઇડી ક્રાઇમ મેં પોસ્ટિંગ હોતે હી મૈં સમજ ગયા થા, કિ તુમને કરવાયા હોગા.” જાડેજા ખડખડાટ હસવા લાગ્યા. તેમણે કહ્યું, “નહીં નહીં, પંત, ઐસી બાત નહીં, મૈંને તો સિર્ફ મંત્રી કો બતાયા કિ, લંબે અરસે સે પંતજી સાઇડ પે હૈ ઉનકો બહાર નિકાલો, ઉનકા કોઈ કામ મેં ઇસ્તેમાલ હોના ચાહિયે, હોશિયાર અફસર હૈ. અબ વો પહલે જૈસે નહીં રહે.” પંત સમજી ગયા કે વાત ક્યાં જઈ રહી છે. તેમણે તરત કહ્યું, “દેખો જાડેજા, અભી મેરે હાથ મેં કેસપેપર હૈ, મૈં વહી દેખ રહા થા, લેકિન પરમાર અપની ઇન્ક્વારી મેં કાફી આગે નિકલ ગયા હૈ, ઓર સુપ્રીમ મેં રિપોર્ટ ભી કર દિયા હૈ, અબ યુ ટર્ન લેના મુશ્કિલ હો જાયેગા.” “અરે પંતજી, આપ પેપર માસ્ટર હો. અપને પુલિસવાલે કી જિંદગી દાવ પે લગી હૈ, કોઈ ન કોઈ રાસ્તા તો નિકાલના હોગા. મૈંને મંત્રી કો કહા થા, કિ પંત કે સિવા કોઈ યહ કામ નહીં કર સકતા.” તેમ કહી ઇન્દ્રસિંહે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અંદરથી તો ઇન્દ્રસિંહ પણ જાણતા હતા કે પંત બે-ધારી તલવાર છે. ચાલશે એટલે ગળાં વાઢશે જ. પણ તેમણે તો બીજાનાં ગળાં તૈયાર રાખ્યાં હતાં. પંતે બહુ સ્વસ્થતાથી જવાબ આપ્યો, “મંત્રી કો કોઈ પ્રોમિસ મત કરના. મૈં કોશિશ જરૂર કરૂંગા… અપને સાથીઓં કો બચાને કી. ઓકે… ગુડ નાઇટ” કહી તેમણે ફોન મૂકી દીધો.

હમણાં સુધી આદેશ ઍન્કાઉન્ટરની જે સ્ટોરીઓ કરતા હતા, તે તેની સમજ અને તેના ઇન્વેસ્ટિગેશનને આધારિત, અને માત્ર અખબાર સુધી સીમિત રહી હતી. પણ પહેલી વખત ઍન્કાઉન્ટરને લઈ ભારતની સર્વોચ્ચ અદાલતે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આદેશ અને ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર અગાઉ ક્યારેય એકબીજાને મળ્યા ન હતા, પણ જે રીતે વિનોદ પરમારની ઇન્ક્વારી હતી, તે જોતાં આદેશને લાગ્યું કે આ પોલીસ-અધિકારી બીજા કરતાં જુદો અધિકારી લાગે છે. તેણે પરમારને મળવાનો નિર્ણય કર્યો હતો. પરમાર તેની સાથે વાત કરશે કે નહીં, તેની તેને ખબર ન હતી, છતાં પરમારને મળવું અનિવાર્ય હતું. આ તરફ પરમારની દ્વિધામાં વધારો થયો હતો, તે વિવેક પંતનો ટ્રૅક રેકર્ડ જાણતા હતા. પરમાર અગાઉ પણ સરકાર સાથે શીંગડાં ભરાવી ચૂક્યા હતા, પણ જે સંજોગોમાં પંતને તપાસ સોંપવામાં આવી હતી, તે જોતાં પંતની પ્રામાણિકતા ઉપર શંકા થવી સ્વાભાવિક હતી. પરમારે પોતાની કૅરિયર દરમિયાન અનેક પ્રામાણિક અધિકારીઓને પોતાની પ્રામાણિકતાને પૈસા ખાતર, હોદ્દા માટે અને સારા પોસ્ટિંગ માટે ગીરો મૂકતા જોઈ હતી.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular