Principal of Rajkot Dharmendrasinhji College dismissed : રાજકોટની જાણીતી અને આઝાદીકાળ સમયની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ સરકારી કોલેજના પ્રિન્સીપાલ પરેશ રાવલને રાજ્યના શિક્ષણ વિભાગે (Gujarat Education Department) ડિસમિસ કરી દીધા છે. વર્ષ 2011થી 2018 એમ 7 વર્ષના ગાળા દરમિયાન પરેશ રાવલ કચ્છના રાપરની સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ઇન્ચાર્જ આચાર્ય તરીકે હતા, ત્યારે તેમણે RUSA (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન)ની રૂપિયા 50 લાખની ગ્રાન્ટમાંથી રૂપિયા 25.36 લાખની નાણાકીય છેતરપિંડી સહિતની ગેરરીતિ આચરી હતી. જે તપાસમાં સામે આવતા પ્રિન્સીપાલ પરેશ રાવલ (Principal Paresh Rawal) સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સીપાલનો વધારાનો ચાર્જ AMP લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુધ્ધભટ્ટી (Dr. Kamlesh Buddhbhatti) ને અપાયો છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ઉપસચિવ કે. આઈ. સોલંકીએ એક હુકમ જાહેર કર્યો છે. જે અનુસાર ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પરેશકુમાર એન. રાવલ ભુજની આર.આર.લાલન કોલેજ (R.R. Lalan College Bhuj) ના ઇન્ચાર્જ આચાર્ય તરીકેની ફરજ દરમિયાન આચરેલી નાણાકીય છેતરપિંડીને પગલે તાત્કાલિક અસરથી ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1971ના નિયમ-6 ના પેટા નિયમ-(7) આગળ દર્શાવેલ એટલે કે “ભવિષ્યમાં સરકારી નોકરી માટે તે ગેરલાયક ઠરે નહિ તે રીતે નોકરીમાંથી ‘રૂખસદ”ની સજા કરવાનો આથી હુકમ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય (Devvrat Acharya) દ્વારા કરવામાં આવ્યો છે.
કચ્છની રાપર સરકારી આર્ટસ્ અને કોમર્સ કોલેજ તથા ભુજની આર.આર. લાલન કોલેજમાં 5 ઓગસ્ટ, 2011થી 14 ડિસેમ્બર, 2018 વચ્ચે ફરજ બજાવનારા તત્કાલીન કાર્યકારી આચાર્ય (વર્ગ-1) પરેશકુમાર રાવલ સામે સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ, નિયમોનો અનાદર અને નાણાકીય છેતરપિંડી આચરવાના 6 ગંભીર આરોપો હેઠળ તપાસ હાથ ધરવામાં આવી. તેમણે સત્તાનો દુરુપયોગ કરીને નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
અન્ય ગેરરીતિઓમાં, ગ્રાન્ડ એજ્યુકેશન ફેર અંતર્ગત 76 વિદ્યાર્થીઓ અને 3 અધ્યાપકો માટે ભુજથી અમદાવાદ બસની વ્યવસ્થામાં એજન્સીના બિલ અને ટોલટેક્સ સ્લીપમાં બસ નંબરમાં વિસંગતતા હોવા છતાં ચકાસણી વિના ચૂકવણું કરાયું હતું. એટલું જ નહીં, PLA એકાઉન્ટમાંથી જીમ પેટે 29 ઓગસ્ટ 2017ના બિલનું 12 સપ્ટેમ્બર 2017ના રોજ એક જ કામનું એક જ પાર્ટીને બે વાર ચૂકવણું કરાયું હતું.
વર્ષ 2014માં તિજોરી કચેરી દ્વારા અમાન્ય રખાયેલું ટી.એ. બિલ 12 ડિસેમ્બર, 2015ના આદેશથી નિયમો વિરૂદ્ધ પી.એલ.એ. એકાઉન્ટમાંથી મંજૂર કરીને ઊપાડી લેવાયું હતું. સરકારના વખતો વખતના ધારાધોરણોને નજર અંદાજ કરી સત્તાઓનો દુરૂપયોગ કર્યો છે. તપાસ અધિકારીઓએ તમામ પુરાવાઓના આધારે આચાર્ય સામે સરકારી ધારાધોરણોનો ભંગ કરી સત્તાના દુરુપયોગ અંગેની કાર્યવાહી સઘન બનાવી છે.








