પ્રશાંત દયાળ (શતરંજ-50, નવજીવન ન્યૂઝ): આદેશનું તીર નિશાના ઉપર વાગ્યું હતું. તેની અને પંતની અપેક્ષા હતી તે પ્રમાણે જ થયું હતું. હમણાં સુધી ડીસીપી વછરાજાની પણ એવું માનતા હતા કે, બધું મૅનેજ થઈ જશે. પણ જે રીતે અખબારમાં સ્ટોરી આવી હતી, તેના ઉપરથી અંદાજ આવી રહ્યો હતો કે સીઆઇડી ક્રાઇમ ઘણી આગળ નીકળી ગઈ છે. વછરાજાની સવારથી ટેન્શનમાં હતા. તેમને ક્યાંક એવી ગંધ પણ આવી રહી હતી. આખી ઘટના ઇન્દ્રસિંહ જાડેજાની ટ્રૅપ હતી. જેમાં તે પોતે અને તેનો સ્ટાફ ફસાઈ રહ્યા હતા. પણ ખરેખર તેવું છે? હજી નક્કી ન હતું. વછરાજાનીએ મંત્રી અમર ઠાકોરને ફોન લગાવ્યો. તે પણ ટેન્શનમાં હતા. તેમણે પહેલાં તો વિવેક પંત અને વિનોદ પરમારને ગાળો ભાંડવાની શરૂઆત કરી. વછરાજાનીએ મંત્રી અમર ઠાકોરની મદદ લેવા માટે ફોન કર્યો હતો, પણ તેમને લાગ્યું કે, અહીંયાંના તો મંત્રીની હાલત પણ તેમના જેવી જ છે. મંત્રી અમર ઠાકોરની સ્થિતિ જોતાં, વછરાજાનીએ તેમને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, “સાહેબ, હવે મારે જ કંઈક કરવું પડશે. આપણા જ ઑફિસરો આપણી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ ફાઈલ કરે, આપણા ઑફિસરો સામે સ્ટેટ પોલીસ જ એફ.આઇ.આર. નોંધે. જોકે આ વાત ટોલરેટ થાય તેવી નથી. હું પોતે જ પંતને મળવા માટે જઈ આવું.”
હમણાં સુધી મંત્રી ઠાકોરને લાગતું હતું કે ઇન્દ્રસિંહ જાડેજા બરાબર કામ કરી રહ્યા છે અને તેમના તમામ પ્રૉબ્લેમનું સૉલ્યુશન તેમની પાસે હોય છે, પણ આ કેસમાં જાડેજાના હાથમાંથી બાજી નીકળી રહી હતી તેવું તે હવે માની રહ્યા હતા. વછરાજાની પોતાની ઑફિસમાંથી નીકળી સીધા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ઑફિસ જવા નીકળ્યા. તેમના ચહેરા ઉપર વ્યગ્રતા હતી. તેઓ સ્વીકારી જ શકતા નહોતા કે ગુજરાત પોલીસના કોઈ અધિકારી ખુદ તેમની સામે આંખ ઊંચી કરવાની હિંમત કરે. પણ ઇન્સ્પેક્ટર વિનોદ પરમારે તો હદ કરી નાખી. બાજી બગડતી અટકાવવા માટે વિવેક પંતને મૂક્યા તો તેમણે તો ગુનો જ નોંધી નાખ્યો. પંત ખાતરી આપતા હતા કે, કંઈક રસ્તો નીકળશે. પણ વછરાજાની જોઈ રહ્યા હતા કે, જે રસ્તે પંત આગળ વધી રહ્યા હતા, તે રસ્તા ઉપર કોઈ યુટર્ન આવતો જ નથી!
વિવેક પંતની ઑફિસમાં દાખલ થતાં, તેમના ચહેરા ઉપરના ભાવ બદલાઈ ગયા. અંદરથી ગુસ્સો હતો, પણ ચહેરા ઉપર એક નિર્દોષ હાસ્ય હતું. પંતને તેમણે આવકાર્યા. વછરાજાની પ્રોટોકૉલના માણસ હતા. પંત તેમના સિનિયર હોવાને કારણે પહેલાં તેમને સલામ કરી, પછી ખુરશીમાં બેઠા. પંતના ચહેરા ઉપર એવો ભાવ હતો, જાણે તેમને ખબર જ હતી કે વછરાજાની તેમને મળવા માટે આવશે જ. પંતે પાણી અને કૉફી મંગાવ્યાં, વછરાજાનીની જેમ પંત પણ સાહિત્યના માણસ હતા, એટલે વછરાજાનીએ છેલ્લાં કયાં પુસ્તકો વાંચ્યાં તેની ચર્ચા શરૂ કરી. વછરાજાનીના મોઢે થતી સાહિત્યની વાત પંત સાંભળી રહ્યા હતા, પણ તેમના વિચારો બીજે ક્યાંક હતા. તે વછરાજાનીની પર્સનાલિટીને ઓળખવાનો પ્રયત્ન કરતા હતા. હમણાં જે માણસ સાહિત્ય ઉપર સરસ બોલે છે, તે માણસ બીજી તરફ અનેક નિર્દોષોને આતંકવાદી ઠરાવી મારી નાખતાં અચકાતો નથી.
વછરાજાની બહુ ચાલાક અધિકારી હતા. તેમને ખ્યાલ આવી ગયો કે પંત કંઈક બીજું જ વિચારી રહ્યા હતા, એટલે તેમણે તરત સાહિત્યની વાત બંધ કરતાં કહ્યું, “સર…” હવે વછરાજાનીનો અવાજ બદલાયો હતો. તેમના સ્વરમાં એક આદેશાત્મક વાત હતી, કારણ કે તે મંત્રી અમર ઠાકોર વતી વાત કરવા માટે આવ્યા હતા. વછરાજાની બોલ્યા તેની સાથે જ પંતે પોતાની ભમ્મરો ઊંચી કરી. આ પંતની સ્ટાઇલ હતી. ભમ્મરો ઊંચી થાય ત્યારે સમજવું કે કોઈ તેમને ચૅલેન્જ આપવા માગતું હોય તો, તે સ્વીકારી રહ્યા છે તેવો અર્થ થતો હતો. વછરાજાનીએ વાતની શરૂઆત કરતાં કહ્યું, “મુઝે મંત્રીજીને આપ કે સાથ બાત કરને કો બોલા થા, અગર ઉન્હોંને નહીં બોલા હોતા તો ભી મૈં આને વાલા થા. સર, પોલીસવાલોં કી લાઇફ ઔર ડેથ કા સવાલ હૈ. પરમાર કો રોક લો. જો મરે વો કોઈ મંદિર કે પૂજારી નહીં થે, ગુંડે થે. ઉનકે લિયે ઇતના કરને કી જરૂરત નહીં હૈ.” પંતે તરત તેમને અટકાવતાં કહ્યું, “હા, નિઝામ ગુંડા થા. મુઝે માલૂમ હૈ. લેકિન આતંકવાદી નહીં થા. ઔર નિઝામ કી બાત હી ભૂલ જાવો. વછરાજાની! ઉસકી બીવી રૂપા કા ક્યા કસૂર થા?” વછરાજાની માટે અનઅપેક્ષિત સવાલ હતો. તેમનાથી તરત બોલાઈ ગયું, “નહીં નહીં, સર ઉસકે બારે મેં મુઝે કુછ માલૂમ નહીં, યે તો એટીએસ કા ઑપરેશન થા.” પંતે હવે કડકાઈથી વાતની શરૂઆત કરી : “દેખિયે વછરાજાની સા’બ, આપ મદદ ભી માંગો ઔર જૂઠ ભી બોલો… યે દોનોં બાત સહી નહીં હૈ. મુઝે માલૂમ હૈ, યે પૂરા ઑપરેશન એટીએસ ઔર ક્રાઇમ-બ્રાન્ચ કા જૉઇન્ટ થા. આપકે આદમી હુબલી જાકે ઉઠા લાયે, ઔર એટીએસવાલોં ને ઉનકો ઠોંક દિયા.” વછરાજાની સ્તબ્ધ હતા. વાત સાચી હોવા છતાં તેમના મોઢે કોઈએ આ વાત કરી ન હતી. પંતે ધીમા અવાજે એક સવાલ પૂછ્યો, “રૂપા કહાં હૈ? જિન્દા હૈ યા ઉસે માર દિયા?” વછરાજાનીની જીભ થોથવાઈ ગઈ. તેમને લાગ્યું કે પંતે તો તેમનું જ ઇન્ટ્રોગેશન કરવાની શરૂઆત કરી. પંત એકદમ હસવા લાગ્યા. તેમણે વછરાજાનીને કહ્યું, “અરે વછરાજાની, આપ તો એકદમ સિરિયસ હો ગયે. મૈં તે આપ કી મજાક કર રહા થા.” વછરાજાનીએ પોતાના કપાળ ઉપર આવેલો પરસેવો લૂછ્યો. “ક્યા સર આપ ભી?!” વછરાજાનીએ પોતાનાં ફેફસાંમાં શ્વાસ ભરતાં કહ્યું.
પંતે મૂળ વાત ઉપર આવતાં કહ્યું, “બતાઇયે આપકે મંત્રીજીને હમારે લિયે ક્યા સંદેશ ભેજા હૈ?” વછરાજાનીને રાહત થઈ હતી. જોકે હવે તેમના સ્વરમાં વિનંતી હતી. તેમણે જાણવાનો પ્રયત્ન કરતાં કહ્યું, “મંત્રીજી બહુત ચિંતિત હૈ ઇસમેં. સર, સ્ટેટ કી ઇમેજ કા સવાલ ભી હૈ. સર, ઇન્વેસ્ટિગેશન મેં ક્યા આયા હૈ, ઔર હમારા લાઇન ઑફ ઍક્શન ક્યા હૈ?” પંતે પોતે કઈ કઈ બાબતો કહેવા માગે છે, તે મનમાં જ નક્કી કરી લીધું હતું. તેમણે કહ્યું, “દેખો, ઇન્વેસ્ટિગેશન મેં તો બહુત કુછ નિકલા હૈ. મુઝે પતા નહીં ચલતા કિ આપ જૈસે ઑફિસર હોને બાવજૂદ કાફી ગલતિયાં કી હૈ.” વછરાજાનીએ માત્ર હાથ જોડવાનું જ બાકી રાખ્યું હોય તેવી રીતે કહ્યું, “સર, જો હો ગયા વો હો ગયા, લેકિન રાસ્તા ક્યા હૈ? — બતાઇયે.” પંતે તરત પોતાની મર્યાદા બતાવતાં કહ્યું, “આપ જાનતે હો સુપ્રીમ કોર્ટ કા સુપરવિઝન? મૈં સબ કુછ તો અનદેખા નહીં કર સકતા, હો સકેંગી વો મદદ કરૂંગા, મંત્રીજી કો બતાયે. ‘નિશ્ચિંત રહે.’ નિશ્ચિંત રહે” આ તેમનો પેટન્ટ શબ્દ હતો. પણ વછરાજાનીનું મન જાણતું હતું કે નિશ્ચિંત કેવી રીતે રહેવું. વછરાજાનીની ચેમ્બરની બહાર નીકળતાં વિવેક પંતે પોતાની ડાયરીમાં વછરાજાનીએ તેમને મંત્રી વતી કરેલી ભલામણોની નોંધ કરી હતી. અગાઉ પણ જ્યારે ઇન્દ્રસિંહ જાડેજા ફોન કરતા તેની નોંધ પણ ડાયરીમાં થઈ રહી હતી. પંતને ખબર હતી કે આવનાર સમયમાં ડાયરી તેમના માટે મહત્ત્વની સાબિત થવાની છે.
ત્યાંથી નીકળી તેમણે તરત મંત્રી અમર ઠાકોરને ફોન કર્યો, પણ વછરાજાનીનો અવાજ અને વાત સાંભળી મંત્રી સમજી ગયા હતા કે, વછરાજાની પણ પંતને સમજાવી શક્યા નહીં. મંત્રી અમર ઠાકોર પોતાની ચેમ્બરમાં આંટા મારવા લાગ્યા. નિઝામનો કેસ કાદવમાં ફસાયેલી વ્યક્તિ જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે, પણ અંદર જ ખૂંચતો જાય તેવો થઈ રહ્યો હતો. મંત્રી ઠાકોરે પોતે ડીજીપી રામકિશોર ચૌબેને ફોન લગાડ્યો. ફોન ઉપાડતાં જ તેમણે તેમને ઠપકો આપતાં કહ્યું, “વિવેક પંત કઈ રીતે તપાસ કરી રહ્યો છે, તેની તમને ખબર છે? આ તો રાજુ દવેને ખસેડી તેને મૂક્યો તો તે પણ તમારા ઇન્સ્પેક્ટર પરમારની લાઇન પકડી ચાલે છે. એક કામ કરો, સાંજ સુધીમાં મને કોઈ સારા, સારા એટલે આપણે કહીએ તેવું કામ કરે તેવા ઑફિસરનું નામ આપો. તેનો ઑર્ડર સીઆઇડી ક્રાઇમમાં કરાવી દઉં. આ વિવેક પંતનું સુપરવિઝન બદલી નાખો.”
ડીજીપીએ તરત કહ્યું, “સર, સર.” મંત્રીએ તરત એક સવાલ પૂછ્યો, “આ પરમાર પાસેથી ઇન્વેસ્ટિગેશન લઈ ના શકાય?” “સર, પ્રૉબ્લેમ થઈ જશે, કારણ તેના નામે જ પહેલો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને થયો છે.” તેવું કહી ડીજીપીએ પોતાની લાચારી દર્શાવી. મંત્રી તાડૂક્યા, “હા ભાઈ, હા, તમે વાંચ્યા વગર રિપોર્ટ કર્યો તે જ ને?” ડીજીપી બોલ્યા, “સૉરી, સર.” પણ મંત્રીએ સાંભળ્યા વગર ફોન કટ કરી નાખ્યો. પાછો વિવેક પંતની બદલીનો તકતો તૈયાર થઈ ગયો હતો જેની જાણ પંતને પણ ન હતી. એક જ મહિનામાં તેમની બદલી થવાની હતી. આ તેમની અગિયારમી બદલી હતી.
(ક્રમશ:)








