Monday, September 28, 2026
HomeNationalશું છે ફોર્મ 6? જે અંગે ECI એ તર્ક આપ્યો કે સુપ્રીમ...

શું છે ફોર્મ 6? જે અંગે ECI એ તર્ક આપ્યો કે સુપ્રીમ કોર્ટે પણ આ નવા ફોર્મ ડિક્લેરેશનને મંજુરી આપી

- Advertisement -

Form 6 Declaration Election Commission ECI: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા દરમિયાન નવા મતદારોની નોંધણી માટે ઉપયોગમાં લેવાતા ‘ફોર્મ 6’માં કરવામાં આવેલા ફેરફારોને લઈને બે ચૂંટણી કમિશનરોએ વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ સર્જાયો છે. આ વચ્ચે ભારતના ચૂંટણી પંચ (ECI)એ પ્રેસ નિવેદન બહાર પાડીને SIR માટે ફોર્મ 6માં ઉમેરવામાં આવેલા ‘ઘોષણાપત્ર’ (declaration form)ને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. ECIનું કહેવું છે કે ફોર્મ 6માં ઉમેરવામાં આવેલી આ ઘોષણાને સુપ્રીમ કોર્ટે બિહાર SIR અંગેના મે મહિનાના ચુકાદામાં મંજૂરી આપી હતી. જોકે, આ દાવા અંગે સવાલો ઉઠી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે ખરેખર હાલ ઉપયોગમાં લેવાતા આ ચોક્કસ ઘોષણાપત્રની તપાસ કરી હતી કે નહીં.

ECIએ જણાવ્યું હતું કે, “ફોર્મ 6માં ઉમેરવામાં આવેલી ઘોષણાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. SIR સિવાયના સમયગાળા માટે, નિયમો [મતદાર નોંધણી નિયમો, 1960] હેઠળ લાગુ પડતું ફોર્મ જ વાપરવામાં આવશે.” એટલે કે હાલ વિવાદમાં રહેલા નવા ઘોષણાપત્રને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યાનો ECIનો દાવો છે.

- Advertisement -

મતદાર યાદીમાં સમાવેશ અને સુધારા માટે મુખ્યત્વે ફોર્મ 6, ફોર્મ 7 અને ફોર્મ 8નો ઉપયોગ થાય છે. ફોર્મ 6 નવા મતદારોના સમાવેશ સાથે સંબંધિત છે, જ્યારે ફોર્મ 7 હાલના મતદારોના સમાવેશ સામેના વાંધા અથવા નામ રદ કરવા સાથે અને ફોર્મ 8 હાલના મતદારોની વિગતોમાં સુધારા સાથે સંબંધિત છે.

24 જૂન, 2025ના રોજ ECIએ બિહારમાં SIRની જાહેરાત કરતો આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ સાથે જોડાયેલા ‘પરિશિષ્ટ D’ (Annexure D)માં એક ઘોષણાપત્ર આપવામાં આવ્યું હતું, જે ફોર્મ 6 અથવા રાજ્યની બહારથી રહેઠાણ બદલવા માટેના ફોર્મ 8 સાથે સબમિટ કરવાનું હતું. તેમાં અરજદારે પોતાની ઉંમર, સામાન્ય રહેઠાણ અને નાગરિકતા અંગે ઘોષણા કરવાની હતી. ખોટી ઘોષણા કરવા બદલ RP એક્ટની કલમ 31 હેઠળ એક વર્ષ સુધીની જેલની જોગવાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બિહાર SIRને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે SIR હાથ ધરવાની ECIની સત્તાને માન્ય રાખી હતી. સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે SIR જેવી ચોક્કસ પ્રક્રિયા માટે ECI પાસે દસ્તાવેજીકરણનું માળખું તૈયાર કરવાની સત્તા છે. જોકે, આ સત્તા અબાધિત નથી અને કાનૂની માળખામાંથી કોઈ ફેરફાર કરવામાં આવે તો તેનો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે તાર્કિક સંબંધ હોવો જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.

- Advertisement -

જુલાઈમાં ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, ECIએ ‘ફોર્મ 6 ઘોષણાપત્ર’માં ફેરફાર કર્યા હતા. આ નવા ઘોષણાપત્રમાં અરજદારોએ તેઓ અથવા તેમના માતા-પિતા/સંબંધીઓ અગાઉની SSR પ્રક્રિયામાં સામેલ હતા કે નહીં તેની માહિતી આપવાની રહે છે. આ અગાઉના કાયદેસરના ફોર્મ 6 અને બિહાર SSR દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ઘોષણાપત્રથી અલગ હોવાનું જણાવાયું છે.

ફોર્મ 6ના ઓનલાઈન વર્ઝનમાં આ ઘોષણાને સીધી રીતે ફોર્મમાં સામેલ કરવામાં આવી છે. તેને સ્પષ્ટપણે ફરજિયાત તરીકે લેબલ કરવામાં આવ્યું ન હોવા છતાં, ઘોષણા ભર્યા વગર અરજદાર સબમિશનની પ્રક્રિયા આગળ વધારી શકતા નથી. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ફોર્મ 6ના આ ઘોષણાપત્રમાં કરવામાં આવેલા ફેરફારો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનો દાવો હતો કે કેન્દ્ર સરકાર નિયમોમાં સુધારો ન કરે ત્યાં સુધી આવા ફેરફારો લાગુ કરી શકાય નહીં. અહેવાલમાં સુખબીર સિંહ સંધુને ટાંકીને 13 ઓગસ્ટે આ ફેરફારોને “અધિકૃતતા વિનાના અને ગેરકાયદેસર” ગણાવ્યાનું જણાવાયું હતું.

નવા ઘોષણાપત્રમાં અરજદારની મૂળભૂત વિગતો ઉપરાંત અગાઉની SSRમાં અરજદાર અથવા તેમના સંબંધીઓની નોંધણી અંગેની માહિતી માંગવામાં આવે છે. અરજદારની પોતાની અગાઉની SSR સહભાગિતાની માહિતી લાગુ પડતી હોય ત્યારે જરૂરી છે, પરંતુ સંબંધીઓની અગાઉની SSR સહભાગિતાની માહિતી આપવી ફરજિયાત જણાય છે. તેમાં નામ, EPIC નંબર, સંબંધિનું નામ, સંબંધ, જિલ્લો, રાજ્ય, વિધાનસભા મતવિસ્તારનું નામ અને નંબર, ભાગ નંબર તથા સીરીયલ નંબર જેવી વિગતોનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs)ને પણ ઘોષણાપત્ર પર સહી કરવાની હોય છે, જેમાં અગાઉના SIR રેકોર્ડ અંગે આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરી હોવાનું દર્શાવવાનું હોય છે. ECIના જણાવ્યા પ્રમાણે, અગાઉની SIRની વિગતો ઉપલબ્ધ ન હોય અથવા ડેટાબેઝ સાથે મેળ ન ખાતી હોય તેવા અરજદારોને ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (EROs) દ્વારા નોટિસ આપવામાં આવશે.

ફોર્મ 6ની માર્ગદર્શિકા મુજબ ઘોષણા વિભાગમાં ખોટું નિવેદન કરવું RP એક્ટ હેઠળ ગુનો ગણાય છે. તેમાં એક વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે અગાઉના SIRમાં કોઈ સંબંધીની નોંધણી અંગે માહિતી આપતી વખતે થયેલી ભૂલને લઈને પણ કાનૂની કાર્યવાહીનો મુદ્દો ઊભો થઈ શકે છે.

બિહાર SIR અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે મતદાર નોંધણી નિયમો, 1960 હેઠળનું ફોર્મ 6 દસ્તાવેજીકરણનું માળખું નક્કી કરે છે, પરંતુ દરેક પ્રકારની SIR પ્રક્રિયામાં તેને સંપૂર્ણપણે એ જ રીતે લાગુ કરવું જરૂરી નથી. SIRની જરૂરિયાતોને અનુરૂપ દસ્તાવેજીકરણ માળખું ઘડવાની ECI પાસે અંતર્ગત સત્તા હોવાનું કોર્ટે સ્વીકાર્યું હતું.

સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ સત્તા “અબાધિત” નથી. ECIએ કાનૂની વ્યવસ્થાનું ધ્યાન રાખવું જોઈએ અને તેમાં કરવામાં આવતા કોઈપણ વિચલનનો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે “તાર્કિક સંબંધ” હોવો જોઈએ. મતદાર યાદીની ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાના હેતુ સાથે દસ્તાવેજીકરણ પ્રણાલીમાં જરૂરી ફેરફાર કરી શકાય, પરંતુ કાનૂની માળખાની અંદર યોગ્ય સંતુલન જાળવવાનું રહેશે.

આ કારણે હાલનો મુખ્ય સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટે જે ઘોષણાપત્રનો ઉલ્લેખ કર્યો હતો અને હાલમાં ફોર્મ 6 સાથે ઉપયોગમાં લેવાતું નવું ઘોષણાપત્ર શું એક જ છે? ECIનો દાવો છે કે સુપ્રીમ કોર્ટે SIR માટે ફોર્મ 6 સાથેના ઘોષણાપત્રને મંજૂરી આપી હતી. જોકે, અહીં એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ સમક્ષ રહેલા જૂન 2025ના આદેશના Annexure Dમાંનું ઘોષણાપત્ર અને જુલાઈમાં દાખલ કરવામાં આવેલ હાલનું ઘોષણાપત્ર અલગ છે.

હાલના ઘોષણાપત્રમાં અરજદાર મતદારે અગાઉના SIR દરમિયાન કોઈ સંબંધીની નોંધણી અંગેની વિગતો આપવાની રહે છે. SIRને પડકારનારા અરજદારોએ પણ મતદારો પાસેથી આવી તકનીકી માહિતી માંગવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કેટલાક લોકોને “પાર્ટ નંબર” જેવી વિગતોની જાણકારી પણ ન હોવાની વાત રજૂ કરી હતી.

આ પરિસ્થિતિમાં ECIએ એ સ્પષ્ટ કરવાનું રહેશે કે હાલની SIR પ્રક્રિયામાં મતદારની વર્તમાન નોંધણીને અગાઉના SIRમાં રહેલા સંબંધીની નોંધણી સાથે જોડવાની પદ્ધતિ કઈ રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા દર્શાવવામાં આવેલા “તાર્કિક સંબંધ”ના માપદંડને પૂર્ણ કરે છે. અગાઉના ચુકાદામાં કોર્ટે SIR પ્રક્રિયા ‘પ્રમાણસરતાની કસોટી’ પૂર્ણ કરતી હોવાનું અવલોકન કર્યું હતું. તેથી અગાઉના SIRમાં સંબંધીની નોંધણી સાથે પોતાની નોંધણી જોડવામાં મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે.

આ ઉપરાંત, નવા ઘોષણાપત્રની આવશ્યકતા અંગે ‘વાજબી વર્ગીકરણ’ અથવા ‘વાજબી ભેદભાવ’ના માપદંડનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. ખાસ કરીને એવી દલીલ કરવામાં આવી રહી છે કે જુલાઈમાં આ નવી આવશ્યકતા લાવવામાં આવી, જ્યારે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો અગાઉના SIR દરમિયાન સંબંધિની જૂની નોંધણીની આવી વિગતો આપવાની આવશ્યકતા વિના પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular