Separate Mass Shootings in South Africa Townships Leave at Least 27 People Dead : દક્ષિણ આફ્રિકાના બે મોટા શહેર જોહાનિસબર્ગના વેડેલા ટાઉનશીપ અને કેપ ટાઉન પાસેના લવાંડલેમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 27 લોકો મોતને ભેટ્યા છે. વેડેલા ટાઉનશીપમાં આવેલા બારમાં લોકો ગીત-સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ AK-47 અને પિસ્તોલમાંથી ગોળીઓ વરસાવતા 17 લોકોના મોત થયા અને 15 લોકો ઘાયલ થયા. હુમલાખોરોએ ભોગ બનનાર લોકોના ખિસ્સા તપાસી તેમના મોબાઈલ ફોન પણ કાઢી લીધા હતા. જ્યારે લવાંડલેમાં એક સ્ટોર પર થયેલા ફાયરિંગમાં 10 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટુકડીઓએ દોડધામ કરી મૂકી હતી. સાઉથ આફ્રિકા પોલીસે (South African Police) હુમલાખોરોને શોધી કાઢવા ઠેર-ઠેર નાકાબંધી કરી દઈ અને ઠેકાણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હુમલો કરવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ દક્ષિણ આફ્રિકાની પોલીસ ખાણકામના ઝઘડા અને વ્યવસાયિક દુશ્મનાવટની તપાસ કરી રહી છે.
સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ (Johannesburg) ના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા વેડેલા ટાઉનશિપમાં આવેલા એક બારમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટના બની હતી. લોકો ગૌતાંગમાં આવેલા એક બારમાં ગીત-સંગીત સાથે પાર્ટી કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરો એક-47 અને પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને તે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ હુમલામાં 17 લોકોના મોત થયા છે અને 15 લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. હુમલો કર્યા બાદ અજાણ્યા શખસો બે વાહનમાં ફરાર થઈ ગયા હતા.
જ્યારે કેપ ટાઉન (Cape Town) પાસે આવેલા લંવાડલેની એક દુકાન પર શનિવાર-રવિવારની મધરાત્રિ બાદ એકાદ વાગ્યાની આસપાસ ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કરેલા આ ફાયરિંગમાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કેટલાંક ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.








