Huge Row After Report Flags 2 Election Commissioners Objected To Poll Panel Steps : “અમારું સાંભળવામાં આવતું નથી”… બે ચૂંટણી કમિશનરની આ વ્યથા બાદ વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar CEC) સામે મોરચો માંડી દીધો છે. બે ચૂંટણી કમિશનરની અવગણનાના અહેવાલથી કોંગ્રેસ અને શિવસેના ગુસ્સે ભરાયા છે અને CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી છે.
દેશભરમાં ચૂંટણી પંચના મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) અભિયાન વચ્ચે એક નવો વિવાદ ઉભો થયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર બે અન્ય ચૂંટણી કમિશનરો દ્વારા મનસ્વી નિર્ણય લેવાનો અને તેમના વાંધાઓને અવગણવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક અહેવાલમાં ખુલાસો થયો છે કે, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ (Dr. Sukhbir Singh Sandhu) અને ડૉ. વિવેક જોશી (Dr. Vivek Joshi) એ 10 મહિનામાં 14 વખત ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સમક્ષ પોતાના વાંધાઓ નોંધાવ્યા હતા. બંને પક્ષોએ નવા મતદારો ઉમેરવા અને નામ કાઢી નાંખવા અંગે મતદારોને અંધારામાં રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ અને શિવસેના સહિત અનેક પક્ષોએ આ ખુલાસા પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે.
બિહારમાં જૂન-2025 માં SIR પ્રક્રિયા શરૂ થઈ હતી અને હવે ત્રણેય ચૂંટણી કમિશનરોના નેતૃત્વમાં દેશભરમાં મતદાર યાદીઓની સંપૂર્ણ સમીક્ષા ચાલી રહી છે. એક અખબારના અહેવાલ અનુસાર, સંધુ અને જોશીએ ઔપચારિક રીતે વાંધા દાખલ કર્યા છે. 10 મહિનામાં 14 વાંધા દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક જ દિવસમાં ચારનો સમાવેશ થાય છે. ચૂંટણી કમિશનરો કહે છે કે જારી કરવામાં આવતા નિર્ણયો અને આદેશોમાં તેમના વાંધા અને વિચારને સમાવવામાં આવતા નથી.
આ નવા વિવાદ અંગે ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ECI રોજ 10 આદેશ જારી કરે છે. ECI નિયમો બહુમતી નિર્ણયની જોગવાઈ કરે છે. જો ત્રણમાંથી બે સભ્યો સંમત થાય છે તો નિર્ણય લાગુ કરવામાં આવે છે. બંને ચૂંટણી કમિશનરે ચોક્કસ અવલોકનો કર્યા હતા. જેના પર વિચાર કરવામાં આવ્યો હતો. બધા નિર્ણયો ત્રણેય ચૂંટણી કમિશનર દ્વારા સહી કરવામાં આવે છે. કોઈ પણ ચૂંટણી કમિશનરે અસંમતિ વ્યક્ત કરી ન હતી, તેમણે ફક્ત કેટલાંક અવલોકનો કર્યા છે.








