Changes to tender process rules in the Roads and Buildings Department Gujarat : રાજ્યમાં સરકારના અનેક બાંધકામ પ્રોજેક્ટ લાંબા વિલંબ અને ભાવ વધારા સાથે પૂર્ણ થયા છે અને થતા આવ્યા છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) એક નવો અને મહત્વનો નિર્ણય કર્યો છે. માર્ગ અને મકાન વિભાગના કામો ઝડપી પૂર્ણ થાય તે માટે ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરાયો છે અને ટેન્ડરની માન્યતાનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરાયો છે. જ્યારે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા મહત્તમ 51થી 66 દિવસમાં પૂર્ણ કરવા આદેશ કરાયો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઇને જે તે અધિકારીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે. અધૂરી દરખાસ્તોને કારણે થયેલા વિલંબની સંપૂર્ણ જવાબદારી જે-તે રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે.
રાજ્યમાં બનતા રોડ, પુલ અને સરકારી મકાનોના કામમાં ગતિ લાવવા માટે ટેન્ડર પ્રક્રિયામાં સુધારા કરાયા છે. પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાનમાં લેવાતો હતો. ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે અન્ય સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.








