Monday, September 21, 2026
HomeGujaratકાળી દાઢી વાળો શખ્સ ઈન્નોવામાંથી ઉતર્યો, મંત્રીની હત્યા પ્રકરણમાં થયું આ રીતે...

કાળી દાઢી વાળો શખ્સ ઈન્નોવામાંથી ઉતર્યો, મંત્રીની હત્યા પ્રકરણમાં થયું આ રીતે રિકન્સ્ટ્રક્શન| શતરંજ-35

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-35, નવજીવન ન્યૂઝ): ક્રાઇમ-બ્રાન્ચના હાથે મહત્વનો સાક્ષી છનો લાગ્યો હતો. તેમનો ઉત્સાહ દેખાતો હતો. તેમને એક કડી એવી હાથ લાગી હતી, જેથી તેમને મંત્રી કિરણ ત્રિવેદીના હત્યારા સુધી પહોંચવાની આશા જન્મી હતી. ક્રાઇમ-બ્રાન્ચે છનાને ફાઇન આર્ટ્‌સના એક પ્રોફેસર પાસે બેસાડી તેણે જેને ગોળીબાર કરતો જોયો હતો, તેનો સ્કેચ બનાવવાની શરૂઆત કરી હતી. જોકે આજ સુધી કોઈ આરોપી સ્કેચના આધારે પકડાઈ ગયો હોય તેવું બન્યું ન હતું. છતાં પોલીસે તેની જૂની પરંપરા ચાલુ રાખી રહી હતી. ડીસીપી વછરાજાનીના ચહેરા ઉપર તેજ હતું. તેમણે પોતાના સ્ટાફને બોલાવી જરૂરી સૂચનાઓ આપી હતી, જેમાં મહત્ત્વની સૂચના એવી હતી કે, છનો તેમને નજરે જોનાર સાક્ષી છે. તેનું નામ જાહેર થાય નહીં, તેવી તાકીદ કરી હતી. સાથે છનાને પણ પોતાનું મોઢું બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. વછરાજાનીએ જ્યારે અમર ઠાકોરને ઉત્સાહમાં આવી તેમની પાસે ઘટનાને નજરે જોનાર એક સાક્ષી હોવાની વાત કરી ત્યારે તેમને આ વાત સાંભળી ખાસ ખુશી થઈ ન હતી, તે વાત વછરાજાનીના ધ્યાનમાં આવી હતી. ઠાકોરે સાવ સામાન્ય ઘટના હોય તે રીતે તેમની વાત સાંભળી ફોન મૂકી દીધો હતો. છનો હજી ક્રાઇમ-બ્રાન્ચમાં જ હતો. તેને રાતે પણ ત્યાં જ રોકવામાં આવ્યો હતો. રાતે શું કામ છે તેની છનાને પણ ખબર ન હતી. ક્રાઇમ-બ્રાન્ચના તમામ સ્ટાફને પણ નાઇટ કરવાની સૂચના આપી દેવાની હતી.

છનો થાકી ક્રાઇમ-બ્રાન્ચના ઉપરના માળે આવેલા એક સોફા ઉપર સૂઈ ગયો હતો. અચાનક તેને કોઈ હલાવી ઉઠાડી રહ્યું હોય તેવું લાગ્યું. તેણે આંખ ખોલીને જોયું. તો વિનય તોમર તેને ઉઠાડી રહ્યો હતો. તેણે પ્રશ્નાર્થ નજરે તોમર સામે જોયું. તોમરે તેને કહ્યું, “મોઢું ધોઈ લે, ચા આવી છે. આપણે બહાર જવાનું છે.” છનાને કંઈ સમજાયું નહીં… ક્યાં જવાનું છે? પણ પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ ન હતો. તે સીડી ઊતરી નીચે આવ્યો. સામે જ બાથરૂમ હતું, ત્યાં જઈ મોઢું ધોયું. તે બહાર આવ્યો ત્યારે એક કૉન્સ્ટેબલ પ્લાસ્ટિકના કપમાં તેના માટે ચા લઈ આવ્યો. ચા પીતાં પીતાં તે વિચાર કરતો હતો, જે પોલીસથી તે રોજ ડરતો હતો, તે પોલીસ જ તેને ચા પિવડાવી રહી હતી! ત્યાં બધા જ પોલીસ-અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી બહાર આવી, ચોગાનમાં ઊભા રહ્યા, ત્યારે વછરાજાની પણ ચેમ્બરમાંથી બહાર આવ્યા. વિનયે છનાને પોતાની સાથે જીપમાં આવવાની સૂચના આપી. છનો જીપમાં જઈ રહ્યો હતો, ત્યારે તેણે જોયું તો શહેર હજી ઊંઘતું હતું. ક્યાંક ક્યાંક રસ્તા ઉપર રખડતાં કૂતરાં નજરે પડતાં હતાં. ક્રાઇમ-બ્રાન્ચમાંથી નીકળી જીપ એલિસબ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી, ત્યારે તેણે કેટલાક સાઇકલવાળા જોયા. તેને જોતાં જ તે સમજી ગયો કે તે અખબાર લેવા જતા ફેરિયાઓ હતા. તેણે બાજુમાં બેઠેલા કૉન્સ્ટેબલને પૂછ્યું, “કેટલા વાગ્યા?” કૉન્સ્ટેબલે પોતાની કાંડા-ઘડિયાળમાં જોઈ જવાબ આપ્યો, “સાડા ચાર.” આગળની સીટમાં બેઠેલા તોમરને છનાએ પૂછ્યું, “ક્યાં જઈએ છીએ?” તોમરે પાછળ જોયા વગર જવાબ આપ્યો, “ચિંતા કરતો નહીં. તારી ચાની લારી ઉપર જઈએ છીએ, ત્યાં તેં ક્યાં કેવી રીતે જોયું તે બતાવવાનું છે.”

- Advertisement -

પોલીસનાં વાહનો લૉ ગાર્ડન થઈ, મંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવીને ઊભાં રહ્યાં. પોતાની કારમાંથી વછરાજાની અને નાયર ઊતર્યા. તેમણે છનાની લારી હતી, ત્યાં તેને ઊભા રહેવાની સૂચના આપી. ત્યાં એક ખાનગી કાર આવી જે, ઇન્સ્પેક્ટર મહેશ રાવ ચલાવતો હતો. તેણે તે કાર ત્યાં જ ઊભી રાખી જ્યાં બનાવના દિવસે કિરણ ત્રિવેદીની કાર ઊભી રાખી હતી. પોલીસની ભાષામાં આ રિકન્સ્ટ્રક્શન હતું. બનાવ કેવી રીતે બન્યો તે પોલીસ જાણવાનો પ્રયત્ન કરતી હતી. વછરાજાનીએ સૂચના આપતાં છનો તે દિવસે જે ચાર રસ્તા ઉપર હતો, ત્યાંથી મહેશ રાવે કાર જ્યાં ઊભી રાખી હતી, ત્યાં સુધી મોટી મેઝર ટેપ લઈ બંને વચ્ચેનું અંતર માપવા લાગ્યા, વછરાજાનીએ માપણી પૂરી થતાં પૂછ્યું, “કેટલું?” કૉન્સ્ટેબલે જવાબ આપ્યો “૨૯ મીટર.” તેમણે મંદિર સુધીનું અંતર માપવાની સૂચના આપી. તેનું માપ લેતાં તે ૪૧ મીટર હતું. છનો બધું ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો. મંદિરના પૂજારી પણ મંદિરની બહાર આવી શું થઈ રહ્યું છે, પોલીસ શું કરી રહી છે તે જોઈ રહ્યા હતા. સવારનો સમય હતો. પબ્લિક અને પ્રેસવાળા ન હતા માટે રિકન્સ્ટ્રક્શનમાં કોઈ વાંધો ન હતો.

વછરાજાનીએ અગાઉથી સૂચના આપી હોય તેમ બે પોલીસવાળા મંદિરમાં આવ્યા અને તે મંદિરનો ઘંટ વગાડવા લાગ્યા. પૂજારી વિચારમાં પડી ગયા તે જ વખતે બે પોલીસવાળા ખાનગી ડ્રેસમાં લૉ ગાર્ડન તરફથી મોટર સાઇકલ ઉપર આવ્યા. તે પૈકી જે પાછળ બેઠો હતો, તેની પાસે પિસ્તોલ હતી. તે નીચે ઊતર્યો અને બે રાઉન્ડ ગોળીઓ હવામાં છોડી. જોકે તે ડમી કારતૂસ હતા, તેનાથી કોઈને નુકસાન થાય તેવું ન હતું. ગોળીબાર થયો ત્યારે મંદિરમાં ઘંટ વાગી જ રહ્યા હતા. પેલા બે પોલીસવાળા એકદમ એવું જ કરી રહ્યા હતા, જેવું છનાએ કહ્યું હતું. જેના હાથમાં પિસ્તોલ હતી, તે પોલીસવાળાએ છના તરફ પિસ્તોલ તાકવાની ઍક્ટિંગ કરી અને તે પાછો મોટર સાઇકલ ઉપર બેસી ગયો અને મોટર સાઇકલ સી. જી. રોડ તરફ જતી રહી. વછરાજાનીએ તરત મંદિરમાં ઘંટ વગાડી રહેલા પોલીસને ઘંટ બંધ કરવાની સૂચના આપી.

વિનય તોમર છનાની પાસે જ ચાર રસ્તા ઉપર ઊભો હતો. તે હવે છનાને લઈ કાર પાસે આવ્યો. તેણે વછરાજાનીને કહ્યું, “સર, ગોળી મારનારનો ચહેરો તો જોઈ શકાય તેમ છે.” વછરાજાની જાણવા માગતા હતા કે, જ્યાં છનો ઊભો હતો ત્યાંથી હત્યારાનો ચહેરો જોઈ શકાય તેમ હતો કે નહીં. ત્યારે મંદિરમાં ઘંટ વગાડી રહેલા પોલીસવાળા આવ્યા. તેમની સામે વછરાજાનીએ જોતાં જ તેમણે કહ્યું, “ના સાહેબ, ફાયરિંગનો અવાજ સંભળાયો નહીં.” એટલે જ્યારે ગોળી ચાલી ત્યારે મંદિરમાં કોઈ બહાર કેમ દોડી આવ્યું નહીં, તેનો તર્ક છનો કહેતો હતો તે સાચો હતો. છનાને બાજુ ઉપર રાખી, વછરાજાની, નાયર, તોમર અને રાવ સાઇડ ઉપર ગયા. ત્યાં તેમણે લગભગ દસ મિનિટ સુધી વાત કરી પછી, વિનય બાજુ ઉપર આવ્યો. તેણે પોતાના ડ્રાઇવરને સૂચના આપી કે “છનાને તેના ઘરે ઉતારી આવ.” વળી છનાને કહ્યું, “હમણાં ક્યાંય જતો નહીં. તને બોલાવું ત્યારે આવી જજે.” છનાને ભૂદરપુરા મૂકવા પોલીસની જીપ રવાના થઈ. હત્યારા લૉ ગાર્ડન તરફથી આવ્યા હતા, ત્યાં ચાર રસ્તા પડતા હતા. એક રસ્તો મીઠાખળી તરફથી આવતો હતો, બીજો રસ્તો લૉ ગાર્ડન પાસે આવેલી એનસીસી ઑફિસ તરફથી આવતો હતો અને ત્રીજો રસ્તો ઠાકોરભાઈ હૉલ તરફથી આવતો હતો.

- Advertisement -

હત્યારા આ ત્રણ રસ્તા પૈકી કયા રસ્તે આવ્યા હશે તેનો વછરાજાની વિચાર કરતા હતા. જ્યારે તેઓ ગોળી મારી સી જી રોડ તરફ ગયા ત્યાં પણ ચાર રસ્તા પડતા હતા. લૉ ગાર્ડન તરફથી આવ્યા પછી જમણી તરફ સ્વસ્તિક ચાર રસ્તા જવાય. સીધો રસ્તો, ગુલબાઈ ટેકરા જતો અને ડાબો રસ્તો પંચવટી જતો હતો. મોટા ભાગે શહેરની બહાર નીકળવા માટે પંચવટી તરફ ગયા હોવાની શક્યતા વધારે હતી. બધાના ચહેરા ઉપર થાક હતો. વછરાજાનીએ બધાને ઘરે જવાની મંજૂરી આપતાં બધા ઘરે જવા નીકળ્યા. તમામ પોલીસ-અધિકારીઓ અને કૉન્સ્ટેબલ સાવધાનમાં ઊભા રહી ગયા, સ્થળ ઉપર હાજર અધિકારીઓ પૈકી નાયર સિનિયર હોવાને કારણે તેમને સલામી આપી અને વછરાજાનીની કાર રવાના થઈ. ગાંધીનગર જતાં રસ્તામાં વછરાજાનીના મગજમાં અમર ઠાકોરના વિચાર શરૂ થયા. તેમનો વ્યવહાર કંઈ સમજાય તેવો ન હતો. એક તરફ ક્યારેક કિરણ ત્રિવેદીના અનડિટેક્ટ મર્ડરને લઈ નારાજ થઈ જતા, ગુસ્સો કરતા અને બીજી તરફ તે રોજ કેસમાં શું પ્રોગ્રેસ છે તે જાણવાની ઉત્સુકતા દાખવતા હતા. પણ જ્યારે તેમને નજરે જોનાર સાક્ષી મળ્યો છે, તેવું તેમણે જાણ્યું ત્યારે તેઓ સ્તબ્ધ હતા. થોડીક ક્ષણ તો તેમનો અવાજ જ બંધ થઈ ગયો હતો. ત્યારે વછરાજાનીને લાગ્યું કે, તેમનો ફોન ડિસકનેક્ટ થઈ ગયો છે, એટલે જ્યારે તેમણે ‘હેલો’ કહ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે, “સાંભળું છું.” વછરાજાનીને અમર ઠાકોરનો વ્યવહાર સમજાતો ન હતો. એક પોલીસ-અધિકારી તરીકે તેમને કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું.

વછરાજાનીના ફોન પછી તરત અમર ઠાકોરે ઇન્દ્રસિંહ જાડેજાને પોતાની ઑફિસમાં બોલાવ્યા હતા. જ્યારે નજરે જોનાર સાક્ષી છે તેવું ઇન્દ્રસિંહે જાણ્યું ત્યારે તેમના કપાળની રેખાઓ પણ તંગ થઈ ગઈ હતી. તેમની વચ્ચે થયેલી બંધબારણે બેઠક બાદ ઇન્દ્રસિંહ ત્યાંથી નીકળ્યા હતા. બીજા દિવસે સવારે ઇન્દ્રસિંહ દીવ જવા રવાના થયા હતા. જોકે તે પોતાની સરકારી ગાડીમાં ન હતા, તેમનો અંગત ડ્રાઇવર બિલ્ડર પાનસુરિયા દ્વારા મોકલવામાં આવેલી કાર ચલાવી રહ્યો હતો. જ્યારે ખાનગી કામ હોય ત્યારે ઇન્દ્રસિંહ સરકારી કારનો ઉપયોગ કરતા ન હતા, આવા સમયે તે પોતાની ઑફિસમાં પણ જાણ કરતા ન હતા કે ક્યાં જઈ રહ્યા છે. તે જે કામ માટે નીકળ્યા હતા, તેની માત્ર મંત્રી અમર ઠાકોરને જ ખબર હતી. અગાઉથી પાનસુરિયાએ હોટલ રેજન્સીમાં બુકિંગ પણ કરાવી દીધું હતું. દીવ પહોંચતાં જ ઇન્દ્રસિંહ રૂમ પર જઈ ફ્રેશ થયા અને થોડી વારમાં કાફેટેરિયામાં આવી તેમણે કૉફીનો ઑર્ડર આપ્યો. હોટલનો મૅનેજર ઇન્દ્રસિંહને સારી રીતે ઓળખતો હતો… કૉફીના ઑર્ડર પછી તરત મૅનેજર તેમને મળવા આવ્યો… “ગુડ ઇવનિંગ સર. કેમ છો? કંઈ નાસ્તો લેશો?” ઇન્દ્રસિંહે સ્માઇલ સાથે ના પાડી. તે જ વખતે અમદાવાદ પાસિંગની ઇનોવા કાર હોટલના પાર્કિંગમાં દાખલ થઈ અને ઇન્દ્રસિંહની કારની બાજુમાં આવી ઊભી રહી તથા તેમાંથી એક વ્યક્તિ ઊતરી. ઊંચો લેંઘો અને ઝભ્ભો પહેર્યો હતો. મૂછો ન હતી, પણ લાંબી કાળી દાઢી હતી.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular