Abhinandan Varthaman FLY91 Indian Air Force: ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વિર ચક્રથી સન્માનિત અભિનંદન વર્ધમાન હવે ભારતીય વાયુસેનાની સેવા છોડીને ખાનગી ક્ષેત્રમાં નવી ઇનિંગ શરૂ કરી છે. વર્ષ 2019માં પાકિસ્તાન સાથેની હવાઈ અથડામણ દરમિયાન પાકિસ્તાની લડાકુ વિમાનને તોડી પાડીને દેશભરમાં ચર્ચામાં આવેલા અભિનંદન હવે ગોવા સ્થિત પ્રાદેશિક એરલાઇન FLY91 સાથે કોમર્શિયલ પાયલટ તરીકે જોડાયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનંદન વર્ધમાન ઓગસ્ટ મહિનામાં FLY91 સાથે જોડાયા હતા. જોકે તેમણે વાયુસેના છોડવાનો નિર્ણય શા માટે લીધો તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. એરલાઇન તરફથી પણ તેમના હોદ્દા અને જવાબદારીઓ અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
અભિનંદન વર્ધમાન વર્ષ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી હવાઈ અથડામણ બાદ દેશના સૌથી ચર્ચિત વાયુસેના અધિકારીઓમાં સામેલ થયા હતા. આ હવાઈ યુદ્ધ દરમિયાન તેમણે પાકિસ્તાનના લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. જોકે ત્યારબાદ તેમનું વિમાન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થતાં તેઓ પાકિસ્તાનના કબજામાં પહોંચી ગયા હતા.
પાકિસ્તાનમાં લગભગ ત્રણ દિવસ સુધી હિરાસતમાં રહ્યા બાદ અભિનંદન વર્ધમાનને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. તેમની વતન વાપસીના દ્રશ્યો સમગ્ર દેશ માટે ભાવનાત્મક ક્ષણ બની ગયા હતા અને તેમની બહાદુરીને દેશભરમાં બિરદાવવામાં આવી હતી.
તેમની અસાધારણ બહાદુરી અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને વર્ષ 2021માં અભિનંદન વર્ધમાનને ‘વીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભારતનો યુદ્ધકાળ દરમિયાન આપવામાં આવતો ત્રીજો સૌથી મોટો વીરતા પુરસ્કાર છે. તેમના પ્રશસ્તિપત્રમાં હવાઈ અથડામણ દરમિયાન દર્શાવેલી બહાદુરી અને ફરજ પ્રત્યેના અસાધારણ સમર્પણનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હવે ભારતીય વાયુસેનામાં લાંબી સેવા આપ્યા બાદ અભિનંદન વર્ધમાન નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ્યા છે. તેઓ ગોવા સ્થિત પ્રાદેશિક એરલાઇન FLY91 સાથે પાયલટ તરીકે જોડાયા છે. જોકે FLY91ના પ્રવક્તાએ કર્મચારીઓની વ્યક્તિગત માહિતી ખાનગી હોવાનું કહી આ મુદ્દે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
FLY91એ માર્ચ 2024માં પોતાની કામગીરી શરૂ કરી હતી. એરલાઇનના કાફલામાં હાલમાં ATR 72-600 પ્રકારના છ વિમાનો સામેલ છે અને ગોવા તથા હૈદરાબાદ તેના મુખ્ય ઓપરેશનલ કેન્દ્રો છે. દેશની સુરક્ષા માટે આકાશમાં લડાકુ વિમાન ઉડાવનાર અભિનંદન વર્ધમાન હવે કોમર્શિયલ ઉડ્ડયન ક્ષેત્રમાં મુસાફરોની સેવા કરતા જોવા મળશે.








