Tuesday, September 15, 2026
HomeGujaratએન્કાઉન્ટર થવાનું હોય તે દિવસે અમદાવાદ પોલીસ કમિશનર રજા પર કેમ જતા...

એન્કાઉન્ટર થવાનું હોય તે દિવસે અમદાવાદ પોલીસ કમિશનર રજા પર કેમ જતા રહેતા? | શતરંજ-29

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-29, નવજીવન ન્યૂઝ): સવાર થતાં જ પોલીસ-અધિકારીઓના ફોનની ઘંટડીઓ રણકવા લાગી. બધા એકબીજાને સવાલ પૂછતા હતા, ‘બગડમ’ અખબાર વાંચ્યું, ઇન્દ્રસિંહ નાઇટ કરી સૂઈ રહ્યા હતા. તે વખતે ડીસીપી વછરાજાનીએ તેમને ફોન કરી જગાડ્યા અને પૂછ્યું : “બગડમ વાંચ્યું?” ઇન્દ્રસિંહની ઊંઘ ઊડી ગઈ. તરત ફોન મૂકી તેમણે છાપું લીધું, એક પછી એક પાનાં ફેરવ્યાં, ત્રણ નંબરના પાના ઉપર નિઝામના ભાઈ નૂરુના ઇન્ટરવ્યૂ સાથે સાથે નિઝામના ઍન્કાઉન્ટરને લઈ કેટલાક સવાલો ઊભા કર્યા હતા. છેલ્લે નિઝામ સોલાપુરમાં હતો, તો પછી તે અમદાવાદ કેવી રીતે પહોંચ્યો અને તેની સાથે રહેલી પત્ની રૂપા ક્યાં ગઈ? — તેવા અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. છાપું પછાડી ઇન્દ્રસિંહ ઊભા થઈ ગયા. આ પત્રકાર આદેશને તેમણે અનેક વખત બેસાડી સમજાવ્યો હતો, પણ તે માનતો ન હતો. બીજી તરફ તેઓ ડંફાસ પણ મારતા હતા કે ‘છાપાવાળા કંઈ પણ લખે… અમને ફર્ક પડતો નથી’… પણ તેવું ન હતું. ફર્ક પડતો હતો. બહુ વિચાર પછી તેમણે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કંઈ થશે નહીં. રૂપા બોલે તેમ હતી, પણ તેની હવે ચિંતા ન હતી, કારણ કે હવે ફાર્મ હાઉસ ખાલી હતું, ત્યાં કોઈ ન હતું. રૂપા યાદ આવતાં તેમણે તરત ઇન્સ્પેક્ટર કેતનને ફોન લગાવ્યો. તેણે તરત ફોન ઉપાડ્યો, તેમણે પૂછ્યું : “કેતન, શું સ્થિતિ છે?” તેણે કહ્યું, “બસ સર, તમને જ ફોન લગાડતો હતો. અમદાવાદ આવવા નીકળી ગયો છું.” તેમણે પૂછ્યું : “બધું બરાબર થયું?” તેણે હા પાડતાં તેમણે ફોન મૂક્યો. કેતન પોતાની સરકારી કારમાં અમદાવાદ આવી રહ્યો હતો. તેની કારમાં તેની સાથે રાઇટર મહેન્દ્રસિંહ હતા, જ્યારે બીજી એક એટીએસની કાર પાછળ આવી રહી હતી. કેતનનું આ કંઈ પહેલું ઍન્કાઉન્ટર ન હતું; અગાઉ પણ તે કરી ચૂક્યો હતો. તે ટ્રિગર હેપ્પી હતો, તેને ગોળી મારી માણસ મારી નાખવાની કંઈ મજા આવતી હોય તેવું તેને લાગતું હતું. કોઈ બાળક વીડિયો ગેમમાં ગોળીબાર કરે અને દુશ્મનને મારી નાખે તે રીતે તે બીજા ઉપર ગોળી ચલાવતો હતો.

૨૦૦૨ની સાલમાં જ્યારે રમખાણો થયાં ત્યારે તેણે મુસ્લિમો ઉપર પણ આવા જ અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. ત્યારે તો પોતે હિંદુ હોવાને કારણે તેને લાગતું કે, મુસ્લિમોને તો મારવા જ જોઈએ. તોફાનો દરમિયાન તે પોતાના મિત્રો વચ્ચે કેટલાક મુસ્લિમોને તેણે માર્યા તેની બડાઈઓ પણ મારતો હતો, ત્યારે કેતનને તેની પણ ખબર હતી. મુસ્લિમો ઉપર ગોળીબાર થાય તો સરકાર પણ પૂછવાની ન હતી કે કેમ ગોળીબાર કર્યો. એક વખત તોફાનો દરમિયાન તે ઇન્દ્રસિંહ સાથે અમર ઠાકોરને મળવા ગયા હતા, જોકે ત્યારે અમર ઠાકોર માત્ર ધારાસભ્ય હતા. મંત્રી થયા ન હતા. ઠાકોરે ઇન્દ્રસિંહને અભિનંદન આપતાં કહ્યું : “તમારા સ્ટાફે નરોડા પાટિયામાં બહુ સારું કામ કર્યું, બાકી આ હિંદુઓ પોલીસ વગર કંઈ કરી શકતા નથી. પાંચ મિયાં આવે તો પાંચસો હિંદુઓ ઊભી પૂંછડીએ ભાગે.” ઠાકોરે ત્યારે પૂછ્યું હતું : “કેટલા મિયાં માર્યા?” ઇન્દ્રસિંહે યાદ કરતાં કહ્યું હતું, “સર, એક્ઝેટ તો જોવું પડશે, પણ પંચોતેર-એંસી હશે.” ઠાકોરે તરત કહ્યું : “નહીં નહીં, નહીં ચાલે. તમારા નરોડાવાળા પેલા છોકરાઓ છે ને? શું નામ… મહેશ મહાદેવ, કાન્તિ સીતારામ… તેમને કહી દેજો બીજી કોઈ ચિંતા ના કરે. આપણે બીજું ૧૯૬૯ કરવાનું છે.” કેતન ત્યારે કંઈ સમજ્યો નહીં, કારણ કે ૧૯૬૯માં તો તેનો જન્મ પણ થયો ન હતો. પછીથી ઇન્દ્રસિંહે સમજાવ્યું હતું કે ‘૧૯૬૯માં બહુ મોટાં કોમી તોફાનો થયાં હતાં, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમોની હત્યા થઈ હતી. એક અંદાજ પ્રમાણે પાંચ હજાર કરતાં વધુ હતા, પણ ત્યારે ટીવીવાળા ન હતા, માટે બબાલ થઈ હતી.’

- Advertisement -

ઇન્દ્રસિંહે એક મહત્ત્વની વાત કહી તે એ હતી કે, ‘૨૦૦૨નાં તોફાનો માટે દેશી જનતા પાર્ટીને ગાળો ભાંડતી આક્રોશ પાર્ટીની ૧૯૬૯માં સરકાર હતી અને મુસ્લિમોની કત્લેઆમ કરાવવામાં તેમનો મોટો ફાળો હતો. જોકે દેશી જનતા પાર્ટીવાળા કરતાં આક્રોશવાળા વધુ હોશિયાર માટે તેમણે ક્યારેય તોફાનોની ક્રેડિટ લીધી નહીં.’ કેતન બહુ રસપૂર્વક ઇતિહાસ સાંભળી રહ્યો હતો. તેને લાગતું કે તેને ઇન્દ્રસિંહ જેવા અધિકારી ના મળ્યા હોત તો તેને આ બધું કોણ કહેતું. ૨૦૦૨નાં તોફાનો વખતે અમર ઠાકોર મંત્રી મંડળમાં ન હતા, છતાં તેમનું મુખ્યમંત્રી ગોવિંદરાય પાસે ખાસ્સું વજન પડતું, તેમને ૨૦૦૨નાં તોફાનોને કારણે જે તક મળી હતી અથવા તેમણે ઊભી કરી હતી તેનો ફાયદો લેવાની ગણતરીઓ શરૂ થઈ ગઈ હતી. તેના માટે તેમને કહ્યાગરા પોલીસ-અધિકારીઓની જરૂર હતી, જે સવાલ પૂછ્યા વગર માત્ર સૂચનાઓનું પાલન કરે, જેમાં તેમની પહેલી પસંદગી જે. કે. વછરાજાનીની હતી, ત્યાર બાદ ઇન્દ્રસિંહ જાડેજા હતા. અમર ઠાકોર ગોવિંદરાય મહેતાને રાષ્ટ્રીય નેતા બનાવવા જઈ રહ્યા હતા, જેમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(સીઆઈએ)ના જૉઇન્ટ ડિરેક્ટર આર. જે. ઘોષની ભૂમિકા મહત્ત્વની હતી. ગોવિંદરાયે જ ઘોષ સાથે ઠાકોરની મુલાકાત કરાવી હતી, ત્યાર બાદ ઘોષ અને ઠાકોર અવારનવાર મળતા હતા. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ દ્વારા અચાનક ગોવિંદરાયના જીવને જોખમ હોવાના ઍલર્ટ મૅસેજ આવવા લાગ્યા હતા અને ત્યાર બાદ ઍન્કાઉન્ટરનો સિલસિલો શરૂ થયો હતો. જેના કારણે ગોવિંદરાયની હિંદુ નેતા તરીકેની છબી વધુ મજબૂત થવા લાગી હતી. જોકે ખરેખર શું થઈ રહ્યું છે તેની સાથે જનતાને કોઈ નિસબત ન હતી.

આ અને આવી અનેક ઘટનાઓ હતી, જેનાં પ્યાદાંઓ તરીકે ઈન્સપેક્ટર કેતન રાજપૂત, વિનય તોમર, મહેશ રાવ, ઉદય પટેલ, રામસિંહ પરમાર જેવા અનેક હતા. પણ તેમને તેની ખબર ન હતી. તે તમામને દેશદાઝની રસી પિવડાવવામાં આવી રહી હતી. તેઓ માનતા હતા કે, મુસ્લિમોને મારીને તેઓ દેશની સેવા કરી રહ્યા હતા, એટલું જ નહીં પણ એક પોલીસ-અધિકારી તરીકે તેમના ખભા ઉપર બહુ વિશેષ જવાબદારી છે તેવું તેમનું માનવું હતું. કેતન અમદાવાદ પાછો આવી રહ્યો હતો. આંખમાં ઉજાગરા હતા. સામાન્ય રીતે એવું બનતું કે નાઇટ કર્યા પછી તે ઘરે જતો હોય ત્યારે તેને સરકારી કારમાં જ ઊંઘ આવી જતી, પણ આજે તેવું થઈ રહ્યું ન હતું. તે આંખ બંધ કરવાનો પ્રયત્ન કરતો પણ આંખો બંધ કરી શકતો ન હતો, તે વ્યાકુળ હતો, તેને મનમાં પહેલી વખત સવાલ થઈ રહ્યો હતો કે ‘તે આ બધું શું કામ કરે છે?’ પણ તે પોતાને જ જવાબ આપી શકતો ન હતો. તેણે જિપ્સીની પાછળની સીટમાં બેઠેલા મહેન્દ્રસિંહ તરફ જોયું તો તે ઘસઘસાટ સૂઈ રહ્યા હતા. તેને લાગ્યું કે આમને કેવી રીતે ઊંઘ આવતી હશે. કેતનના મનમાં ગડમથલો શરૂ થઈ હતી. તે વિચારોમાં હતો. તેને ખબર જ ના રહી ને અમદાવાદ પણ આવી ગયું અને તે ઘર સુધી પહોંચી ગયો. ઘર આવતાં તેણે ડ્રાઇવર અને મહેન્દ્રસિંહને કહ્યું, “આજે હું ઑફિસ નહીં આવું, તમારે પણ આરામ કરવો હોય તો કરજો.” કેતન ઘરે પહોંચ્યો. મેઇન ડૉર અડધો ખુલ્લો જ હતો. કેતન ઘરમાં દાખલ થયો. તેની પત્ની ‘બગડમ’ અખબાર લઈને જ બેઠી હતી. તે નિઝામના ઍન્કાઉન્ટરના જ સમાચાર વાંચી રહી હતી. કેતનને જોતાં જ તેણે અખબાર મૂક્યું અને કહ્યું : “લો તમને જ યાદ કરતી હતી.” અખબાર તરફ ઇશારો કરતાં કહ્યું : “છાપામાં લખ્યું છે કે નિઝામે કોઈ રૂપા નામની છોકરી સાથે લગ્ન કર્યાં હતાં, તે પણ સાથે હતી, પણ હવે તે ક્યાં છે તેની કોઈને ખબર નથી.”

રૂપાનું નામ સાંભળતાં કેતનના પગ નીચેથી ધરતી ખસી ગઈ. તે જે વાતથી દૂર જવા માગતો હતો, તે જ વાત તેના ઘર સુધી આવી ગઈ. તે સ્તબ્ધ હતો. કંઈ બોલી શક્યો નહીં. તેણે ટિપાઈ ઉપર પડેલું અખબાર ઉપાડી તેની ઉપર નજર કરી, તેને હજી સુધી છાપાના સમાચાર વિશે કશી ખબર જ ન હતી. તેની પત્નીના મોઢે તેણે રૂપાના સમાચારની વાત સાંભળી હતી. કેતનની પત્ની વિદ્યાર્થીભાવે પતિ સામે જોઈ રહી હતી કે તે રૂપા અંગે કંઈ કહે. પહેલાં તો કેતનને ખબર જ ન હતી કે તેની પત્ની તેની સામે જોઈ રહી છે. તેની નજર ભલે અખબારમાં હોય પણ તેની હાજરી બીજે ક્યાંક હતી. કેતનનું ધ્યાન તેની પત્ની તરફ જતાં જ તેણે આદેશાત્મક ભાષામાં પણ ધીમા અવાજે કહ્યું : “તું આ છાપા-બાપા વાંચીશ નહીં, અડધા ગપ્પાં હોય છે. જા, જલદી ચા લઈ આવ. થાકી ગયો છું. ચા પીને સૂઈ જઈશ.” સામાન્ય રીતે માણસ ઊઠીને ચા પીએ, પણ પોલીસની અનિયમિત જિંદગીને કારણે કેતન કાયમ ચા પીધા પછી સૂઈ જતો. તેની પત્ની ચા લેવા રસોડામાં ગઈ. સવારના અગિયાર વાગ્યા હશે. આદેશ શાહીબાગમાં આવેલી પોલીસ-કમિશનરની ઑફિસમાં પહોંચ્યો. તેણે પોલીસ-કમિશનર રાજન પુંડરિકના પર્સનલ સેક્રેટરીને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. સામાન્ય સંજોગોમાં પુંડરિક પત્રકારોને મળવાનું ટાળે છે, પણ આદેશને ખબર હતી કે ઍન્કાઉન્ટરને લીધે જે સમાચારો આવી રહ્યા છે, ત્યારે પુંડરિક તેને ટાળવાની હિંમત નહીં કરે. અને જો તેવું કરશે તો પુંડરિકે આવતી કાલના અખબારના સમાચાર બનવાની તૈયારી રાખવી પડશે. આમ પણ પુંડરિક ઉપર આદેશની નજર ક્યારની હતી. રાજન પુંડરિક અંગે આદેશનો મત હતો કે, પ્રામાણિક હોવું અને નિષ્ક્રિય હોવું તેમાં અંતર છે. ઘણા બધા એવું કહેતા કે પુંડરિક પ્રામાણિક છે, પણ જો તેમની પ્રામાણિકતાનો પ્રજાને ફાયદો ના થાય તો શું અર્થ છે. પોલીસ-કમિશનરની ખુરશી ઉપર બેસી રહેવા માટે પુંડરિકે પોતાની આંખો અને કામ બંધ કરી લીધાં હતાં.

- Advertisement -

પુંડરિકનો પટાવાળો બોલાવવા આવ્યો. આદેશ ચેમ્બરમાં દાખલ થતાં જ પુંડરિકે તેને આવકારતાં કહ્યું : “આવો આવો આદેશ. આફટર લૉંગ ટાઇમ!” આદેશે તરત કહ્યું : “અરે સર, તમે મળતા નથી તેની વાત કરો ને.” “આદેશ યુ નો, લૉ ઍન્ડ ઑર્ડરમાં હતો ત્યારે તારી સાથે વાત થતી હતી, પણ અહીંયાં તો એટલી ફાઈલો જોવી પડે છે ને કે ટાઇમ મળતો જ નથી.” રાજન પુંડરિક દક્ષિણ ભારતીય હતા, પણ વર્ષોથી ગુજરાતમાં નોકરી કરતા હોવાને કારણે તેમને ગુજરાતી સારા પ્રમાણમાં આવડતી હતી. ક્યારેક ક્યારેક હસવું આવે તેવું બોલતા જેમ કે “આદેશ આવ્યું હતું,” ‘મેં તમને કીધા હતા’, પણ તેમનું અને સામેવાળાનું કામ ચાલી જતું હતું. આદેશ આવ્યા બાદ તરત પટાવાળો ચા લઈ આવ્યો અને બંને ગપ્પાં મારવા લાગ્યા, ત્યારે જ આદેશે પૂછ્યું, “સર, નિઝામનું ઍન્કાઉન્ટર શંકાસ્પદ લાગે છે.” પુંડરિકના હાથમાં રહેલો ચાનો કપ ટેબલ ઉપર મુકાઈ ગયો. તેમણે એક ફાઈલ લીધી અને જાણે તેમને બહુ કામ હોય તેમ ફાઈલ તરફ નજર કરી જવાબ આપ્યો, “જે દિવસે બનાવ બન્યો તેના આગળના દિવસથી જ હું બે દિવસની રજા ઉપર હતો. મેં હજી કાગળો જોયા નથી.” “સર, આ પાંચમું ઍન્કાઉન્ટર છે, જ્યારે તમે રજા ઉપર હોવ ત્યારે જ થાય છે!” આદેશે યાદ અપાવતાં કહ્યું. “અરે આદેશ, કો-ઇન્સિડન્સ છે. મારો દીકરો યુ.એસ. જઈ રહ્યો છે તેના વિઝા માટે મારે મુંબઈ જવું પડે તેમ હતું, માટે રજા ઉપર હતો.” પુંડરિક ઉપર ભરોસો હોય તેમ તેમની આંખોમાં જોતાં આદેશે કહ્યું : “સર, મને ખબર છે, તમે ઍન્કાઉન્ટરની વાત સાથે સંમત થતાં નથી માટે જ રજા ઉપર ઊતરી જાવ છો ને!” આદેશે તેમનું એક્ઝેક્ટ નિદાન કર્યું હતું, કદાચ કોઈ પત્રકારે તેમને પહેલી વખત આવો સવાલ પૂછ્યો હતો. તેમણે પોતાની નજર આદેશ તરફથી હટાવી લીધી.

જ્યારે પણ શહેરમાં ઍન્કાઉન્ટર જેવી મોટી ઘટના બને ત્યારે પોલીસ મૅન્યુઅલ પ્રમાણે પોલીસ-કમિશનરે ઘટનાસ્થળની મુલાકાત લેવાની હોય છે અને તેમાંથી ઉદ્ભવતા પ્રશ્નો સંબંધિત પોલીસ-અધિકારીને મોકલી તેનો ખુલાસો પૂછવાનો હોય છે. જો ઍન્કાઉન્ટરના દિવસે કમિશનર પુંડરિક ફરજ ઉપર હોત તો તેમણે ઍન્કાઉન્ટર કરનારી એજન્સીને ઍન્કાઉન્ટર જેન્યુઇન હોવા અંગે ખુલાસો પૂછવો પડતો અને જો પુંડરિક પોતાની ફરજ બજાવે તો તેમને અમદાવાદનું પોલીસ-કમિશનરનું પદ છોડી દેવું પડે તેમ હતું, પુંડરિક પૈસા લેતા ન હતા, પણ પાવર કરપ્ટ હતા. નિવૃત્તિકાળે સત્તાની ભૂખ તેમની પાસે ખોટું કરાવી રહી હતી. આદેશના સવાલે તેમને બધું યાદ કરાવી દીધું. હવે તે આદેશને રવાના કરવા માગતા હતા. તેમણે તરત આદેશને કહ્યું, “આદેશ, આપણે પછી મળીશું. મારે હોમ સેક્રેટરી સાથે મિટિંગ છે, ગાંધીનગર જવાનું છે.” આદેશ ત્યાંથી નીકળ્યો. રાજન પુંડરિક આઇપીએસ થયા બાદ તેમને ગુજરાત કૅડરમાં મૂકવામાં આવ્યા હતા. તેમની હમણાં સુધીની કૅરિયરમાં તેમની છાપ લો પ્રોફાઇલ ઑફિસરની હતી. તેમને ઇન્ડિયન પીનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ મોઢે હતા. તેઓ ક્યારેય તેમની બહાર ગયા ન હતા. તેઓ માણસ તરીકે બહુ સારા હતા, પણ તેમણે પોતાની પોલીસ-ઑફિસરની કૅરિયરમાં ક્યારેય પ્રોએક્ટિવ પૉલિશિંગ કર્યું ન હતું, તેના કારણે તેમના જુનિયરોને તેમનો ક્યારેય ડર લાગ્યો ન હતો. રાજ્યમાં જે પણ સરકારો આવી તેમની સાથે તેમને સારા સંબંધો રહ્યા હતા. આક્રોશ પાર્ટીની સરકાર હતી, ત્યારે તેમને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનમાં પણ મૂકવામાં આવ્યા હતા, ત્યારે પણ તેમણે ક્યારેય સરકારની મુશ્કેલી વધે તેવાં ઍક્શન લીધાં ન હતાં. ગોવિંદરાય મહેતાની સરકાર બની ત્યારે અમર ઠાકોરને આવા જ કોઈ પોલીસ-કમિશનરની અમદાવાદ માટે જરૂર હતી, જે પોતાની ઑફિસમાં જ બેસી રહે અને શહેરમાં જે કંઈ બની રહ્યું છે તેમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ ના કરે અને તે માટે રાજન પુંડરિક યોગ્ય માણસ હતા. ગુજરાતના કોઈ પણ આઇપીએસની બે ઇચ્છા હોય : જેમાં તે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના પોલીસ-કમિશનર થાય અને બીજું ડાઇરેક્ટર જનરલ ઑફ પોલીસ તરીકે નિવૃત્ત થાય, જેમાં પોલીસ-કમિશનર થવાની ઇચ્છા પૂરી થઈ હતી. અને તેમણે આ ખુરશીમાં બેઠા પછી ગાંધીજીનાં ત્રણ વાંદરાંની જેમ આંખ, કાન અને મોઢું બંધ કરી દીધાં હતાં.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular