AMC has put up 9 plots for sale : અમદાવાદ શહેરના જગતપુર, ગોતા, રાણીપ, સોલા, આંબલી અને નરોડા-હંસપુરાના 9 પ્લોટ AMC એ વેચવા કાઢ્યા છે. ટીપી સ્કીમ અંતર્ગત મળેલા રિઝર્વેશનના પ્લોટ ઇ-જાહેર હરાજીથી વેચવામાં આવનાર છે. તમામ પ્લોટોના વેચાણની જાહેર હરાજી આગામી 15 અને 16 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે. 12 ઓક્ટોબર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને 14 ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન બીડ ભરી શકાશે. આ 9 પ્લોટોના વેચાણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 1 હજાર કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયા એકઠા કરવા માટે ભૂતકાળમાં પણ અનેક કિંમતી પ્લોટ હરાજીથી વેચાણ (AMC sold off plots for money) કરી ચૂક્યું છે. આ વખતે પણ AMC એ 9 પ્લોટ વેચવા કાઢ્યા છે. જેમાં સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ ઉત્તર ઝોનમાં આવેલા હંસપુરા વિસ્તારમાં ટીપી 109 (મુઠિયા-હંસપુરા-બિલાસિયા)નો પ્લોટ નંબર 96 છે. રહેણાંક (સેલ ફોર રેસિડેન્સ) હેતુ માટેના 41,843 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા આ વિશાળ પ્લોટની તળિયાની કિંમતપ્રતિ ચોરસ મીટર 71 હજાર રૂપિયા નક્કી થઈ છે. જેના વેચાણથી માત્ર આ એક જ પ્લોટના વેચાણથી કોર્પોરેશનની તિજોરીમાં 297 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થવાનો અંદાજ છે.
આગામી 15 ઓક્ટોબરના રોજ હંસપુરા, આંબલી, સોલા અને ગોતાના 5 પ્લોટની હરાજી થનારી છે. જ્યારે 16 ઓક્ટોબરના રોજ ગોતા, જગતપુર, રાણીપ અને સોલાના 4 પ્લોટનું ઇ- જાહેર હરાજી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોમર્શિયલ અને રેસિડેન્શિયલ હેતુના પ્લોટોનું વેચાણ કરીને મેળવેલી રકમનો ઉપયોગ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે કરશે.








