Wednesday, August 26, 2026
HomeNational‘મમ્મી, હું લૂઝર છું... જીવવું નથી’: IIT દિલ્હીમાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની માતાએ...

‘મમ્મી, હું લૂઝર છું… જીવવું નથી’: IIT દિલ્હીમાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની માતાએ વ્યક્ત કર્યું દુઃખ

- Advertisement -

IIT Delhi Student case: IIT દિલ્હીના M.Sc. Physicsના 31 વર્ષીય વિદ્યાર્થી ઋષિકેશ કુમારનું શનિવાર, 22 ઓગસ્ટની સવારે કેમ્પસની એક બિલ્ડિંગની છઠ્ઠી માળેથી નીચે પડવાથી કથિત રીતે મોત થયું હતું. ઘટના બાદ IIT દિલ્હીના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વેલફેરની એસોસિયેટ ડીન પ્રોફેસર શ્રીદેવી ઉપાધ્યાયુલાના રાજીનામાની માંગ કરી છે.

મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ સંસ્થાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો આરોપ છે કે સંસ્થાના પ્રશાસન સાથે થયેલી વાતચીતની ઋષિકેશ પર ઊંડી અસર થઈ હતી અને મોતના થોડા દિવસ પહેલાં તે અપમાનિત તથા પરેશાન અનુભવતો હતો. પરિવારનું કહેવું છે કે ઋષિકેશના મનમાં આત્મહત્યાના વિચારો હોવાની જાણ હોવા છતાં સંસ્થાના સ્તરે જરૂરી પગલાં લેવામાં આવ્યા નહોતા.

- Advertisement -

પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે ઋષિકેશને વારંવાર મદદ નકારવામાં આવી હતી. તેમાં રહેવાની જગ્યા અને એકેડેમિક પ્રોજેક્ટમાં મદદ જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે ઋષિકેશને એવું લાગવા લાગ્યું હતું કે તે જીવનમાં સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયો છે. ઘટનાના આશરે એક સપ્તાહ પહેલાંથી તેનું કોઈ પણ કામમાં મન લાગતું નહોતું. તે મોબાઈલ ફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરતો નહોતો અને લેપટોપ પર પણ કામ કરવાનું કે ટાઇપ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું.

ઋષિકેશની માતાએ પોતાના પુત્ર સાથેની વાતચીત યાદ કરતાં જણાવ્યું હતું કે તે કહેતો હતો, “મમ્મી, મારા દિમાગમાં ઘણું બધું ચાલી રહ્યું છે. મને લાગે છે કે હું બહુ મોટો લૂઝર છું. મને આત્મહત્યાના વિચારો આવે છે.”

- Advertisement -

પરિવારના જણાવ્યા મુજબ, જે હોસ્પિટલમાં ઋષિકેશની સારવાર ચાલી રહી હતી ત્યાંથી તેને ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) આપવામાં આવ્યું હતું અને કોલેજમાં પરત જઈને અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી પણ મળી હતી. તેમ છતાં, પરિવારનો આરોપ છે કે કોલેજ પ્રશાસને તેની માનસિક સ્થિતિનું કારણ દર્શાવીને તેને હોસ્ટેલમાં રહેવાની મંજૂરી આપી નહોતી.

પરિવારે જણાવ્યું હતું કે ઘટનાની આગલી રાત્રે તેમણે ઋષિકેશ સાથે લાંબી વાતચીત કરી હતી. તેને ફરી ડૉક્ટર પાસે લઈ જવા, કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવા અને જરૂરી સારવાર તથા મદદ અપાવવાની તેઓ તૈયારી કરી રહ્યા હતા.

આ ઘટનાને પગલે IIT દિલ્હીમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સમગ્ર મામલાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીનું નેતૃત્વ કરનારા પૂર્વ DG અશોક કુમારે પોતાનું નામ પરત ખેંચી લીધું છે. હવે કમિટીના નવા વડાના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

- Advertisement -

વિદ્યાર્થીઓએ ડીનના રાજીનામાની પણ માંગ કરી છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે IIT દિલ્હીમાં છેલ્લા બે વર્ષમાં આઠ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સંસ્થામાં એવું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular