Suspicious death of a young man in Rajkot : રાજકોટ શહેરમાં નિમેષ ભંડારી નામના યુવકના મોતને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રૈયાગામ સ્મશાન પાસે આવેલી 13 માળની પામ યુનિવર્સ બિલ્ડિંગના 12માં માળેથી પટકાયેલા યુવાનનું મોત થયું છે. બે સંતાનના પિતા નિમેષ ભંડારીએ ડિવોર્સી લિવ-ઈન પાર્ટનર આશા પાડલીયાની બહેનપણી કાજલના ઘરે જઈ મધરાત્રીના છલાંગ લગાવી હોવાની વાત સામે આવી છે. નિમેષ ભંડારીનું મોત આપઘાત છે કે પછી અન્ય કોઈ રીતે થયું છે ? તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નિમેષ ભંડારીના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. નિમેષને તેના માતા-પિતાએ કૌટુંબિક વિવાદને લઈને બે વર્ષ અગાઉ ઘરમાંથી હાંકી કાઢ્યો હતો. જયારે તેની પત્ની રેખા સાસુ-સસરા સાથે રહે છે. બે સંતાનનો પિતા નિમેષ (રહે. નંદનવન સોસાયટી, આત્મિય કોલેજ, રાજકોટ) છેલ્લાં અઢી વર્ષથી ડિવોર્સી આશા પાડલીયા સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતો હતો. આશા અને નિમેષ ભંડારી અવારનવાર આશાની બહેનપણી કાજલ સલોત (રહે. પામ યુનિવર્સ, રાજકોટ)ના ઘરે આવતા-જતા હતા. ગઈકાલે રાત્રે નિમેષ ભંડારી કાજલના ઘરે પહોંચ્યો ત્યારે ઘરના તમામ સભ્યોને એમ જ હતું કે, નિમેષ રૂમમાં સૂઈ ગયો છે. જોકે, મોડી રાત્રે કાજલની પુત્રી પાણી પીવા માટે જાગી ત્યારે તેણે જોયું કે, નિમેષ રૂમમાં નથી. આથી તેણે ગેલેરીમાંથી નીચેની તરફ નજર કરી તો નિમેષ બિલ્ડીંગના નીચેના ભાગે પછડાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.








