Telangana School Principal Murder : તેલંગાણાના નલગોંડામાં એક શાળાના પ્રિન્સિપાલની હત્યાના કેસમાં પોલીસને બે સગીરવયના વિદ્યાર્થીઓ (Students kill principal with intent to rob) હાથ લાગ્યા છે. પ્રિન્સિપાલ રૂપા રેડ્ડીના ઘરમાં ઘૂસીને ચાકુ વડે 27 જેટલાં ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં પોલીસ મથામણ કરી રહી હતી તે વખતે એક ‘બાબુ’ શબ્દ મળ્યો અને આરોપી હાથ લાગી ગયા. પોલીસે 5 ટીમો બનાવી 80 લોકોની પૂછપરછ બાદ આરોપીઓને ઝડપી લઈ 1.54 લાખ રોકડા, મોબાઈલ ફોન્સ અને લોહીવાળી 500ની નોટો જપ્ત કરી છે.
રૂપા રેડ્ડીના હત્યા કેસમાં પોલીસને એક નાનકડા શબ્દએ દિશા બતાવી છે. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનો કેસ સામે આવતા પોલીસે રિઢા ગુનેગારો તરફ તપાસનો દોર લંબાવ્યો હતો, પરંતુ તેમાં કોઈ સફળતા હાથ લાગી ન હતી. 5 ટીમ બનાવી 80 લોકોની પૂછપરછ પણ કરવામાં આવી. હુમલા પહેલાં પ્રિન્સિપાલ રૂપા રેડ્ડીના ફોન પર થયેલી છેલ્લી વાતચીતમાં તેમણે ‘બાબુ’ શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. પ્રિન્સિપાલ રૂપા રેડ્ડી અવારનવાર પોતાના વિદ્યાર્થીઓને પ્રેમથી ‘બાબુ’ કહીને બોલાવતા હતા. આ શબ્દના આધારે પોલીસ તપાસની દિશા સ્કૂલ તરફ પહોંચતા 16 વર્ષના બંને સગીર વિદ્યાર્થીઓની હત્યામાં સંડોવણી સામે આવી હતી. ધોરણ 10ના બંને વિદ્યાર્થીઓએ લૂંટ કરવા માટે પહેલાંથી જ ચાકુ, મોજાં અને માસ્ક ખરીદ્યા હતા.








