પ્રશાંત દયાળ (શતરંજ-14, નવજીવન ન્યૂઝ): જુનેદ-મકસૂદ, જાહિદ અને મુઝબિલને ક્રાઇમ-બ્રાન્ચમાં લાવ્યાને પંદર દિવસ થઈ ગયા હતા. હજી સુધી તેમને વિનય તોમર કે અન્ય કોઈ અધિકારીએ કોઈ પ્રશ્ન પૂછ્યો જ ન હતો. પંદર પંદર દિવસ સુધી તેમને ક્રાઇમ-બ્રાન્ચમાં શા માટે બેસાડી રાખ્યા છે તેની જુનેદને ખુદને ખબર પડતી ન હતી. તે રોજ જ્યારે પણ તક મળે ત્યારે ઇન્સપેક્ટર વિનયને સવાલ પૂછતો તો વિનય જવાબ આપતો : “વછરાજાની સાહેબ જ તમારી સાથે વાત કરશે.” જુનેદને કયા ગુનાસર પકડ્યો છે, તેની જાણકારી લેવા માટે તેમના વકીલો પણ આવી ગયા હતા. પણ વિનયે તેમને સમજાવી દીધા હતા કે “મામલો ગંભીર છે અને જુનેદ દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાની વાત છે, તેથી આ મામલે ઉતાવળ કરવા જેવી નથી. બની શકે કે કોઈ પુરાવા ના મળે તો અમે તેમને છોડી પણ મૂકીશું, પણ જો તમે તમારા અસીલ માટે હેબિયેસ કૉર્પસ કરી દેશો તો નાછૂટકે અમારે તેમને અરેસ્ટ બતાડી દેવા પડશે. વર્ષોથી ક્રાઇમ-બ્રાન્ચ સાથે કામ કરી ચૂકેલા વકીલ પણ સમજી ગયા હતા. ક્રાઇમ-બ્રાન્ચ કઈ હદ સુધી ખોટું કરી શકે છે તેવા કિસ્સામાં હમણાં પોલીસ સાથે બગાડી કોર્ટમાં જવાનો અર્થ નથી કે જુનેદ અને તેના દીકરા સહિત બધાને જેલમાં મોકલી આપવા.
ક્રાઇમ-બ્રાન્ચના પ્રથમ માળે આવેલા હૉલમાં જેટલા હતા, તે બધાને સવારે અને બપોરે સમયસર જમવા મળી જતું હતું. હજી સુધી જુનેદ સાથે કોઈ ખરાબ વ્યવહાર કર્યો ન હતો. ક્યારેક ક્યારેક જુનેદ પોતાની પડોશમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત કરતો તો તેને આશ્ચર્ય થતું અને ડર પણ લાગતો. કારણ કે કોઈ એક મહિનાથી તો કોઈ બે મહિનાથી અહીંયાં બેઠા હતા. એક રાત્રે ગાર્ડ તરીકેની ડ્યૂટીમાં રમેશ નામનો કૉન્સ્ટેબલ હતો. તેણે જોયું કે બાકીના બધા બેઠા બેઠા રોજની જેમ સૂઈ ગયા હતા, તે આડા પડીને સૂઈ શકે તેમ ન હતા કારણ કે બધાનો એક હાથ સામેની દીવાલમાં ફિટ કરેલી હાથકડી સાથે બાંધેલો હતો. જોકે જુનેદ જાગતો હતો. રમેશની નજર તેની સામે હતી. તેણે જુનેદને પૂછ્યું : “ચાચા, નીંદ નહીં આતી હૈ?” જુનેદ પોતાની ડોક પાછી ફેરવી હસ્યો. તેણે કંઈ જવાબ આપ્યો નહીં. તે મનોમન બબડ્યો. “ઊંઘ આવે કેવી રીતે, ભાઈ?” રમેશને જાગવાનું હતું. તે કોઈની સાથે વાત કરવા માગતો હતો. તેણે પોતાની ખુરશી ઉપાડી અને તે જુનેદની બાજુમાં ખુરશી લઈ બેઠો, તેણે વાતની શરૂઆત કરતાં પૂછ્યું : “પહલે કહાં રહેતે થે?” જુનેદે ચહેરા ઉપર એક સ્મિત આપતાં કહ્યું : “યહીં હૈ.” તેમ કહી જે હાથ છૂટો હતો તેનાથી ઇશારો કરતાં કહ્યું : “જમાલપુર.” ક્રાઇમ-બ્રાન્ચની બહાર નીકળો એટેલે જમાલપુરની શરૂઆત થાય. રમેશને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું : “ગુજરાતી હો?” “હા ભાઈ, પૂરી જિંદગી યહાં ગુજારી.” રમેશ વિચાર કરવા લાગ્યો. ક્રાઇમ-બ્રાન્ચમાં વછરાજાનીનો આદેશ હતો કે પકડાયેલી કોઈ વ્યક્તિ સાથે કોઈએ વાત કરવી નહીં. રમેશે આજુબાજુની ચેમ્બરોમાં જોયું તો નીરવ શાંતિ હતી. એકાદ-બે કૉન્સ્ટેબલો પોતાના કામમાં મશગૂલ હતા.
બહાર કોઈ વાત કરી રહ્યું છે તેની કોઈને પડી ન હતી. રમેશે ધીમા અવાજે સવાલ પૂછ્યો, “કૌન લાયા હૈ આપકો?” જુનેદે એટલા જ ધીમા અવાજે જવાબ આપ્યો, “વિનય તોમર સા’બ.” રમેશના મનમાં અનેક વિચારો હતા. તેણે પૂછ્યું હતું અને જુનેદને હતું કે કોઈ તેની સાથે વાત કરે તો સારું અને તેને રમેશમાં વિશ્વાસ બેઠો હતો. રમેશ કંઈ પૂછે એ પહેલાં જુનેદે ગુજરાતીમાં જ વાતની શરૂઆત કરતા કહ્યું : “બેટા, આખી જિંદગી અહીંયાં જ જમાલપુરમાં પસાર કરી. નાનાથી મોટો અહીંયાં જ થયો, જાતનો કુરેશી એટલે મટનનો ધંધો કરતો, મારો છોકરો મકસૂદ પણ કૉલેજ પૂરી કરીને મારા ધંધામાં જોડાઈ ગયો. અમારા ધંધામાં રિટર્ન મોટું. વર્ષોથી અમદાવાદમાં રહેતા હોવાને કારણે મારા મોટા ભાગના મિત્રો અને ગ્રાહકો પણ હિંદુ જ હતા.
“પણ કોણ જાણે તે દિવસે શું બન્યું?” તેમ કહી જુનેદે એક નિસાસો નાખ્યો અને કંઈ યાદ કરતો હોય તેમ વિચારી બોલ્યો : “પેલા જલ્લાદોએ ગોધરા સ્ટેશન ઉપર નિર્દોષ હિંદુઓને સળગાવી મૂક્યા જેની કિંમત અમે ચૂકવી. મને બરાબર યાદ છે… સવારે તો હું મીટ માર્કેટ ગયો ત્યાં સુધી તો બધું બરાબર હતું. અગિયાર વાગતા મારા અબ્બુ જેમની ઉંમર ૮૦ વર્ષની છે તે જેમતેમ કરી માર્કેટમાં આવ્યા. તેમના ચહેરા ઉપર ડર હતો. તેમણે મને કહ્યું : ‘બેટા, ઘર ચલ; દંગા હો ગયા હૈ.’ અમદાવાદનાં તોફાનોની તો તમને ખબર છે. કોઈ નવાઈ નહીં. અબ્બુ આવ્યા ત્યારે મારી દુકાનમાં બે હિંદુ ગ્રાહકો ઊભા હતા. તેમણે પણ મને સલાહ આપી કે, ‘હાલાત ઠીક નહીં હૈ, ભાઈ, ઘર ચલે જાવ.’ મેં મકસૂદને કહ્યું, અને બાકીનો માલ અમે ડીપ ફ્રીઝરમાં મૂકી ઘરે ગયા. ઘરે જઈ ટીવી જોયું તો તોફાનોના સમાચાર આવતા હતા. મેં ૧૯૬૯નાં તોફાનો પણ જોયાં હતાં. મને ખબર પડતી ન હતી કે રોજ સાથે ખાતાપીતા માણસો એક જ દિવસમાં હિંદુ-મુસ્લિમ કેવી રીતે થઈ જતા હશે.” જુનેદ લાંબા દિવસો પછી બોલી રહ્યો હતો. તેને થોડો શ્વાસ પણ ચઢ્યો હતો. રમેશ ઊભો થયો અને નજીકમાં પડેલી પાણીની બૉટલ આપી પાછો ખુરશી ઉપર વાત સાંભળવા બેસી ગયો.
પાણી પીધા પછી વાતની શરૂઆત કરતાં જુનેદે કહ્યું : હું નિશ્ચિંત હતો. જમીને સૂઈ ગયો. બપોરના ચાર વાગ્યા હશે ત્યાં મહોલ્લામાં કોલાહલ સંભળાયો. મારી આંખ ઊઘડી. પહેલાં તો લાગ્યું કે છોકરાંઓ ક્રિકેટ રમતાં હશે, પણ તે રમત ન હતી. ચીસો પણ સંભળાતી હતી. બહાર આવીને જોયું તો હિંદુઓનું ટોળું કેરોસીન છાંટી અમારાં ઘરોને આંગ ચાંપી રહ્યું હતું. મેં ઘરની લોખંડની જાળી બંધ કરી લીધી. ત્યાં સુધીમાં ટોળું મારા ઘર સુધી આવી ગયું. મેં તેમને હાથ જોડી વિનંતી કરી કે તમે આવું ના કરો. પણ તે સાંભળવા માગતા ન હતા, મેં તેમને ગુસ્સામાં એવું પણ કહ્યું : “જાવ ને ગોધરા જેમણે ટ્રેન સળગાવી તેમને સળગાવી મૂકો.” પણ માહોલ એવો હતો કે કોણ કોનું સાંભળે? જે બચી શકે તેમ હતા તે ભાગી રહ્યા હતા.
અમારા ઘરનો પાછલો દરવાજો હતો જે મુસ્લિમ મહોલ્લામાં જ ખૂલતો હતો. મેં ત્યાંથી ભાગવાનો નિર્ણય કર્યો. હું મારાં પત્ની તસલીમ, દીકરો મકસૂદ અને અમ્મી-અબ્બા, બધાંને લઈ પાછલા દરવાજેથી ભાગ્યો. બધાં આગળ હતાં, તે દોડી રહ્યાં હતાં. જોકે અબ્બાથી માંડ ચલાતું હતું. તેમને લઈ હું દોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેમણે મને કહ્યું : “બેટા, મેરે સે નહીં હોંગા, તું ભાગ જા. અલ્લાહને ચાહા તો મિલેંગે. હું તેમને છોડવા તૈયાર ન હતો. અમારા ઘરેથી બહાર નીકળી અમે સલામત અંતરે હતાં, ત્યાં ટોળાને ખબર પડી કે પાછળ તરફ પણ રસ્તો છે. ટોળાએ અમારો પીછો કર્યો. મેં ટોળાને જોઈ લીધું. જાણે અબ્બુને ઢસડી રહ્યું હતું. તે મને વારંવાર વિનંતી કરતા હતા કે હું તેમને છોડી ચાલ્યો જાઉં.
એવામાં જ ટોળું અમારી નજીક આવી ગયું. તેમના હાથમાં પાઇપો, તલવારો બરછીઓ હતી અને ‘મારો મિયાંને’ મારો મિયાંને કહી અમારી ઉપર તૂટી પડ્યું. જોકે પછી મને કંઈ યાદ નથી. એટલું યાદ છે કે ત્યારે અમારી જ કોમનાં છોકરાંઓનું એક ટોળું હિંમત કરી દોડી આવતા તે ભાગ્યું હતું. આંખ ખૂલી ત્યારે વી.એસ.ના ઇમર્જન્સી વૉર્ડમાં મારી સામે દેવાંગ ઊભો હતો. તે મારો બચપણનો મિત્ર. મારી આંખ ખૂલતાં તે રડી પડ્યો. મારા આખા શરીરે પાટાઓ બાંધેલા હતા. મારા પેટમાં જ્યાં દર્દ થતું હતું, ત્યાં મેં હાથ મૂક્યો. તેણે કહ્યું : “ના ના, હાથ મૂકતો નહીં. ત્યાં ઑપરેશન થયું છે.” મેં તેની સામે આશ્ચર્યથી જોયું. તેણે પોતાનાં આંસુ લૂછતાં કહ્યું : “તલવારનો ઘા છે.” હું ધ્રૂજી ગયો. પેટમાં તલવાર વાગી હોવા છતાં જીવતો હતો! મને અચાનક મારાં અબ્બુ યાદ આવ્યાં. મેં દેવાંગને પૂછ્યું : અબ્બુ કયા વૉર્ડમાં છે? તે મારી સામે જોતો રહ્યો. પણ તેની આંખો આંસુ રોકી શક્યો નહીં. મેં તેનો હાથ પકડી પૂછ્યું : “શું થયું?” તેણે માથું હલાવી ના પાડી. મારાં અબ્બુ જતાં રહ્યાં હતાં, હું તેમને બચાવી શક્યો નહીં. શું કરું? રડવા સિવાય મારી પાસે ચારો ન હતો.”
વાત કરતા કરતા જુનેદની આંખો ભરાઈ આવી. કદાચ કૉન્સ્ટેબલ રમેશનું હૃદય પણ ભારે થઈ ગયું હતું. તેણે પોતાના ચહેરા ઉપર હાથ ફેરવી સ્વસ્થ હોવાનો પ્રયત્ન કર્યો. જુનેદની પીઠ ઉપર હાથ મૂકતાં કહ્યું : “ચાચા, તકલીફ હોતી હો, તો ફિર કભી બાત કરેંગે.” જુનેદે ફેફસાંમાં શ્વાસ ભરતાં કહ્યું : નહીં ભાઈ, વર્ષોથી કોઈની સાથે આ વાત કરતો ન હતો, આજે ઉપરવાળાએ મોકો આપ્યો છે. “દેવાંગ મારો બહુ સારો મિત્ર. હું નાનો હતો ત્યારે તેના છાપરે શાહપુરમાં પતંગ ઉડાડવા જતો. પછી તે નારણપુરા રહેવા ગયો તો ત્યાં પણ જતો. રથયાત્રાના દિવસે તે મારા ઘરે આવી જતો. અમે બંને આખો દિવસ ટ્રકમાં સાથે ફરતા અને સાંજે તે મારા ઘરેથી જમીને જતો. ઈદના દિવસે પણ સેવૈયા ખાવા અચૂક આવી જતો. મકસૂદે જેવો તેને ફોન કર્યો તે સીધો વી. એસ. હૉસ્પિટલ પહોંચી ગયો હતો. એટલું જ નહીં, મારા પરિવારને છુપાવી પૂરા પંદર દિવસ તેણે નારણપુરામાં પોતાના ઘરે જ રાખ્યું. હું તો હૉસ્પિટલમાં હતો. મારા અબ્બુની દફનવિધિ પણ તેણે જ કરી હતી.
હવે અમારા માટે રાહત કૅમ્પમાં જવું જરૂરી હતું. કારણ કે ત્યાં નોંધણી કરાવવાની હતી, પોલીસ-ફરિયાદ પણ કરવાની હતી. અમે શાહઆલમ રાહત કૅમ્પમાં પહોંચ્યા. ત્યાંથી પોલીસવાળા અમારી સાથે જમાલપુર આવ્યા. મારું ઘર જોતાં હું ભાંગી પડ્યો. ત્યાં ખાખ થઈ ગયેલી ઇમારત સિવાય કંઈ ન હતું, હું બધી જ રીતે લૂંટાઈ ગયો હતો. રાહત કૅમ્પમાં રહેવામાં બહુ લાચારી લાગતી હતી, ટીવી અને છાપાવાળા રોજ આવતા અને શું બન્યું તે પૂછતા. કેટલાક અસરગ્રસ્તોને ઇન્ટરવ્યૂ આપવામાં મજા આવતી હતી, પણ મને ગુસ્સો આવતો હતો. એકાદ વખત ગુસ્સે થઈ જતા. કૅમ્પના સંચાલકોએ પત્રકારોને ચેતવી દીધા હતા કે કોઈએ મારી પાસે આવવું નહીં. ત્રણ મહિના તોફાનો ચાલ્યાં, પછી એક પરિચિતની મદદથી જુહાપુરામાં મકાન ભાડે લીધું. ફરી પાછા ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ હવે મારું મન દુ:ખી હતું. એક પછી એક મારા સળગી ગયેલા તમામ કાગળો મેળવવા માટે હું આઠ મહિના સુધી સરકારી કચેરીઓમાં ધક્કા ખાતો રહ્યો. તેની માટે મારે પૈસા આપવા પડતા. અબ્બુનું મૃત્યુ થતાં અને ઘર સળગી જતાં તેનાં રાહત પેટે સરકારે કુલ ૧૧ લાખ આપ્યા હતા. પણ અબ્બુની ગેરહાજરીમાં ફરી એક વખત ૧૧ લાખમાં જિંદગીને પાટે ચઢાવવાની હતી.
મેં નિર્ણય કરી લીધો હતો કે, હું ભારત છોડી દઈશ. દેશને પ્રેમ કરતો હતો, પણ દેશથી નારાજ હતો. મેં સાઉદીમાં મટનનો ધંધો હોવાનું સાંભળ્યું હતું. કાગળો તૈયાર કર્યા, સાથે મકસૂદને પણ લઈ જવો હતો. મને અંદરથી ડર લાગતો કે મને કંઈ થઈ જાય ત્યારે મકસૂદ સાથે હોવો જોઈએ. પહેલાં તો મેં અને મકસૂદે સેટલ થવાનો નિર્ણય કર્યો હતો. પછીથી અમ્મી અને મારી પત્નીને બોલાવી લેવાનું નક્કી હતું. અમે બંને સાઉદી જવા રવાના થયા અને ત્યાં જઈ પૂરી મહેનતથી અમારું કામ કરતા હતા. પૈસા પણ કમાવવા લાગ્યા હતા. ઘરે પણ વધુ પૈસા મોકલવા લાગ્યા હતા. પરંતુ રાત્રે અચાનક આંખ ઊઘડી જતી અને મારું સગળતું ઘર, લોહીમાં લથબથ અબ્બુ, રાહત કૅમ્પ અને ફરિસ્તા જેવો મારો મિત્ર દેવાંગ મને યાદ આવતાં. એક સવારે મેં નક્કી કર્યું કે હવે હું ભારત પાછો જઈશ…
(ક્રમશ:)








