Sunday, August 23, 2026
HomeGujaratPI એ DCP માટે કહ્યું- 'કિતના ચાલુ આદમી હૈ' | શતરંજ-6

PI એ DCP માટે કહ્યું- ‘કિતના ચાલુ આદમી હૈ’ | શતરંજ-6

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-6, નવજીવન ન્યૂઝ): હજી ઇન્સપેક્ટર મહેશ ઊંઘતા હતા. બે દિવસનો ઉજાગરો પણ હતો. તેમના કાને અવાજ પડ્યો : ‘જો બેટા, દવા પી લે, દવા નહીં પીએ તો સારું કેવી રીતે થશે?’ તેને લાગ્યું કે સ્વપ્નમાં તે કંઈક સાંભળી રહ્યો છે, પણ પછી તેની આંખો બંધ હોવા છતાં તેને ખ્યાલ આવ્યો કે, આ અવાજ તો તેની પત્ની કેતાનો અવાજ છે. તેણે આંખો ખોલી, બારીમાંથી સૂર્યનો પ્રકાશ અંદર આવી રહ્યો હતો, તેના કારણે થોડીક ક્ષણ તેણે ઝીણી આંખો રાખી પ્રકાશમાં પોતાની આંખોને ઍડજસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. બીજા રૂમમાં હતી તે… તેની પત્ની કેતા અને આઠ વર્ષની દીકરી મેઘાના સંવાદો સંભળાઈ રહ્યા હતા. તેણે તરત પોતાના શરીર ઉપર રહેલો બ્લૅન્કેટ હટાવ્યો અને બેડમાંથી ઊભો થઈ બાજુમાં આવેલા મેઘાના રૂમમાં ગયો. તેણે જોયું તે મેઘાની આંખો ખુલ્લી હતી, ચહેરો મૂરઝાઈ ગયો હતો. કેતા તેને પરાણે દવા પિવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. મહેશે ‘શું થયું?’ તેવું પૂછતાં મેઘાના કપાળને સ્પર્શ કર્યો. તેનું શરીર ધગધગતું હતું. તેને લગભગ ૧૦૩ જેવો તાવ હતો. મહેશે પત્ની સામે જોતાં પૂછ્યું : “આટલો તાવ હતો તો મને ફોન તો કરવો હતો!’ કેતાએ મેઘાના કપાળ ઉપર પાણીનાં પોતાં મૂકતાં મહેશ સામે જોયા વગર કહ્યું, “હું ડૉક્ટર પાસે જઈ આવી હતી.” મહેશને લાગ્યું કે… કેતાની નારાજગી વાજબી હતી. દીકરી આટલી બીમાર છે ત્યારે પણ એક પિતા તરીકે તેને ખબર જ ન હતી! મહેશ કંઈ બોલી શક્યો નહીં, તેની પાસે કોઈ શબ્દો ન હતા, તેને પોતાની ઉપર પણ ગુસ્સો આવી રહ્યો હતો. ઑફિસનું કામ પૂરું થયા પછી તે ઘરે આવી શક્યો હોત, પણ તે બપોરે ઑફિસમાં જ સૂઈ ગયો અને રાત્રે દારૂ પીવા જતો રહ્યો. જ્યારે સાંજે કેતાનો ફોન આવ્યો ત્યારે તે સાહેબ સાથે છે તેવું બહાનું કાઢ્યું, ત્યારે કેતાએ ખરેખર મેઘાની બીમારી માટે જ ફોન કર્યો હશે — આ બધા વિચારો આવતાં મહેશ ડિસ્ટર્બ થઈ ગયો. તે ખુરશી લઈ મેઘાના બેડ પાસે બેસી ગયો. કેતા પોતાં મૂકી રહી હતી તે તેણે લઈ લીધાં અને તે જાતે પોતાં મૂકવા લાગ્યો એટલે કેતા ઊભી થઈ ઘરનું કામ કરવા લાગી.

કેતાના ગયા પછી મહેશ પોતાં મૂકતો હતો, મેઘાને કદાચ આ સારું લાગતું હતું… તેને તાવ હતો છતાં પપ્પાને જોઈ તેના ચહેરા ઉપર એક હાસ્ય રેલાયું, મહેશે તેના માથા ઉપર હાથ ફેરવતાં કહ્યું, “મમ્મીએ દવા આપી છે ને… સારું થઈ જશે.” મેઘા ફરી હસી અને તેણે ધીમા અવાજે પૂછ્યું : “પપ્પા…” મહેશે કહ્યું, “બોલ ને બેટા.” “આજે તમારે રજા છે?” મહેશ પ્રશ્ન સાંભળતાં મૂંઝાઈ ગયો. મેઘાના પ્રશ્નનો અર્થ થતો કે તમે આજે ઑફિસ ના જાવ તો સારું… કદાચ તેને કહેવું હતું કે આજે મને તમારી જરૂર છે. પણ તેની નાની ઉંમરમાં તેની પાસે શબ્દો ન હતા. મહેશ દીકરી સાથે આંખ મિલાવી શક્યો નહીં. તેણે તેની સામે જોયા વગર પોતાં મૂકતાં કહ્યું : “હા બેટા, હું આજે ઑફિસ જવાનો નથી.” મેઘાએ મહેશ પોતું મૂકતો હતો તે હાથ પકડી લીધો. તેની આંખોમાં પપ્પાના જવાબથી ખુશી હતી. પણ મહેશ વિચાર કરી રહ્યો હતો કે, કેવી રીતે એસીપી પરમાર સાથે વાત કરવી. કામ ઘણું હતું. રજા માગે તો સાહેબ નારાજ થાય તેમ હતું. મહેશે ઑફિસ જવાની ના પાડતાં થોડી વારમાં મેઘા નિશ્ચિંત બની સૂઈ ગઈ.

- Advertisement -

મહેશ બ્રશ કરી બાલ્કનીમાં બેઠો. કેતા ન્યૂઝ પેપર અને ચા ટિપાઈ ઉપર મૂકી જતી રહી. મહેશ કેતા સાથે વાત કરવા માગતો હતો. તેને કેટલું કામ છે તેવું બતાડી કેતાને મનાવવી હતી, પણ કેતા માટે આ કંઈ નવું ન હતું. કેતા બોલ્યા વગર પોતાની નારાજગી બતાવી રહી હતી. ચા પીતાં પીતાં મહેશે ન્યૂઝ પેપરનાં પાનાં ફેરવ્યાં… બધાં જ ઍન્કાઉન્ટરના ન્યૂઝ અને ફોટો હતા. તેની ઉપર નજર કરતાં કરતાં મહેશને લાગ્યું કે જ્યારે તે પોતાના પરિવારને સમય નથી આપી શકતો ત્યારે ન્યૂઝ પેપરમાં તેની થતી વાહ-વાહીનો શો અર્થ? તૈયાર થઈ તેણે એસીપી પરમારને ફોન જોડ્યો. સામે છેડેથી ફોન ઊપડતાં તેણે કહ્યું : “જયહિંદ સર, એક વિનંતી હતી, મારી દીકરી બીમાર છે. એક દિવસની રજા મળે તો સારું.” મહેશને લાગ્યું કે પરમાર સાહેબ રજા આપી દેશે. પરમારે થોડો વિચાર કરતાં કહ્યું : “રાવ, દીકરીને તાત્કાલિક દવાખાને લઈ જાવ… સાલી આપણી નોકરી જ એવી છે. મુખ્યમંત્રીને છીંક આવે તો આપણે દોડવાનું! આપણા પરિવાર માટે તો સમય જ નથી. એક કામ કરો… બપોર પછી ઑફિસે આવજો, આજે કામ પણ ઘણું છે.” મહેશ ફરી વખત રજાની વિનંતી કરવાનો હતો, પણ ત્યાં પરમારે ફોન મૂકી દીધો.

બપોર થઈ. મહેશે જમી લીધું હતું. તે આડો પડ્યો, પણ ઊંઘ આવતી ન હતી. તેણે ઘડિયાળ સામે જોયું. ફરી ઊભા થઈ, મેઘાના કપાળ ઉપર હાથ મૂક્યો. થોડી નિરાંત થઈ. હવે તાવ ન હતો. હૅન્ડબૅગ લીધી. તેની ચેઇન ખોલી વેપન છે કે નહીં તે રોજની આદત પ્રમાણે જોઈ લીધી. મેઘા સૂઈ રહી હતી. જતી વખતે તેણે કેતાને કહ્યું : “રાત્રે વહેલો આવીશ.” કેતાએ કંઈ જવાબ આપ્યો નહીં. ઑફિસ જવા માટે સરકારી ગાડી મંગાવી લીધી હતી. તે ક્રાઇમ-બ્રાન્ચ જવા રવાના થયો. જેવી તેની જીપ ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થઈ તો પહેલાં તેના કાને કોલાહલ પડ્યો અને પછી તેણે જોયું તો અંદરના લોખંડી દરવાજા પાસે મુસ્લિમોનું એક ટોળું હતું, જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. આ ટોળું કોઈ ગરબડ ના કરે તે માટે તેમને એસઆરપી જવાનોએ કૉર્ડન કર્યું હતું. જીપનો અવાજ સંભળાતાં, એસઆરપી જવાને ટોળાને સાઇડ ઉપર ખસેડી જીપને અંદર લાવવાનો ઇશારો કર્યો. હજી મહેશને મામલો શું છે તેનો અંદાજ ન હતો. જેવી જીપ ટોળામાંથી પસાર થઈ ક્રાઇમના કૅમ્પસમાં દાખલ થઈ રહી હતી, તે જ વખતે એક મુસ્લિમ સ્ત્રી ગુસ્સાથી હાથનો ઇશારો કરતાં જીપ સુધી આવી ગઈ. જોકે તેને એસઆરપી જવાને આગળ વધતાં રોકી લીધી હતી, છતાં તેના શબ્દો કાને પડ્યા : “તૂ ખૂની હૈ, ખૂની… ખુદા તુઝે માફ નહીં કરેંગા.” જીપ કૅમ્પસમાં આવી જતાં, લોખંડી દરવાજો બંધ થઈ ગયો, પણ બહારથી આવતો કોલાહલ ચાલુ જ હતો. જીપ ઊભી રહેતાં તરત એક કૉન્સ્ટેબલ મહેશ પાસે આવ્યો. મહેશના ચહેરા ઉપર આશ્ચર્યભાવ જોતાં કહ્યું : “સાહેબ, પેલા અબ્દુલની બૈરી, ડીસીપી સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યાં છે, પણ ડીસીપી સાહેબ આવ્યા નથી.” મહેશને આખી વાત સમજાઈ ગઈ હતી. તેમાં કોઈ ચિંતાનો વિષય ન હતો, પણ કાને જે શબ્દો પડ્યા હતા, તે હજી તેના કાનમાં હોય તેવું લાગતું હતું. ‘ખૂની હૈ, ખૂની…’ અબ્દુલની પત્ની જે કહી રહી હતી, તે વાત સાચી હતી. પણ તેમ કોઈ કહી જાય તે પસંદ પણ ન હતું. મહેશ પોતાના વિચારને ડાઇવર્ટ કરવા માગતો હતો. તેણે કૉન્સ્ટેબલને પૂછ્યું : “તોમર આવ્યા છે?” કૉન્સ્ટેબલે જવાબ આપ્યો : “હા, તે તો સવારના આવી ગયા છે.” મહેશ તેની ચેમ્બરમાં ગયો. વિનય બંને પગ ટેબલ ઉપર લાંબા કરી મોબાઇલ ફોનમાં ગેમ રમી રહ્યો હતો, મહેશને જોતાં તેણે ટેબલ ઉપર રાખેલા પગ સંકેલી લીધા, પણ ગેમ ચાલુ રાખતાં કહ્યું : “કેમ મોડો આવ્યો.” મહેશે જવાબ આપતાં કહ્યું : “અરે યાર, મેઘાને તાવ હતો, રજા રાખવી હતી. પણ સાહેબે ના પાડી.” જોકે મહેશને બહાર જે ચાલી રહ્યું હતું તેની ચિંતા હતી. તેણે વિનય તોમરને પૂછ્યું : “બહાર ડેલિગેશન આવ્યું છે તેની ખબર છે?” વિનયે બહુ સહજતાથી કહ્યું : “આપણે શું કરીએ? આપણે તો ઑર્ડર પ્રમાણે કામ કરીએ છીએ. હવે સાહેબ જાણે.” હજી વિનયની ગેમ ચાલુ હતી. મહેશે તેના હાથમાંથી ફોન આંચકી લેતાં કહ્યું : “હું તારી સાથે વાત કરું છું અને તું…” પછીનું વાક્ય મહેશ ગળી ગયો.
વિનયે બેલ મારી કૉન્સ્ટેબલને બોલાવી સૂચના આપી: “રાવ સાહેબ ગરમ છે, તેમને ઠંડા કરવા ગરમ ગરમ ચા લાવ.’ મહેશ ઉપર વિનયના આ જોકની કોઈ અસર થઈ નહીં. ત્યાં કૉન્સ્ટેબલ કહેવા આવ્યો કે, ‘ડીસીપી સાહેબ આવી ગયા છે.’ વિનયે પોતાની ચેમ્બરની બારીનો પડદો ખસેડી જોયું તો ડીસીપી કૅમ્પસમાં ઊભા હતા. તેમની આસપાસ પણ પોલીસવાળા હતા. તેમણે ડેલિગેશનને અંદર લઈ આવવાની સૂચના આપી હતી. ત્યાં અબ્દુલની પત્ની રઝિયા તેનાં બે બાળકો અને પાંચ-સાત મુસ્લિમ આગેવાનો અંદર આવ્યાં, રઝિયા ચોધાર આંસુએ રડતી હતી. તેનાં બંને બાળકો દિગ્મૂઢ હતાં. રઝિયાએ રડતાં રડતાં વછરાજાનીને ફરિયાદ કરતાં કહ્યું : “સા’બ, યે પરમાર સાબને જ મેરે શૌહર કો અગવા કિયા થા, ઔર રાવ ઔર તોમર સા’બને મિલકે માર દિયા.” ડીસીપી વછરાજાનીએ રઝિયાને શાંત કરતાં કહ્યું : “મેરે પે ભરોસા રખ… કુછ ભી ગલત હુવા તો મૈં ઇન્ક્વાયરી કરવાઊંગા.” ત્યાં એક મુસ્લિમ આગેવાને પોતાનો ગુસ્સો કાઢતાં કહ્યું : “મુસલમાન હોના ક્યા ગુના હૈ? કબ તક હમ કો શક કી નિગાહ સે દેખા જાયેગા? હમેં રોજ રોજ હમ હિંદુસ્તાની હોને કા પુરાવા દેને કા? ક્રાઇમ-બ્રાન્ચ કભી ભી હમારે ઘર મેં ઘુસ આતી હૈ. હમારી બેન-બેટિયોં કો જલીલ કિયા જાતા હૈ, હમારે કૉલેજ જાને વાલે બચ્ચોં કો દેશદ્રોહી માના જાતા હૈ.” ત્યાં રઝિયાએ પોતાનાં આંસુ લૂછતાં, વછરાજાનીને બે હાથ જોડી વિનંતીના સૂરમાં કહ્યું : “સા’બ, આપ અબ્દુલ કો ગુંડા બોલો તો મુઝે હર્જ નહીં, લેકિન વો આતંકવાદી નહીં થા, ઉસને કભી અપને વતન સે ગદ્દારી નહીં કી.” એક પછી એક લોકો પોતાની રજૂઆત કરી રહ્યા હતા. વિનય અને મહેશ ઉપરના માળની બારીમાંથી આખી ઘટના નિહાળી રહ્યા હતા.

પછી ડીસીપી વછરાજાનીએ વાત અટકાવતાં કહ્યું : “દેખિયે, મૈં ઇસ મામલે મેં પોલીસ-કમિશનર સાહબ સે બાત કર કે ઔર કોઈ ઑફિસરોં સે ઇન્ક્વાયરી કરવાઊંગા ઔર સચ બહાર આયેગા.” આટલું કહી વછરાજાની ઊંધા ફરી પોતાની ચેમ્બર તરફ જતા રહ્યા અને ટોળું પણ ગણગણાટ કરતું બહાર નીકળી ગયું. બારીનો પડદો બંધ કરતા વિનયે ડીસીપી માટે કહ્યું : “સાલા કિતના ચાલુ હૈ.” બીજી તરફ ક્રાઇમ-બ્રાન્ચની બહાર રઝિયા અને અન્ય લોકો નીકળી રહ્યાં હતાં, તેમને ચૅનલોના પત્રકારોએ ઘેરી લીધા. થોડી જ વારમાં ટીવી ઉપર અબ્દુલની પત્નીનો ઇન્ટરવ્યૂ શરૂ થઈ ગયો. તે પોલીસ ઉપર આક્ષેપો કરી રહી હતી. કેટલાક પત્રકારો નવરંગપુરામાં આવેલી રાકેશસિંહની ઑફિસે પહોંચી ગયા હતા. રાકેશસિંહ ‘માય રાઇટ્સ’ નામની એનજીઓ ચલાવતા હતા. રાકેશસિંહ પોલીસ અને સરકાર ઉપર બેફામ આક્ષેપો કરતા હતા. આજે પણ તેમણે પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતાં કહ્યું : “આ ઍન્કાઉન્ટર સ્ટેટ-સ્પૉન્સર્ડ છે. નિર્દોષ લોકોને આતંકવાદીનો થપ્પો મારી તેમની હત્યા કરવામાં આવે છે.” તેમણે આ અંગે દેશની સર્વોચ્ચ અદાલતને પણ પત્રો લખ્યા હતા. મંત્રી અમર ઠાકોરે રાકેશસિંહના સંપર્કો, તેમને મળતા દેશી–વિદેશી ફંડની માહિતી લાવવાની સૂચના આપી હતી. રાજ્ય સરકાર કોઈ પણ રીતે રાકેશસિંહને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માગતી હતી પણ હજી સુધી તેમની કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ હાથ લાગી ન હતી. મંત્રી અમર ઠાકોર ફિક્સિંગમાં માહિર હતા. તેમણે તો રાકેશસિંહ સાથે અંડર-ટેબલ ડીલિંગનો પ્રયત્ન કરી જોયો હતો, પણ રાકેશસિંહને ઓળખવામાં તે થાપ ખાઈ ગયા.

- Advertisement -

અબ્દુલના મોતનો મામલો ગરમ થઈ ગયો હતો. ખણખોદીયો પત્રકાર આદેશ આખી ઘટના સાક્ષીભાવે જોતો હતો. તે પત્રકાર હતો… તેનું કામ રિપોર્ટિંગ કરવાનું હતું. પણ તે રૂટિન નહીં. કંઈક એવું કરવા માગતો હતો કે જેની તેને શંકા હતી. તે માનતો હતો કે આ ઍન્કાઉન્ટર નથી પણ મર્ડર છે. જોકે તેની પાસે તે અંગેનાં કોઈ પુરાવા ન હતા, તે આ અંગે ચર્ચા કરવા રાકેશસિંહ સાથે કલાકો સુધી બેસતો હતો, સવારે જે અખબારો આવ્યાં હતાં, તેમાં મોટા ભાગના સમાચારો એક સરખા હતા, જ્યારે આદેશના રિપોર્ટમાં પોલીસના ઍન્કાઉન્ટર ઉપર ખાસ્સા સવાલો ઊભા કર્યા હતા, સમાચાર વાંચનારને બિટ્વીન ધ લાઇન્સ પોલીસના બનાવટી ઍન્કાઉન્ટરનો અંદાજ આવી જાય તે રીતના સમાચારો લખાયા હતા. આદેશે પોલીસે પ્રેસ-કૉન્ફરન્સમાં શું કહ્યું : “તેની સામે કઈ રીતે બનાવટી ઍન્કાઉન્ટર હોવાનાં કારણો રજૂ કર્યાં હતાં?” આખો દિવસ માનવઅધિકાર-સંગઠનો પોલીસ અને સરકાર ઉપર માછલાં ધોઈ રહ્યાં હતાં, તે સમાચારો જોઈ મંત્રી અમર ઠાકોરે સામે ચાલી ડીસીપી જે. કે. વછરાજાનીને ફોન કરી ધમકાવતાં કહ્યું : “વછરાજાની, તમારા દરેક ઑપરેશન પછી બબાલ થાય છે… તમે કંઈ મૅનેજ કેમ કરતા નથી? દરેક વખતે અમારે જ જવાબો આપવાના?” વછરાજાનીએ માફી માગતા હોય તેવા સૂરમાં કહ્યું : “ના ના, સાહેબ, હું મૅનેજ કરી જ રહ્યો છું, તમે ચિંતા ના કરતા. કેટલાક લોકો કામે લાગી ગયા છે, સાંજ સુધીમાં પરિણામ આવી જશે.” વછરાજાનીને અંદાજ આવ્યો જ નહીં કે મંત્રીએ તેમની વાત સાંભળી કે વાત સાંભળ્યા વગર જ ફોન કાપી નાખ્યો! થોડી મિનિટો સુધી વિચાર કર્યા પછી તેમણે પોતાના સ્ક્વૉર્ડમાં ફરતા કૉન્સ્ટેબલ ઇરફાનને બોલાવ્યો અને કહ્યું : “ઇકબાલને બોલાવી લે. બહુ અર્જન્ટ કામ છે.” ઇરફાન ‘સર’ કહી ત્યાંથી રવાના થયો.

અબ્દુલના ઘરેથી જનાજો નીકળ્યો. કબ્રસ્તાન જવાના રસ્તામાં ઇકબાલ જોડાઈ ગયો. તેણે આખરી મંજિલ ઉપર જઈ રહેલા અબ્દુલને કાંધ આપી. તેની નજર આજુબાજુ ફરી રહી હતી. કબ્રસ્તાનમાં પણ તે દફનવિધિમાં હાજર હતા. કેટલાક લોકો પોલીસ-કાર્યવાહીથી નારાજ હતા. તો કેટલાક કબ્રસ્તાનમાં એક તરફ જઈ વાતો કરતા હતા, અબ્દુલના મોતને કારણે બધા જ દુ:ખી કે નારાજ હતા, તેવું માનવાનું કોઈ કારણ ન હતું. કેટલાક વિસ્તારમાં અબ્દુલનો પણ ત્રાસ હતો… જે વેપારીઓ અબ્દુલને ખંડણી આપી ચૂક્યા હતા, તેઓ પણ કબ્રસ્તાનમાં હાજર હતા. કોણ કોણ આવ્યું છે તેની નોંધ ઇકબાલની નજર રાખી રહી હતી. દફનવિધિ પતાવી બધા છૂટા પડ્યા ત્યાંથી ઇકબાલ પણ નીકળ્યો. પણ પોતાના ઘરે જવાને બદલે તે સીધો અબ્દુલના ઘરે ગયો. હજી અબ્દુલના નજીકના સગાંઓ ઘરમાં બેઠાં હતાં. ઇકબાલ દુ:ખ વ્યક્ત કરવા આવ્યો તે રીતે દુ:ખ વ્યક્ત કરનાર લોકોમાં જોડાઈ ગયો. રઝિયા દરેકને અબ્દુલની વાત કરી રહી હતી. બધા જ માનતા હતા કે પોલીસે અબ્દુલની હત્યા કરી છે.

ઇકબાલે રઝિયા સામે જોયું. રઝિયાએ પણ તેની સામે જોયું. થોડી વાર પછી ઇકબાલ સલામ કરી ઊભા થયો અને ઘરની બહાર નીકળ્યો. થોડી જ મિનિટોમાં રઝિયા પણ બહાર આવી. ઇકબાલે તેની સાથે વાત કરી. દૂરથી એવું લાગતું કે રઝિયા ના પાડી રહી હતી. પણ પાંચ-સાત મિનિટ પછી ઇકબાલ ત્યાંથી નીકળ્યો ત્યારે તેના ચહેરા ઉપર એક પ્રકારનો આત્મવિશ્વાસ હતો. હવે રઝિયા પણ પોતાના ઘરમાં પહોંચી ગઈ હતી. ઇકબાલ પહેલાં ચોરીઓ કરતો હતો, પછી તેણે ઑઇલ ચોરીમાં ઝંપલાવ્યું અને પોલીસને તેનો અંદાજ આવે ત્યાં સુધી ખાસ્સું કમાઈ લીધું હતું. પકડાયા પછી જેલમાં ગયો અને બહાર નીકળી તેણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધામાં ઝંપલાવ્યું હતું. લોચાવાળી જમીનો ખરીદતો અને તેની ઉપર સ્કીમ મૂકતો હતો. પૈસા હતા, ખોટું કરવાની હિંમત હતી અને ગુંડો હોવાની છાપને કારણે ટપોરીને હવે લોકો ઇકબાલભાઈ તરીકે ઓળખવા લાગ્યા હતા. જોકે ઇકબાલે પોલીસ સાથે સંબંધો યથાવત્ રાખ્યા હતા અથવા રાખવા પડે તેમ હતા. નૉનવેજ ખાતા અધિકારીઓને ત્યાં ચિકન મોકલવાથી લઈ ફરવા માટે કાર મોકલવા સહિતની પોલીસ સામે ફરિયાદ કરનાર મુસલમાનોને ધમકાવવા અને સમજાવવાનું કામ ઇકબાલનું હતું.

- Advertisement -

ઇકબાલ નમાઝી હતો. ઇસ્લામના તમામ રીત-રિવાજોનું તે પાલન કરતો હતો. પરંતુ તેની શ્રદ્ધા અલ્લાહ કરતાં વધારે પૈસા ઉપર હતી. તે દેખાવ એવો કરતો કે તે કોમ માટે કામ કરે છે, પરંતુ તેને કોમ સાથે કોઈ નિસબત ન હતી. આજે પણ તે રઝિયાને મળીને નીકળ્યા બાદ સીધો ક્રાઇમ-બ્રાન્ચ પહોંચ્યો હતો.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular