Thursday, August 20, 2026
HomeGujaratમંત્રી અને ખુદ મુખ્યમંત્રી પણ બાબાના આશીર્વાદની મહેચ્છા રાખતા | શતરંજ 3

મંત્રી અને ખુદ મુખ્યમંત્રી પણ બાબાના આશીર્વાદની મહેચ્છા રાખતા | શતરંજ 3

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-3, નવજીવન ન્યૂઝ): સવાર થતાં જ પત્રકારો મોટી સંખ્યામાં ક્રાઇમ-બ્રાન્ચ બહાર ભેગા થયા હતા. જેમાં ટેલિવિઝન-ચૅનલના પત્રકારો પોતાની કૅમેરા-ટીમ સાથે હોવાને કારણે તેમની હાજરી ઊડીને આંખે વળગતી. કૅમેરામેન ક્રાઇમ-બ્રાન્ચ આવતાં પહેલાં નારોલ ઍન્કાઉન્ટર-સ્પૉટ ઉપર જઈને આવ્યા હતા. ત્યાંના વિઝ્યુઅલ મળી ગયા હતા. ઘટનામાં સ્થળ ઉપર હાજર ઇન્સ્પેક્ટર મહેશ રાવ અને વિનય તોમરે વિનંતી કરી હતી કે, તેઓ ઍન્કાઉન્ટર અંગે કોઈ વાત નહીં કરે કારણ કે ડીસીપી વછરાજાની પત્રકારોને બ્રીફિંગ આપવાના છે. તેના કારણે ફોટોગ્રાફર અને કૅમેરામેન સાથે પત્રકારો સવારથી જ ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસ બહાર એકઠા થયા હતા. જોકે ક્રાઇમ-બ્રાન્ચના તોતિંગ લોખંડી દરવાજા હજી પત્રકારો માટે ખૂલ્યા ન હતા. એસીપી પરમારનો ફોન હવે સ્વિચ ઑફ આવતો હતો, જ્યારે ડીસીપી વછરાજાની કોઈ પણ પત્રકારનો ફોન રિસીવ કરતા ન હતા. દરવાજે ઊભો રહેલો સંત્રી વિનંતીના સૂરમાં પત્રકારોને કહી રહ્યો હતો કે ‘હજી સાહેબ આવ્યા નથી અને તમને અંદર જવા દેવા અંગે કોઈ સૂચના નથી.’ ગુનેગારોમાં જ નહીં પણ પોલીસમાંયે વછરાજાનીનો ખોફ હતો. તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પોલીસને ફટકારતા. પત્રકારો સંત્રીની સ્થિતિ સમજતા હતા, એટલે તેની સાથે કોઈ માથાકૂટ કરવાને બદલે તેમણે રાહ જોવાનું જ મુનાસિબ માન્યું હતું.

પત્રકારોમાં આદેશ, રાજુ અને મોહન સહિત ઘણા બધા હતા. રાજુ માતબર અખબાર ‘ખબરદાર’નો ક્રાઇમ-રિપોર્ટર હતો. રાજુને પોતાના કામ કરતાં પોતાના અખબારના નામનું વધારે ગૌરવ હતું. તે માનતો કે તેને મળતો માન મરતબો તેના કામ કરતાં વધારે ઈશ્વર અને શેઠની કૃપાને કારણે મળે છે. તે સતત સુરક્ષિતતા અનુભવતો હતો, તેથી કરી બને ત્યાં સુધી તે તમામ સાથે સારા સંબંધો રાખવાનો અને ખાસ કરી પોલીસ-અધિકારીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો હતો. તેનું બીજું કારણ એવું હતું કે, રાજુના શેઠ અખબાર-માલિક હોવાનો ફાયદો લઈ જમીનો અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો પણ કારોબાર કરતા હતા. જેમાં વાર-તહેવારે પોલીસની જરૂર પડતી અને જવાબદારી ક્રાઇમ-રિપોર્ટર તરીકે રાજુની હતી. ખરેખર તો રાજુને પગાર રિપોર્ટિંગનો મળતો. શેઠને પોલીસની મદદ પૂરી પાડવાનો મળતો તેની ખુદ રાજુને ખબર ન હતી. તે પોતે જ ઘણી વખત આ વાત પોતાના સાથી-પત્રકારોને કહેતો હતો. મોહન વખાણનો માર્યો પત્રકારત્વમાં આવ્યો હતો, તેને પત્રકારત્વ સાથે કોઈ લેવાદેવા ન હતી. નોકરીની શોધમાં હતો ત્યારે એક નાના અખબારમાં પત્રકારનું કામ મળી ગયું. પછી ધીરે ધીરે પોલીસ ઓળખે, નેતા ઓળખે તે વાતની મજા પડી ગઈ! અને હવે આ સિવાય બીજું કંઈ થાય તેમ નથી માટે ગોઠવાઈ ગયો. મોહનનું પણ કંઈક રાજુ જેવું જ હતું. તે ‘ખબરદાર’ અખબારના પ્રતિસ્પર્ધી ‘યંગ જનરેશન’માં કામ કરતો. તેના શેઠ પણ ‘ખબરદાર અખબાર’ના માલિક જેવા હતા. બંને માલિકોને ત્રાજવે બેસાડો તો ત્રાજવું એક પણ તરફ નમે નહીં. આદેશને લાગતું કે રિપોર્ટરે માત્ર રિપોર્ટિંગ જ કરવું જોઈએ પણ તેને સમજાતું હતું કે આ બંને અખબારોના રિપોર્ટરો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. માટે રિપોર્ટિંગ ઓછું અને શેઠનો ધંધો વધારે કરવો પડતો હતો.

- Advertisement -

પત્રકારો પાસે ક્રાઇમ-બ્રાન્ચની બહાર ગપ્પાં મારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. આમ કરતાં કરતાં બપોરનો એક વાગી ગયો. ત્યાં તો સંત્રીએ બધાને સચેત કરતો હોય તે સૂરમાં કહ્યુંઃ “જરા દૂર રહેજો, સાહેબની ગાડી આવી રહી છે.” પત્રકારો દરવાજાથી થોડા દૂર જતા રહ્યા. સફેદ કલરની ક્વૉલિસ કાર ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થઈ, જેમાં ડીસીપી જે. કે. વછરાજાની તેમની ટિપિકલ રૉબિનહૂડ જેવી ટોપી પહેરીને બેઠા હતા. તેમના ચહેરા ઉપર બાળક જેવું નિર્દોષ હાસ્ય હતું. પત્રકારોને જોઈ, કોઈ નેતા અથવા ફિલ્મ-કલાકાર હોય તેમ હાથ હલાવી અભિવાદન કર્યું હતું. દરવાજો ખૂલ્યો અને કાર કંપાઉન્ડમાં દાખલ થઈ. ફરી દરવાજો બંધ થઈ ગયો. પત્રકારોમાં હવે ક્યારે બોલાવશે તેનો ગણગણાટ શરૂ થઈ ગયો. અડધા કલાક પછી સંત્રી બહાર આવ્યો. તેના મુખે ‘સાહેબ બોલાવે છે’ તેવું સાંભળતાં જાણે ફૂડ-પૅકેટ મળવાનાં હોય તે ગતિએ પત્રકારોએ ક્રાઇમ-બ્રાન્ચમાં દોટ મૂકી. વછરાજાની અંદર આવી રહેલા પત્રકારો સામે જોઈ મલકાઈ રહ્યા હતા. તેમને પત્રકારોને કેમ રાજી રાખવા તેની ખબર હતી. રાજુને જોતાં બોલ્યા, “રાજુ બન ગયા જેન્ટલમૅન.” પત્રકારોને નામથી બોલાવો એટલે તે રાજી થઈ જાય છે, તે નબળાઈને વછરાજાની સારી રીતે જાણતા હતા. રાજુ પછી તેમણે આદેશ સાથે વાત કરતાં કહ્યુંઃ “સૉરી આદેશ, તારો ફોન હું રિસીવ કરી શક્યો નહીં. તારો ફોન આવ્યો ત્યારે હું સીએમ ઑફિસમાં હતો.” વછરાજાનીએ તેમની હૅટ ટેબલ ઉપર મૂકી હતી. ડાર્ક બ્લૂ શર્ટ, સફેદ પૅન્ટ અને સફેદ શૂઝ પહેર્યાં હતાં. એસીપી પરમાર તેમની બાજુમાં બેઠા હતા. તેમના ચહેરા ઉપર પણ ભારે ઉત્સાહ હતો. એક કૉન્સ્ટેબલ આવી પત્રકારોને પ્રેસનોટ આપવા લાગ્યા. પત્રકારોની પાછળ રહેલા કૅમેરામેન કૅમેરા ગોઠવવા માટે હજી કોલાહલ કરી રહ્યા હતા. વછરાજાનીના ટેબલ ઉપર ચૅનલોનાં માઇક ગોઠવાઈ ગયાં હતાં. ત્યાં વછરાજાનીએ એસીપી પરમાર સામે જોતાં પૂછ્યું, “મહેશ અને વિનય ક્યાં છે?” પરમારે ત્યાં ઊભા રહેલા કૉન્સ્ટેબલ સામે જોતાં જ તે સમજી ગયો. તે તરત બંનેને બોલાવવા માટે ચેમ્બરની બહાર દોડી ગયો. મિનિટમાં બંને દાખલ થયા અને પત્રકારોની સામે અને વછરાજાની પાછળ આવી ઊભા રહી ગયા, તે બંનેને મન કોઈ મોટા ઉત્સવ જેવું હતું.

પત્રકારોનું ધ્યાન દોરવા માટે ડીસીપી વછરાજાનીએ પ્રેસ-નોટ હાથમાં લેતાં પૂછ્યું : “શૅલ વી સ્ટાર્ટ?” પત્રકારો તો ક્યારના તૈયાર જ હતા. ચૅનલો સામે જોતાં વછરાજાનીએ કહ્યુંઃ “પહેલાં ગુજરાતીમાં, પછી હિંદીમાં બાઇટ આપીશ.” તેમણે શરૂઆત કરી… “છેલ્લા એક મહિનાથી ઇન્ટેલિજન્સ બ્યૂરો તરફથી ઍલર્ટ હતો કે લશ્કર-એ-તોઇબા દ્વારા આપણા મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે, જે માટે તેમણે કેટલીક સ્થાનિક વ્યક્તિઓની પસંદગી કરી છે, જે સંદર્ભમાં એસીપી રામસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આ પ્રકારની કામગીરી માટે કયા કયા સ્થાનિક લોકોનો ઉપયોગ થઈ શકે તે જાણવા માટે પોતાના બાતમીદારોને કામે લગાડ્યા હતા, જેમાં અમારા ધ્યાનમાં આવ્યું હતું કે અબ્દુલ મજીદ પઠાણ એક મહિનાથી ગુમ છે. તેના ઘરે પણ તે આવતો ન હતો. તપાસમાં બહાર આવ્યું કે તે કાશ્મીર સરહદેથી પાક ઑક્યુપાઇડ કાશ્મીર તરફ ગયો છે. ચાર દિવસ પહેલાં તે લશ્કર-એ- તોઇબાની યોજના પ્રમાણે કાશ્મીરથી પરત આવી વડોદરા રોકાયો છે, ત્યાંથી તે અમદાવાદ આવી રહ્યો છે તેવી બાતમી ગઈ રાત્રે મળતાં પરમાર અને તેમના માણસો મહેશ અને વિનય તરફ ઇશારો કર્યો જે નારોલ વૉચમાં હતા. જોકે અબ્દુલ અમદાવાદનો નામી ગુનેગાર હોવાને કારણે પોલીસ-અધિકારીઓને ઓળખતો હતો. અમારા સ્ટાફે તેને કાર રોકવાનો ઇશારો કરતાં તેણે પોલીસ-અધિકારીઓની હત્યા કરવાના ઇરાદે તેની ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં પોલીસે સ્વબચાવ માટે ગોળીબાર કરતા ગોળીબારમાં અબ્દુલ માર્યો ગયો હતો.”

તરત મોહને સવાલ કરતાં પૂછ્યું : “સાહેબ, અબ્દુલે કેટલા રાઉન્ડ ગોળી છોડી હતી?” વછરાજાનીએ પરમાર તરફ જોતાં તેમણે જવાબ આપ્યો : “બે.” એક પછી એક સવાલોનો દોર ચાલતો રહ્યો, ત્યારે આદેશે હાથ ઊંચો કરતાં વછરાજાનીએ કહ્યુંઃ “બોલો બોલો આદેશ.” આદેશે પૂછ્યું : “સર, અબ્દુલે જે બે રાઉન્ડ ગોળીઓ છોડી તે તો પોલીસ જીપ ઉપર છોડી હતી, ત્યાર બાદ તે ગાડીમાંથી ઊતરી ભાગ્યો ત્યારે તો તેણે એક પણ ગોળી છોડી ન હતી, તો પછી શા માટે મારી નાખવામાં આવ્યો?” આદેશનો સવાલ પૂરો થતાં જ વછરાજાનીએ કહ્યુંઃ “હું તારા સવાલમાં સુધારો કરતાં સ્પષ્ટતા કરું છું કે, અમે તેને મારી નાખ્યો નથી, તે માર્યો ગયો છે. બાકીના પ્રશ્નનો જવાબ હમણાં આપી શકાય તેમ નથી, કારણ કે તે તપાસનો વિષય છે.” આદેશ હસ્યો. તેના વીસ વર્ષના અનુભવ ઉપરથી તેને એટલી તો ખબર પડી ગઈ હતી કે દાળમાં કંઈક કાળું છે.

- Advertisement -

પ્રેસ-કૉન્ફરન્સમાંથી બધા બહાર નીકળ્યા. ત્યાં આદેશને મહેશ અને વિનય પણ મળી ગયા. મહેશે સામેથી વાત કરતાં કહ્યુંઃ “અરે આદેશભાઈ, ક્યારેક તો અમારી ઉપર ભરોસો કરો. એકદમ જેન્યુઇન ઍન્કાઉન્ટર છે.” આદેશ કંઈ કહેવા જાય તે પહેલાં ત્યાં એસીપી પરમાર પહોંચી ગયા. તેમણે પણ તે જ વાત કરીને આદેશ સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યુંઃ “જુઓ આદેશભાઈ, મારા આ બંને ઇન્સ્પેક્ટરોએ પોતાનો જીવ જોખમ મૂકી તેનો પીછો કર્યો હતો. અમે કંઈ અમારા ઘર માટે કંઈ કરતા નથી. આ તો દેશ માટે જીવ બળે છે માટે કરીએ છીએ. જે દિવસે અમે પોલીસમાં નહીં હોઈએ ત્યારે તમને ખબર પડશે.” આદેશનો ચહેરો જોઈ લાગ્યું કે વાત કરવાનો કોઈ અર્થ નથી, એટલે જ તેમણે વિનયને કહ્યુંઃ “ભાઈ, પત્રકારોને ચા-પાણી કરાવીને મોકલજો. આપણું ઘણું સાચવે છે.” ડીસીપી જે. કે. વછરાજાની ક્રાઇમ-બ્રાન્ચમાં આવ્યાને બે વર્ષ થયાં હતાં ત્યાં આ પાંચમું પોલીસ-ઍન્કાઉન્ટર હતું અને પાંચેય મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતાની હત્યા કરવા માટે અમદાવાદ આવ્યા હતા. જોકે મુખ્યમંત્રીનું નિવાસસ્થાન અને ઑફિસ બંને ગાંધીનગરમાં હોવા છતાં ત્યાં સુધી કોઈ પહોંચ્યા ન હતા, બધા જ ગાંધીનગરથી ત્રીસ કિલોમીટર દૂર અમદાવાદમાં જ ઠાર થઈ જતા હતા. પત્રકારો નીકળ્યા પછી થોડી વારમાં ડીસીપી વછરાજાની પણ ક્રાઇમ-બ્રાન્ચની બહાર નીકળી ગાંધીનગર તરફ જવા રવાના થયા. વછરાજાની અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા હતા. બે ભાઈઓ અને એક બહેન. પૈસાની તંગી હોવા છતાં તેમના પિતાએ ત્રણે સંતાનોને સારી રીતે ભણાવ્યાં હતાં. જે. કે. વછરાજાની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પોલીસમાં જોડાયા હતા. જોકે તેમનો પોલીસ તરીકેનો પ્રારંભિક કાળ બહુ સામાન્ય હતો. બહુ સારાં પોસ્ટિંગ પણ મળતાં ન હતાં. પોલીસ હોવા છતાં સાહિત્યનો જીવ હતો. પોસ્ટિંગ સારાં ના હોય ત્યારે કવિ-સંમેલનોમાં જતા, જ્યાં તેમણે રચેલી કવિતાઓનું વાંચન કરતા, જેના કારણે તેમની ગણના સંવેદનશીલ પોલીસ-અધિકારી તરીકેની થવા લાગી હતી.

પણ જ્યારે તેમની મુલાકાત અઘોરીબાબા સાથે થઈ ત્યારે તેમનો ટર્નિંગ- પૉઇન્ટ આવ્યો. અઘોરીબાબાનો વિશાળ ભક્ત-સમુદાય હતો. વછરાજાનીની તેમને ત્યાં અવરજવર શરૂ થઈ. એક પોલીસ-અધિકારી હોવા છતાં જ્યારે પણ બાબાના આશ્રમમાં જાય ત્યારે તેઓ બાબાનાં ચરણમાં જ બેસતા. બાબા આ વાતનું ગૌરવ પણ લેતા હતા અને બાબા બીજા ભક્તોને વછરાજાનીની નમ્રતા અને સાદગીનું ઉદાહરણ આપતા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે બાબાને મળવા માટે દેશભરમાંથી ભક્તો આવતા. લાંબી લાંબી કતારો લાગતી, ત્યારે વછરાજાનીની હાજરી અચૂક ત્યાં રહેતી હતી. ક્યારેક વછરાજાની બાબાના ભજનમાં મગન થઈ પોતે પોલીસ-અધિકારી છે તે ભૂલી ભક્તોના ટોળા વચ્ચે ઝૂમવા લાગતા. અઘોરીબાબા તંત્રમંત્રના જાણકાર હોવાનું લોકો કહેતા. તેના કારણે સામાન્ય દીનદુઃખિયા ઉપરાંત શ્રીમંતો અને ખાસ કરી રાજકારણીઓ તેમને મળવા આતુર રહેતા હતા. બાબા તેવો ડોળ કરતા કે તેમને શ્રીમંતો અને નેતાઓ પ્રત્યે નફરત છે, પણ ખાનગીમાં પાર્ટી કેટલી મોટી છે તેની ખાતરી થતાં મળી પણ લેતા હતા. બાબાના વૈભવી આશ્રમમાં આમંત્રણ મળે તે માટે નેતાઓ બાબાના મળતિયાઓનો સંપર્ક કરતા હતા. રાજકીય નેતાઓને બાબાના અનુયાયી થવામાં મતોનો પણ ફાયદો દેખાતો હતો, કારણ કે તેમની પાસે વિશાળ ભક્તોનો સમુદાય હતો. રાજ્યના આઇએએસ અધિકારીઓ, મંત્રી અને ખુદ મુખ્યમંત્રી પણ બાબાના આશીર્વાદની મહેચ્છા રાખતા હતા. તેના કારણે જ નેતાઓ અને અધિકારીઓનું ધ્યાન વછરાજાની તરફ ગયું હતું. વછરાજાની બાબાના ખાસ માણસ છે વાત ફેલાઈ જતા બહુ લાંબો સમય લાગ્યો નહીં. હવે બાબાની મુલાકાત અને આશીર્વાદ માટે નેતાઓ વછરાજાનીનો સંપર્ક કરવા લાગ્યા હતા.

બાબા અનેક દર્દોની એક દવા હતી. મોટા બિલ્ડરો તેમની પાસે ખોળો પાથરતા. બાબાના આશ્રમમાં દાનનો બે નંબરનો પ્રવાહ એટલો મોટો હતો કે તેનું ક્યાં રોકાણ કરવું તે સમસ્યા હતી. બાબા તે ફંડનું રોકાણ બિલ્ડરોને ત્યાં કરતા હતા. સદા સફેદ વસ્ત્રો ધારણ કરનાર બાબાની સાથે તેમના પુત્ર જુનિયર બાબાનો વટ પણ એટલો હતો. તે કાયમ પોતાનાં મહિલા-ભક્તોથી ઘેરાયેલા રહેતા. મહિલા-ભક્તો જુનિયર બાબાની એક નજર માટે તરસ્યાની જેમ ઝૂર્યાં કરતી હતી. જુનિયર બાબા પોતાને કૃષ્ણનો અવતાર ગણાવતા હતા. તેથી મહિલાઓ તેમની રાધા અને ગોપી થવા પાગલ બનતી હતી.

- Advertisement -

નેતાઓ અને અધિકારીઓ તો ઠીક પણ અખબાર-માલિકોને બાબાના નામનો સારો ધંધો મળતો હતો. ધાર્મિક પૂર્તિમાં તેમના લેખ લેવા માટે પત્રકારો આશ્રમમાં બેસી રહેતા હતા. બાબાના લેખને કારણે અખબારનું સર્ક્યુલેશન વધી જતું હતું. આશ્રમ બહાર લાગતી કતારોના ફોટાઓ અખબારમાં છપાતા હતા. પરિસ્થિતિના માર્યા મોટા ગજાના પત્રકારો પણ બાબા સાથે પોતાના ફોટાઓ પડાવતા હતા. આટલા પરાક્રમી બાબાના ભક્ત હોવાનો વછરાજાનીએ ફાયદો લેવાની શરૂઆત કરી હતી. નેતાઓ અને ટોચના અધિકારીઓને લઈ બાબાના આશ્રમમાં તે જવા લાગ્યા હતા. તેના કારણે બાબા તો ઠીક પણ વછરાજાનીના ઉપરી-અધિકારીઓના ચાર હાથ વછરાજાની ઉપર રહેવા લાગ્યા હતા. હવે પોસ્ટિંગ પહેલાં ગૃહ વિભાગમાંથી ફોન આવી જતો કે ક્યાં પોસ્ટિંગ જોઈએ છે. સારા પોસ્ટિંગની શરૂઆત થઈ હતી. આ વખતે ધારાસભ્ય અમર ઠાકોર અને વછરાજાની એક સરકારી સમારંભમાં મળી ગયા હતા.

અમર ઠાકોર માત્ર ધારાસભ્ય હોવા ઉપરાંત એક અઠંગ રાજકારણી પણ હતા. તેમને પોતાની સત્તાની તાકાતની બરાબર ખબર હતી. સત્તાધારી પક્ષના અન્ય ધારાસભ્યો વછરાજાનીને ‘સાહેબ’ કહીને સંબોધતા, જ્યારે અમર ઠાકોર તેમને વછરાજાની કહીને જ સંબોધતા હતા. ઠાકોર રાજ્યના તમામ અધિકારીઓને માત્ર પહેલા નામ અથવા અટકથી જ સંબોધતા હતા. ક્યારેય કોઈને સાહેબ કહેતા નહીં. ઠાકોર નેતા હોવાની સાથોસાથ એક સારા વ્યાપારી પણ હતા. તે રાજકારણને નફા-નુકસાનની રીતે તોલતા હતા. જોકે તે દૂરંદેશી નેતા હતા. દસ વર્ષ આગળનું વિચારનારા હતા, તે ધારાસભ્ય હોવા છતાં તેમને ખ્યાલ આવી ગયો હતો કે જે. કે. વછરાજાની જેવા પોલીસ-અધિકારીનો ભવિષ્યમાં કઈ રીતે અને કેવો ઉપયોગ થઈ શકે. એટલે જ તો જ્યારે અમર ઠાકોરને ગૃહ રાજ્યમંત્રી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો ત્યારે તેમણે સૌથી પહેલાં વછરાજાનીને બઢતી સાથે ક્રાઇમ-બ્રાન્ચના ડીસીપી તરીકે મૂક્યા હતા. વછરાજાની મંત્રી ઠાકોરનો પડ્યો બોલ ઝીલવા હંમેશાં તૈયાર જ રહેતા હતા.

ગુજરાત પોલીસમાં કાબેલ અને હોશિયાર પોલીસ-અધિકારીઓ તો ઘણા હતા, પરંતુ મંત્રી અમર ઠાકોરને ઍફિશિયન્ટ નહીં, ઓબિડિયન્ટ ઑફિસરની જરૂર હતી. તેના માટે વછરાજાની ફિટ હતા. અમર ઠાકોરના મનમાં એક બ્લૂ પ્રિન્ટ હતી જેમાં કથા-પટકથા અને સંવાદ તૈયાર જ હતાં. માત્ર જે. કે. વછરાજાનીએ તે પ્રમાણે ઍક્ટ કરવાનું હતું અને હમણાં વછરાજાની ઍન્કાઉન્ટર-પ્રેસ પતાવી અમર ઠાકોરને મળવા જતા હતા.

(ક્રમશઃ)

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular