Wednesday, August 19, 2026
HomeGeneral‘સાહેબ, મારે આવું કામ નથી કરવું’ - પોલીસવાળાના ધબકારા વધી ગયા | શતરંજ-...

‘સાહેબ, મારે આવું કામ નથી કરવું’ - પોલીસવાળાના ધબકારા વધી ગયા | શતરંજ- 1

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ ભાગ-1, નવજીવન ન્યૂઝ): ક્રાઇમ-બ્રાન્ચની બાજુમાં આવેલી પોલીસ-લાઇનમાં રાતના બારના ડંકા વાગ્યા. ક્રાઇમ-બ્રાન્ચની બહાર કેટલાક પોલીસ-કૉન્સ્ટેબલ જીપમાં બેઠા હતા, તો કેટલાક લોખંડી દરવાજાની પાસે આવેલા ઓટલા ઉપર બેઠા હતા. બારના ડંકા વાગ્યા, તેમ છતાં કેટલાક કૉન્સ્ટેબલોએ આદત પ્રમાણે કાંડા-ઘડિયાળમાં જોયું, આસિસ્ટંટ પોલીસ-કમિશનર રામસિંહ જયરાજસિંહ પરમારની જીપનો ડ્રાઇવર ભીમો ડ્રાઇવરની સીટ ઉપર જ બેઠો હતો, અને બાજુની સીટમાં વાયરલેસ-ઑપરેટર મૂળરાજ બેઠો હતો. બારના ડંકા વાગતાં, મૂળરાજે, ડ્રાઇવર ભીમા સામે જોઈને પૂછ્યું: “ક્યાં જવાનું છે?” સવાલ સાંભળી ભીમાએ નારાજ થઈને સામો સવાલ કરતાં પૂછ્યું : “સાહેબને પૂછ્યું? ક્યાં જવાનું છે? મારું કામ તો ગાડી ચલાવવાનું છે, સાહેબ જ્યાં કહે ત્યાં.” મૂળરાજ ગાડીની નીચે ઊતર્યો. ખિસ્સામાંથી બીડી-બાકસ કાઢ્યાં. બીડીની ગડી નવી હતી. તેને છૂટી પાડવા હાથની બંને હથેળીઓમાં તેને ગોળ ગોળ ફેરવી. ગડીનું મોઢું ખોલી સારી બીડી પસંદ કરી. બીડી સળગાવી ત્યાં જ ઇન્સ્પેક્ટર મહેશ રાવની ગાડીમાં બેઠેલા કૉન્સ્ટેબલે બૂમ પાડી : “બાપુ, અમને તો પિવડાવો.” મૂળરાજે વળતો જવાબ આપ્યો : “લે ને ભાઈલા.” કૉન્સ્ટેબલ તેની પાસે આવ્યો. તેણે એક બીડી લઈ સળગાવી કશ મારવાની શરૂઆત કરી. ત્યાં એસીપી પરમારની જીપમાં રહેલા વાયરલેસ-સેટ ઉપર સંદેશો શરૂ થયો… ‘કંટ્રોલ કૉલિંગ ટુ, ક્રાઇમ-૧.’ ભીમાએ તરત મૅસેજ આવતાં બૂમ પાડી. પોલીસનાં તમામ વાહનો કે જેમાં વાયરલેસ-સેટ લાગેલો હોય તેમાં એક કૉન્સ્ટેબલની જવાબદારી વાયરલેસ-ઑપરેટર તરીકેની હોય છે. મૂળરાજ ઑપરેટર તરીકે ફરજ બજાવતો હતો. આજે તેની નાઇટ ડ્યૂટી હતી. પોલીસ કંટ્રોલરૂમ દ્વારા પોલીસના તમામ વાહનોને એક ખાસ પ્રકારનો નંબર આપવામાં આવે છે. એટલે વાયરલેસ-ઑપરેટર સંદેશો આપતા અગાઉ તે નંબરનો ઉલ્લેખ કરે છે, જેને પોલીસની ભાષામાં કૉલ-સાઇન કહેવામાં આવે છે. એટલે એસીપી પરમારની કારની કૉલ-સાઇન ક્રાઇમ-૧ હતી. કંટ્રોલરૂમ દ્વારા ક્રાઇમ-૧ના નામે સંદેશો હતો, એટલે ઑપરેટર મૂળરાજે તેનો જવાબ આપવાનો હતો.

મૂળરાજ પોતાની સીટ ઉપર બેઠો. હાથમાં કાગળનું પૅડ અને પેન લીધાં. પછી તરત વાયરલેસ-સેટ હાથમાં લઈ, જવાબ આપ્યો : ‘ક્રાઇમ-૧ રેડી ફૉર મૅસેજ’. થોડીક મિનિટોમાં વાયરલેસ શાંત થયો, ફરી કંટ્રોલરૂમમાંથી સંદેશો આવ્યો : ‘ક્રાઇમ-૧ તમારું લોકેશન આપો. ક્રાઇમ-૧ તમારું લોકેશન આપો.’ ઘણી વખત વાયરલેસ-ફ્રીક્વન્સી ખરાબ હોય ત્યારે ઑપરેટર એકબીજાને સાંભળી શકતા નથી, એટલા માટે સંદેશો બે વખત રિપીટ કરતા હોય છે. મૂળરાજે તરત વળતો જવાબ આપ્યો, “ક્રાઇમ-૧ ટુ કંટ્રોલ… ક્રાઇમ-૧ હાલમાં ક્રાઇમ-બ્રાન્ચ ખાતે હાજર છે, સમય નોંધશો ૦૦:૧૧.” સંદેશો આપ્યો ત્યારે રાતના ૧૨ વાગીને ૧૧ મિનિટ થઈ હતી. માટે ૦૦:૧૧નો સમય લખાવ્યો હતો. દરેક વાયરલેસ-સંદેશા બાદ ઑપરેટર સંદેશાની આપ-લે કેટલા વાગે થઈ તેના સમયની નોંધ કરતા હોય છે. કંટ્રોલરૂમ સામાન્ય રીતે શહેરમાં ફરતાં તમામ પોલીસ-વાહનો કયા વિસ્તારમાં ફરી રહ્યાં છે, તેની દરેક કલાકે નોંધ કરતા હોય છે, જેથી શહેરમાં કોઈ બનાવ બને ત્યારે બનાવના સ્થળથી કયું પોલીસ-વાહન નજીક છે તેની જાણકારી હોય તો તે વાહનને તરત બનાવના સ્થળે મોકલી શકાય. નવેમ્બર મહિનો હતો. ઠંડીની શરૂઆત થઈ હતી. ક્રાઇમ-બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ-અધિકારીઓ અને જવાનોનાં શરીર ઉપર આછાં ગરમ કપડાં હતાં. થોડી વાર પછી પોલીસ-લાઇન તરફથી રાતના એકનો ડંકો સંભળાયો. પોલીસમાં નાઇટ-ડ્યૂટીની બધાને ટેવ હોય છે, પરંતુ કામ વગર ઊંઘ ચઢવી સ્વાભાવિક હતી. ભીમો અને મૂળરાજ પોતાની સીટ ઉપર ઊંઘવા લાગ્યા હતા. આવી જ સ્થિતિ લગભગ ક્રાઇમ-બ્રાન્ચની બહાર બેઠેલા મોટા ભાગના પોલીસ જવાનોની હતી. એસીપી પરમારનો કમાન્ડો પોતાની એ. કે. ૪૭ રાઇફલ ખુરશીના હૅન્ડલ ઉપર લટકાવી અર્ધ-જાગ્રત અવસ્થામાં બેઠો હતો. કમાન્ડો ગણેશ દાહોદનો હતો. ગામમાં તેની ખેતી હતી, તેના કારણે તેની પત્ની અને બાળકો સહિત અન્ય પરિવારજનો દાહોદમાં રહેતાં હતાં. ગણેશને પોલીસમાં ભરતી થયે વીસ વર્ષ થઈ ગયાં હતાં. હમણાં સુધી અનેક પોલીસ-અધિકારીઓના કમાન્ડો તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો. છેલ્લાં છ વર્ષથી ક્રાઇમ-બ્રાન્ચમાં ફરજ બજાવતો હતો.

- Advertisement -

ગણેશ ઉપર ઘણા અધિકારીઓને ભરોસો હતો, તેનું કારણ તેની કેટલીક ખાસિયત હતી. પહેલાં તો તેને કોઈ પણ કામ બતાવો તો તે કોઈ પણ સવાલ પૂછ્યા વગર મળેલા આદેશનું પાલન કરતો હતો અને બીજી વાત તે સારો રાઝદાર હતો. તેને કોઈ ખાનગી વાતની ખબર હોય તો તે ક્યારેય તેનો ભૂલથી પણ ઉલ્લેખ કરતો નહીં. ઘણી વખત તેના સાથી જવાનો કેટલાક ખાનગી ઑપરેશન વિશે પૂછતા ત્યારે તે મૂંગો થઈ જતો, એટલે કેટલાક તેને મજાકમાં સાહેબનો ચમચો પણ કહેતા હતા. તેની આ વફાદારીનું ઇનામ પણ મળતું. તેના ઉપરી-અધિકારી વાર-તહેવારે બંધ મુઠ્ઠીમાં સારી એવી રકમ પણ આપતા. જન્મે આદિવાસી હતો, ઓછું ભણેલો હતો અને પોલીસમાં નોકરી હોવા છતાં કોઈ પણ પ્રકારનું વ્યસન નહોતું. બે વાગવાની તૈયારી હતી ત્યાં અચાનક ક્રાઇમ-બ્રાન્ચનો તોતિંગ દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો તેની સાથે જ સૌથી પહેલાં ગણેશ પોતાની ખુરશીમાંથી ઊઠી ગયો અને તેણે એસીપી રામસિંહ પરમારને સલામ કરી. ડ્રાઇવર ભીમો અને ઑપરેટર મૂળરાજ પણ ઊઠી ગયા તથા જીપની બહાર નીકળી સાવધાન પોઝિશનમાં ઊભા રહ્યા. ઇન્સ્પેક્ટર મહેશ રાવનો સ્ટાફ પણ તૈયાર હતો. એસીપી પરમારે ભીમાની સામે જોઈને કહ્યુંઃ “ચાલો.” ભીમાએ સાહેબને સલામ કરી અને જીપનો સેલ માર્યો. પરમારનું કદ મધ્ય કાઠીનું હતું, પોણા છ ફૂટ હાઇટ, ઉંમરને કારણે બહાર આવી ગયેલું પેટ, પગમાં સ્પૉર્ટ્‌સ શૂઝ, બ્લૅક પૅન્ટ અને લાઇટ પિન્ક શર્ટમાં પરમારનું વ્યક્તિત્વ આકર્ષક લાગતું હતું. કમરમાં સરકારી સર્વિસ રિવૉલ્વર લટકતી હતી. પરમારની ઓળખ એટલે તેમની મોટી મૂછો. કદાચ પોલીસમાં આવ્યા એટલે મૂછો રાખવી જોઈએ તેવું માનીને મૂછો રાખી હશે તેવી તેમની મજાક પણ પોલીસવાળા કરતા હતા.

પરમારની સાથે ઇન્સ્પેક્ટર મહેશ રાવ પણ હતા. પરમારે જીપમાં બેસતાં મહેશ રાવને પૂછ્યું : “વિનય સાથે વાત કરી લીધી?” ઇન્સ્પેક્ટર રાવે કહ્યુંઃ “સર.” તરત બીજો આદેશ આપ્યો : “ચાલો મારી પાછળ આવો.” મહેશ રાવ જુનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર હતા. પોલીસમાં આવ્યાને બાર વર્ષ જ થયાં હતાં. જોકે રાવને મન એસીપી પરમારની સાથે કામ કરવું બહુ ગૌરવની વાત હતી. પોલીસ ટ્રેનિંગ કૉલેજમાં એસીપી પરમારનાં કામનાં ઉદાહરણ આપવામાં આવતા હતા. જ્યારે મહેશને ખબર પડી કે ક્રાઇમ-બ્રાન્ચના પોસ્ટિંગ બાદ એસીપી પરમારના સ્ક્વૉર્ડમાં તેને મૂકવામાં આવ્યો છે ત્યારે તેની ખુશીનો પાર ન હતો.

ઇન્સ્પેક્ટર વિનય તોમર અને મહેશ રાવ પરમારના માનીતા અધિકારી હતા. પરમાર જીપમાં વચ્ચેની સીટમાં બેઠા. મૂળરાજ ડ્રાઇવર બાજુની સીટમાં ગોઠવાયો અને કમાન્ડો ગણેશ છેલ્લી સીટમાં ગોઠવાઈ ગયો. ભીમાએ સહેજ ડોક ઘુમાવી પરમાર સામે જોયું. તે પૂછવા માગતો હતો કે ક્યાં જવું છે. જોકે પરમાર આ વાત સમજી ગયા. તેમણે કહ્યુંઃ “નારોલ તરફ લઈ લે.” ભીમાએ ક્લચ દબાવી ફર્સ્ટ ગિયરમાં જીપ નાખી અને કાફલો ગાયકવાડ હવેલીના પૌરાણિક દરવાજાની બહાર નીકળ્યો. દરવાજાની બહાર નીકળતાં પોલીસનાં વાહનો જમણી તરફ વળ્યાં, જમાલપુર દરવાજા પસાર થયા એટલે પોલીસનાં વાહનો ધીમાં પડ્યાં કારણ કે જમાલપુર શાક માર્કેટમાં શાક લઈ આવતી ટ્રકોની શરૂઆત થઈ ગઈ હતી. જોકે પોલીસનાં વાહનો ઉપર ઝબકતી લાલ લાઇટ જોઈ ટ્રકોવાળા તરત સાઇડ આપી દેતા હતા. એસીપી પરમાર રસ્તા ઉપર જોઈ રહ્યા હતા. તેમની નજર રસ્તા ઉપર હોવા છતાં તેમના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. કેટલા વાગ્યા તે જોવા માટે તેમણે પોતાનો મોબાઇલ ફોન ખિસ્સામાંથી બહાર કાઢ્યો. તેમના ફોનના સ્ક્રીન ઉપર શામળાજી ભગવાનનો ફોટો રહેતો. પરમારને નાનપણથી શામળાજીમાં અથાગ શ્રદ્ધા હતી. તેઓ માનતા કે તેમના જીવનમાં જે કંઈ સારું બન્યું તેમાં શામળાજીની જ કૃપા હતી. એક મિલ મજૂરનો દીકરો પોલીસમાં જોડાય અને ટૂંકા ગાળામાં તેની નામના ગુજરાત પોલીસના ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની થાય તે કંઈ નાનીસૂની ઘટના ન હતી. એસીપી પરમારના પિતા જયરાજસિંહ છ દાયકા પહેલાં અમદાવાદમાં મજૂરી કરવા આવ્યા હતા. ત્યારે એસીપી પરમારની ઉમર પાંચ વર્ષ હતી. પિતા જયરાજસિંહે મિલ મજૂર તરીકે કામની શરૂઆત કરી હતી. એસીપી પરમારનું મોટા ભાગનું શિક્ષણ સરકારી શાળામાં જ થયું હતું.

- Advertisement -

નાનપણથી પરમારમાં નેતાગીરીના ગુણ હતા. કૉલેજની ચૂંટણીમાં પરમાર જીએસ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એટલે જ તો ગૃહમંત્રી નીરજ રાવળની નજર પરમાર ઉપર પડી હતી. ગૃહમંત્રી રાવળ અમદાવાદની રખિયાલ વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા અને પરમાર રખિયાલ વિસ્તારમાં જ રહેતા હતા. મંત્રી રાવળને લાગ્યું પરમારમાં કંઈક દમ છે, તેના કારણે રાવળ જ્યારે પોતાના મત વિસ્તારમાં આવતા ત્યારે પરમારને પોતાની ઑફિસમાં બોલાવી લેતા, જેના કારણે પરમારનો એરિયામાં વટ વધી ગયો હતો. ખાસ કરી સ્થાનિક પોલીસ-અધિકારીઓ પરમારને સામે ચાલી બોલાવતા હતા. જોકે પરમારને ક્યારેય ખાખી કપડાં તરફ લગાવ ન હતો, તેના કારણે પોલીસ-અધિકારી તરફથી મળતાં માનપાનની કોઈ ખાસ અસર થતી ન હતી. પરમારની ઇચ્છા તો લશ્કરી-અધિકારી થવાની હતી. તેના કારણે તેઓ રોજ રનિંગ કરતા — કસરત કરતા. કૉલેજનાં ત્રણ વર્ષ પૂરાં થતાં, પરમારે લશ્કરી અધિકારી માટેની પરીક્ષા આપી. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂ હતો પરંતુ પરમાર અંગ્રેજીમાં નબળા હોવાને કારણે ઇન્ટરવ્યૂમાં ફેલ થયા. પરમારને ખૂબ આઘાત લાગ્યો હતો. તેમણે ઘરની બહાર નીકળવાનું જ લગભગ બંધ કર્યું હતું. જ્યારે મંત્રી નીરજ રાવળને સમાચાર મળ્યા ત્યારે તેમણે સામે ચાલી પરમારને ઘરેથી બોલાવ્યા હતા. પરમાર તેમને મળતાં રડી પડ્યા હતા. ત્યારે રાવળે તેમને કહ્યુંઃ “બેટા, કોઈ પણ લડાઈ જિંદગીની આખરી લડાઈ હોતી નથી; અને લડાઈ લાગણીથી નહીં પણ બુદ્ધિથી લડવી પડે. ચિંતા કરીશ નહીં, હું તારી સાથે છું, કંઈક રસ્તો નીકળશે.” આ વાતને છ મહિના પસાર થઈ ગયા. એક દિવસ ફરીથી મંત્રી રાવળની ઑફિસેથી પરમારને તેડું આવ્યું. પરમાર ત્યાં પહોંચતાં રાવળે કહ્યુંઃ “જો બેટા, સબ-ઇન્સ્પેક્ટરની ભરતી આવી છે, બીજું કંઈ પણ વિચાર્યા વગર ફૉર્મ ભરી દે. બાકીનું હું સંભાળી લઈશ.” પરમાર માટે આખી વાત અન્અપેક્ષિત હતી. પરમારે ક્યારેય પોલીસમાં જવાનો વિચાર સુધ્ધાં કર્યો ન હતો, તે વિમાસણમાં મુકાઈ ગયા. પરમારને વિચાર કરતા જોઈ મંત્રી રાવળે કહ્યુંઃ “બેટા, ખાલી આર્મીવાળા જ દેશસેવા કરે છે તેવું નથી, પોલીસની નોકરી પણ દેશસેવા જ છે.” પરમારને આ દલીલ યોગ્ય લાગી. તેમણે હકારમાં માથું હલાવ્યું અને ત્યાંથી નીકળ્યા. પોલીસ ખાતામાં જિંદગીનો આ ટર્નિંગ પૉઇન્ટ હતો. એક વર્ષ પછી પરમાર સબ-ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થઈ ગયા હતા. પોલીસમાં જોતજોતામાં ત્રીસ વર્ષ થઈ ગયાં હતાં.

પરમારની આગેવાની હેઠળનો પોલીસ-કાફલો નારોલ તરફ જઈ રહ્યો હતો. તેની ઝડપ કરતાં પરમારના મનમાં ચાલી રહેલા દ્વંદ્વની ઝડપ વધુ હતી. પરમારની પાછળની સીટમાં બેઠેલા કમાન્ડો ગણેશના ધ્યાનમાં તે વાત આવી ગઈ હતી… સાહેબ કંઈક વિચારી રહ્યા છે, કોઈ ગંભીર વાત છે, અથવા કોઈ મોટા ઑપરેશન માટે જઈ રહ્યા છે. જોકે ક્રાઇમ-બ્રાન્ચની પદ્ધતિ મુજબ ક્યારેય ઑપરેશન અંગે જાહેરમાં ચર્ચા થતી ન હતી. દરેકને માટે જાણવું જરૂરી છે, એટલી જ માહિતી તેને આપવામાં આવતી હતી. ગણેશ જૂનો પોલીસવાળો હતો. તેને સમજાઈ રહ્યું હતું કે કંઈક જુદું થવા જઈ રહ્યું છે. પરમારની નજર જીપની બહાર આગળ-પાછળ ફરી રહી હતી. હજી માંડ દસ મિનિટ થઈ હતી પણ પરમારને લાગતું કે તે ઘણા સમયથી જીપમાં મુસાફરી કરી રહ્યા છે. જીપ નારોલ સર્કલ પાસ કરી વડોદરા તરફ નૅશનલ હાઇવે–૮ ઉપર દોડી રહી હતી. સામેથી આવતી ટ્રકોના અવાજ સિવાય કોઈ અવાજ ન હતો. હાઇવેની બંને તરફ ઘોર અંધકાર હતો. પોલીસજીપની પાછળ આવી રહેલી ટ્રકો પોલીસનાં વાહનોને ઓવરટેક કરતી નહોતી. પરમાર ઝીણી આંખ કરી જીપના ફ્રન્ટ કાચમાંથી આગળના રસ્તા ઉપર જોઈ રહ્યા હતા. અચાનક તેમની નજર એક બૉર્ડ ઉપર ગઈ. તેમણે ડ્રાઇવરના ખભા ઉપર હાથ મૂકતાં કહ્યુંઃ “ભીમા.” તેણે તરત એક્સિલરેટર ઉપરથી પગ ઉપાડી ક્લચ અને બ્રેકનો એકસાથે ઉપયોગ કર્યો અને જીપ ડાબી તરફ રસ્તાના કિનારે ઊભી રાખી. પરમાર નીચે ઊતર્યા. તેમણે બૉર્ડ સામે જોયું. તેની ઉપર લખ્યું હતું : અમદાવાદ પોલીસ-કમિશનરની હદ સમાપ્ત.

પાછળ આવી રહેલા પોલીસ-ઇન્સ્પેક્ટર મહેશ રાવની જીપ પણ ઊભી રહી. રાવ નીચે ઊતરી એસીપી પરમાર પાસે આવ્યા. પરમારની નજર ચારે તરફની પરિસ્થિતિનો અંદાજ મેળવી રહી હતી. પરમારે ઇન્સ્પેક્ટર રાવ સામે જોતાં પૂછ્યું : “આ જગ્યા જ છે ને…” રાવે કહ્યુંઃ “હા સર.” પરમારે રાવ તરફ આંખનો ઇશારો કર્યો અને રાવે ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢી નંબર ડાયલ કર્યો : હા વિનય, અમે સ્પૉટ પહોંચી ગયા છીએ.

- Advertisement -

પછી એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. પરમાર અને મહેશ રાવ સાથે ઊભા હતા, છતાં તેમની વચ્ચે કોઈ સંવાદ ન હતો. કદાચ તેમના બંનેનાં મનમાં એકસરખા જ વિચારો ચાલી રહ્યા હતા. સાથે રહેલા પોલીસવાળાઓનાં મનમાં ઉત્સુકતા હતી કે અહીંયાં કેમ આવ્યા છીએ. ક્યારેક એકબીજા સામે, તો ક્યારેક તેઓ પરમાર અને રાવ સામે જોતા. તેમને સમજાતું ન હતું કે તેમના બંને અધિકારીઓ કેમ એકદમ શાંત થઈ ગયા. અચાનક પરમારને કંઈક યાદ આવ્યું. તેમણે રાવને પૂછ્યું : “અરે રાવ, ટ્રાફિક બ્લૉક કરવાનું કોઈને કીધું છે કે નહીં?” રાવે તરત સવાલ કર્યો : “હા સાહેબ, ટ્રાફિક બંધ કરાવી દઉં?” પરમારે કહ્યું: “કરાવી દે… હવે વિનય આવતો જ હશે.” રાવે તરત ફોન-નંબર ડાયલ કર્યો અને પાંચ મિનિટમાં બંને તરફથી આવી રહેલો વાહન વ્યવહાર બંધ થઈ ગયો, જેના કારણે હાઇવે હોવા છતાં રસ્તો સાવ સૂમસામ થઈ ગયો. રસ્તા ઉપર પોલીસનાં બે વાહનો અને આઠ-દસ પોલીસવાળાને બાદ કરતાં કોઈ ન હતું. કદાચ બધા પોલીસવાળાને પોતાની જ હાજરીનો ડર લાગતો હોય તેવો ભાવ સૌના ચહેરા ઉપર હતો. પોલીસનો સ્ટાફ જ્યાં ઊભો હતો તેની બંને તરફ બે કિલોમીટર પહેલાં પોલીસે બેરીકેટ લગાવી રસ્તો બ્લૉક કરી દીધો હતો. બૅરિકેડ લગાવનાર પોલીસને તો જરા પણ અંદાજ ન હતો કે તેમણે શા માટે રસ્તો બંધ કર્યો છે. મહેશના ચહેરા ઉપર બેચેની જોઈ શકાતી હતી. તેનો તેને પોતાને પણ ખ્યાલ આવી ગયો હતો. તે પ્રયત્ન કરતો હતો કે તેનો ચહેરો એસીપી પરમાર વાંચી ન લે. તેણે પોતાની છાતી ઉપર ડાબી તરફ હાથ મૂક્યો. તે પોતાના ધબકારા પોતે ગણી શકે એટલા જોરથી ચાલતા હતા, અને પોતાની જાતને સવાલ પૂછી રહ્યો હતો કે ‘તે શું કામ આ કામ કરી રહ્યો છે?’ પણ તેની પાસે તેનો જવાબ ન હતો. મહેશ ત્યાં હાજર તમામ સામે તેમને ખબર ના પડે તે રીતે જોઈ લેતો હતો, કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને! તેને મનમાં થતું હતું કે તે અહીંયાંથી દોડીને જતો રહે અને એસીપી પરમારને કહી દે કે ‘સાહેબ, મારે આવું કામ નથી કરવું’ — આવું તેને દરેક મોટા ઑપરેશનમાં થતું. જોકે તેવું તે ક્યારેય કરી શક્યો નહીં. વળી આજે પણ તેનામાં ના પાડવાની હિંમત નથી તેની તેને ખબર નથી, કારણ કે એક એવા ચક્રવ્યૂહમાં ફસાયો હતો કે ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો જ ન હતો.
(ક્રમશઃ)

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular