Heavy rain forecast for two days in Gujarat : રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ રહેશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહે તેવી શક્યતા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા અનુસાર, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 ઓગસ્ટે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આજે 12 ઓગસ્ટના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 3 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિ વિપરીત છે. 12 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 47 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.








