Raging is a factor in Surat resident doctor suicide case : સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ પીજી હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ તબીબે ગળાફાંસો ખાઈને આપઘાત (Suicide in Surat new civil hospital campus) કરવાના મામલામાં મોટો ઘટસ્ફોટ થયો છે. હર્ષ પંડ્યાની આત્મહત્યા પાછળનું કારણ સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોએ કરેલું રેગિંગ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Pansheriya) એ આપેલા તપાસના આદેશ બાદ રેગિંગ કારણભૂત હોવાનું સામે આવતા 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરને 6 મહિના માટે સસ્પેન્ડ (Four senior resident doctors suspended) કરી દેવાયા છે. ખટોજરા પોલીસે આપઘાત કેસમાં મૃતકનો મોબાઈલ ફોન-લેપટોપ ડેટા તપાસવા કબજે કર્યું છે.
મોડાસા શહેરની કૃષ્ણપ્રિયાચર્યા સોસાયટીમાં રહેતા અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમડી માઈક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ સુભાષભાઈ પંડ્યાએ આપઘાત કરી લીધો હોવાનું 9 ઓગસ્ટના રવિવારના રોજ સામે આવી હતી. હર્ષ પંડ્યા હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર નહીં મળી આવતા સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. જો કે, તેમનો ફોન બંધ આવતો હોવાથી હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા જણાવાતા આપઘાતનો મામલો સામે આવ્યો હતો.
આરોગ્ય મંત્રીએ 24 કલાકમાં તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. જે તપાસમાં 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરે હર્ષ પંડ્યાનું રેગિંગ કરી અપમાનિત કર્યા હોવાનું સામે આવ્યું હતું. વારંવારના રેગિંગના કારણે હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે ચારેય સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.








