Forest officer attacked in Valsad : વલસાડ જિલ્લામાં ખેરના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ વર્ષોથી થતું આવ્યું છે અને તેને લઈને વિવાદો પણ. વલસાડના ધરમપુર તાલુકામાં ખેરના વૃક્ષોના ગેરકાયદેસર કટિંગ મામલે થયેલી ફરિયાદની અદાવત રાખી એક શખસે બે મહિલા ફોરેસ્ટ અધિકારી પર કાર ચઢાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. ધરમપુર પોલીસે આ ઘટનાના વીડિયો આધારે ફરિયાદ (Dharampur police registered FIR) નોંધી તપાસ આરંભી છે. આ મામલાની જાણ વન વિભાગ ગાંધીનગરને કરવામાં આવી છે.
ધરમપુર તાલુકામાં આવેલી હનમતમાળ રેન્જના મામાભાચા ગામે સરકારી જંગલમાંથી ખેરના વૃક્ષોનું ગેરકાયદે કટીંગ થયું હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગની તપાસમાં દિલીપ રાવલે આ વૃક્ષ કાપ્યા હોવાનું સામે આવતા હનમતમાળ રાઉન્ડ ફોરેસ્ટર રેણુકાબહેન ભોયાએ તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીની અદાવત રાખી આરોપી દિલીપ રાવલ મંગળવારે 4 ઓગસ્ટના રોજ પોતાની કાર લઈને હનમતમાળ રેન્જ ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે પહોંચ્યો હતો અને બૂમાબૂમ કરવા લાગ્યો હતો. અવાજ સાંભળી રેણુકાબહેન ભોયા અને ફોરેસ્ટર લતાબહેન આહીર ક્વાર્ટસમાંથી બહાર આવ્યા હતા. આ સમયે ઉશ્કેરાયેલા દિલીપે તેમને જાનથી મારી નાંખવાના ઈરાદે કાર પૂરઝડપે તેમના તરફ હંકારી હતી. જોકે, બંને અધિકારીઓએ સમયસૂચકતા વાપરી ગેટના પિલર પાછળ ખસી જતાં તેમનો જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વન કર્મીઓએ વીડિયો ઉતારી લીધો હતો. બૂમાબૂમ થતાં ક્વાર્ટસમાંથી બીટગાર્ડ વંદનાબહેન અને RFO નિલેશ પટેલ દોડી આવ્યા હતા. RFO એ પોલીસને ઘટનાની જાણ કરી હતી, પરંતુ પોલીસ આવે પહેલાં જ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો હતો.








