Traffic complaints now on 112 : રાજ્યમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો માટે કાર્યરત જૂના ટોલ-ફ્રી નંબર 1800 233 1122 ને સમગ્ર દેશમાં કાર્યરત ‘112’ (112 Emergency Response Support System – ERSS) હેલ્પલાઇન સાથે મર્જ કરવામાં આવ્યો છે. આવતીકાલ 1 ઓગસ્ટથી ટ્રાફિક સંબંધિત તમામ ટેલિફોનિક ફરિયાદો તેમજ રજૂઆતો માત્ર 112 નંબર ઉપર જ નોંધાવી શકાશે. વરસાદી માહોલમાં વાહનચાલકો ટ્રાફિક જામ સહિતની ફરિયાદ માટે પણ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશે. અત્રે નોંધનીય છે કે, હેલ્પલાઇન નંબર બદલાયો (Helpline number changed) છે, પરંતુ ઓનલાઇન અને એપ આધારિત ફરિયાદો માટેના અન્ય તમામ માધ્યમો યથાવત રહેશે.
ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો માટે કાર્યરત જૂના ટોલ-ફ્રી નંબર 1800 233 1122 પર પ્રમાણમાં ખૂબ ઓછી ફરિયાદો આવતી હતી. જેથી ભારત સરકારની ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ તમામ ઇમરજન્સી સેવાઓને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા કે વૃક્ષો ધરાશાયી થવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય ત્યારે પણ નાગરિકો ત્વરિત સહાય માટે 112 નંબર પર સંપર્ક કરી શકશે. હવેથી અલગ અલગ નંબર યાદ રાખવાના બદલે માત્ર એક જ ઈમરજન્સી નંબર ‘112’ પર જ કોલ કરવાનો રહેશે.








