Court sentences child’s killer to life imprisonment : વર્ષ 2023માં પ્રેમિકાની 5 વર્ષની પુત્રીની નિર્મમ હત્યા કરવાના કેસમાં જામનગર સેશન્સ કોર્ટે હત્યારા વિરેન રામાવતને આજીવન કેદની સજા ફટકારવાની (Jamnagar Sessions Court sentences Viren Ramawat) સાથે 10 હજારનો દંડ ફટકાર્યો છે. અત્રે નોંધનીય છે કે, હત્યા કેસના ફરિયાદી અને મૃતકની માતાએ ફરિયાદથી વિપરિત નિવેદન આપી આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તપાસ અધિકારીએ લીધેલા પાડોશીઓ, બાળાની નાનીના નિવેદન તેમજ આરોપી અને ફરિયાદી વચ્ચે થયેલા ફોન કોલ્સની વિગતો તથા આરોપી-ફરિયાદીને બાળકી સાથે હોસ્પિટલમાં જોયા હોવાના સ્વતંત્ર સાક્ષીના પુરાવાઓને અદાલતે વિશ્વસનીય માની હત્યારા વિરેનને દોષિત ઠેરવ્યો છે.
જામનગર જિલ્લામાં રહેતા સરવરીબહેન રવિભાઈ પાનસુરીયા પતિ સાથે છૂટાછેડા લઈને અલગ રહેતા હતા. સરવરીબહેન સાથે તેમની પાંચ વર્ષની પુત્રી પણ સાથે રહેતી હતી. સરવરીબહેનને વિરેન જાનકીદાસ રામાવત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધમાં બાળકી નડતરરૂપ થતી હોવાથી વિરેન હંમેશા બાળકીને સાથે રાખવાનો વિરોધ કરતો હતો. વર્ષ 2023ની 22 નવેમ્બરના રોજ વિરેન રામાવત સરવરીબહેનના ઘરે પહોંચ્યો હતો અને પાંચ વર્ષની બાળકીને “તું મરતી નથી અને અમારો રસ્તો સાફ કરતી નથી” તેમ કહી પેટમાં બચકું ભરી વેલણ અને ચમચા જેવા સાધનોથી માર મારવા લાગ્યો હતો.
બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને પ્રથમ ખાનગી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તબીબ સમક્ષ શરૂઆતમાં બાળકી સીડી પરથી પડી હોવાનું જણાવાયું હતું, પરંતુ સારવાર દરમિયાન 25 નવેમ્બરના રોજ બાળકીનું મોત થતા આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા તેના માથા, પેટ સહિત શરીરના 15 જેટલા ભાગોમાં ગંભીર ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે વિરેન રામાવતની સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી હતી.








