Challenge of cleaning up after rains in Gujarat : છેલ્લાં કેટલાંક દિવસો આકાશી આફતના કારણે ગુજરાતમાં ઠેર ઠેર જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરો હોય કે ગામડા કે પછી ઔદ્યોગિક વિસ્તાર તમામ જગ્યાએ વરસાદી પાણીએ કહેર (Rains wreak havoc in Gujarat) મચાવ્યો છે. અતિ ભારે વરસાદ અને તંત્રના અણઘડ આયોજનના કારણે લોકોને પારાવાર નુકસાન થયું છે. અનેક પશુ ધનની જાનહાની પણ નોંધાઈ છે. નોકરયાત, બિઝનેસમેન, ખેડૂત અને પશુપાલક સૌ કોઈને મોટો આર્થિક ફટકો પડ્યો છે. નુકસાનનો સાચો આંકડો ક્યારેય પણ સામે આવવાનો નથી. વરસાદી આફત બાદ હવે એક મોટો પડકાર તંત્ર સામે છે અને તે છે સફાઈનો. પાણી ઓસર્યા બાદ સફાઈ વહેલી તકે નહીં થાય તો ગુજરાતમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના (Possibility of epidemic outbreak in Gujarat) ને નકારી શકાય તેમ નથી.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતને મેઘરાજાએ ઘમરોળતા વિકટ સ્થિતિ પેદા થઈ ગઈ છે. નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ પામતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા ઘર, દુકાનો, ફેક્ટરીઓ અને ખેતરો ડૂબી ગયા હતા. પશુધન પાણીમાં ડૂબી જતાં પશુપાલકોને મોટો ફટકો પડ્યો છે. વાપી જીઆઈડીસી (Vapi GIDC) સહિત રાજ્યની અન્ય જીઆઈડીસીઓ તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં કરોડો/અબજો રૂપિયાનું નુકસાન થયું છે. સુરત, અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરો ખાતે પાણી ભરાવાથી ભોંયરામાં તેમજ ગ્રાઉન્ડ ફલોર પર આવેલી દુકાનો અને મકાનોમાં પણ નુકસાન થયું છે. પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારોમાં 5-7 કરોડ રૂપિયાની કિંમતના બંગલાઓમાં પાણી ફરી વળ્યા છે. દુકાનો, ઘરો, ફેક્ટરીઓ અને ખેતરોમાં થયેલા નુકસાનનો આંકડો અધધ પર પહોંચી ગયો છે.








