Saturday, June 27, 2026
HomeGujaratAhmedabadખેડા જિલ્લાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી બાંધકામ જમીનદોસ્ત, 5 શ્રમિક ઘાયલ, બેની...

ખેડા જિલ્લાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી બાંધકામ જમીનદોસ્ત, 5 શ્રમિક ઘાયલ, બેની સ્થિતિ ગંભીર

- Advertisement -

Blast in another firecracker factory in Gujarat : ગુજરાતમાં ધમધમતી ફટાકડાની ફેક્ટરીઓમાં નિયમના ધજાગરા ઉડાડવામાં આવે છે અને આ જ કારણોસર મોટી દુર્ઘટના સર્જાય ત્યારે શ્રમિકો અને નિર્દોષ લોકોના જીવ જાય છે. એક વર્ષ બાદ ફરી ગુજરાતની એક ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટ થતાં નિયમોની અવહેલનાને લઈને ચર્ચા ઊઠી છે. ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ (Blast in Kapadvanj firecracker factory) થી આસપાસના ગામો પણ ધ્રુજી ઉઠ્યા હતા. આ ભયાનક વિસ્ફોટમાં ફેક્ટરીનું બિલ્ડિંગ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું છે. આ ઘટનામાં 5થી 6 જેટલાં શ્રમિક ઘાયલ થયાં છે. જેમાં બેની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે અમદાવાદ અને નડિયાદની હૉસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે નોંધનીય છે કે, ફટાકડા ફેક્ટરીમાં બનેલી દુર્ઘટના બાદ પ્રાંત અધિકારી સહિતના સત્તાધીશો આ ફેક્ટરી કાયદેસર રીતે ચાલતી હતી કે ગેરકાયદેસર તેનો જવાબ આપી શકતા નથી.

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

- Advertisement -

એક વર્ષ અગાઉ ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 શ્રમિકોના મોત મામલે તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી (High Court On Deesa Firecracker Factory Blast Case) કાઢી છે. ચીફ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કરી દોષનો ટોપલો શ્રમ વિભાગના અધિકારી પર ઢોળ્યો હતો. જેમાં બ્લાસ્ટ માટે 7 અધિકારીની બેદરકારી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવતાં જણાવ્યું કે, ‘ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની મોનિટરિંગમાં પણ શું તપાસ કરી તેની કોઈ વાતો કરતા નથી. તમે કોર્ટની આંખોમાં ધૂળ નાંખો છો.’ હવે આ મામલે આગામી સુનાવણી સુનાવણી 3જી જુલાઈના રોજ થશે.

કપડવંજની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આસપાસના ગામો ધ્રુજી ઉઠ્યા

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડા ફેક્ટરીમાં આજે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક ધડાકાથી આસપાસના ગામો પણ ધ્રૂજી ઉઠ્યા હતા. વિસ્ફોટમાં ફેક્ટરીનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું છે. પ્રચંડ વિસ્ફોટ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું હતું કે, “આ દુર્ઘટનામાં અડધો ડઝન જેટલાં શ્રમિક ઘાયલ થયાં છે. જેમાં 2ની હાલત ગંભીર હોવાથી તેમને મોટી હૉસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે.”

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular