Gujarat New HoPF G S Malik : ગુજરાત પોલીસ બેડામાં ચાલી રહેલી એક મહત્વની ચર્ચાનો અંત આવ્યો છે. રાજ્યના પોલીસ વડાના ખાલી પડેલા પદ પર સરકારના ગૃહ વિભાગે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક (Gyanender Singh Malik DGP) ને નિયુક્ત કર્યા છે. વર્ષ 1993ની બેચના જ્ઞાનેન્દ્રસિંઘ મલિકને DGP બનાવાતા 1992ની બેચના સિનિયર આઈપીએસ ડૉ. કે.એલ.એન. રાવની સત્તાઓ સિમિત થઈ ગઈ છે. જી.એસ. મલિકની બદલી થતાં હવે અમદાવાદ પોલીસ કમિશનર કોણ બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ડૉ. રાવ 5 મહિના રહ્યા ઇન્ચાર્જ DGP
રાજ્ય પોલીસમાં સૌથી વધુ સત્તા ભોગવતા અધિકારીઓમાં પ્રથમ ક્રમે આવતા કે.એલ.એન. રાવે (KLN Rao) હવે સીઆઈડી ક્રાઈમના વડા અને જેલોના ઇન્ચાર્જ વડા તરીકે મર્યાદીત થઈ ગયા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) નું વર્ષ 2025ના અંતિમ દિવસે એક્સટેન્શન પૂરૂં થતાં જાન્યુઆરી-2026થી ડૉ. કે.એલ.એન. રાવ ઇન્ચાર્જ ડીજીપી (Dr. K. Laxmi Narayan Rao DGP in-charge) તરીકે જવાબદારી અદા કરતા હતા. સીઆઈડી ક્રાઈમના વડા ડૉ. રાવ પાસે હાલમાં પણ જેલોના વડાનો વધારાનો હવાલો છે.
મલિક ડીજીપી બનતાં હવે અમદાવાદ ચર્ચામાં
હરિયાણાના વતની એવા જ્ઞાનેન્દ્રસિંઘ મલિકને રાજ્યના પોલીસ વડા બનાવવામાં આવે તેવી ચર્ચાઓ છેલ્લાં કેટલાંય સપ્તાહોથી ચાલી રહી હતી. રાજ્ય પોલીસ વડાની બાગડોર રાજ્ય સરકાર બિન વિવાદીત અધિકારીને સોંપવા ઇચ્છતી હતી. વિકાસ સહાયની વિદાય બાદ મલિકના સિનિયર એવા ડૉ. રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા હતા. મલિક અમદાવાદથી ગાંધીનગર પહોંચતા હવે અમદાવાદના પોલીસ કમિશનર કોણ (Who will become Ahmedabad Police Commissioner) તેને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. અત્રે નોંધનીય છે કે, એડી.ડીજીપી વાબાંગ જમીર હાલમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં છે. આગામી સમયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી અને નિમણૂક હુકમ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.








