Gondal accidental death: ગોંડલ તાલુકાના શેમળા ગામમાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. ગામની એક વાડી નજીક આવેલા ઓરિયા તળાવમાં રમતા-રમતા પાણીમાં ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યું છે.
મળતી માહિતી મુજબ, બાળકો વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે રમતા હતા ત્યારે અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વાડીના માલિક અને પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક ખાનગી કાર મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં તબીબોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં રહેલા ચોથા બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનાની જાણ થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને પીડિત શ્રમજીવી પરિવારને જરૂરી તમામ સેવાકીય સહાય પૂરી પાડી હતી.
ઘટનાના પગલે અનેક સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર સહિતના આગેવાનોએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.
એક જ પરિવારના ત્રણ વહાલસોયા બાળકોના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ગોઝારી ઘટનાથી સમગ્ર શેમળા ગામ અને આસપાસના પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.








