SMC assistant Engineer arrested for second time in bribery case : સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના આસિસ્ટન્ટ ઇજનેરને રૂપિયા 45 હજારની લાંચ લેતા સુરત એસીબીની ટીમે (Surat ACB Team) ઝડપી લીધા છે. 55 વર્ષીય જિજ્ઞેશ નટવરલાલ મોદી વર્ષ 2021માં ડ્રેનેજ લાઈનના જોડાણની મંજૂરી પેટે 15 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. પાંચ વર્ષમાં બે વખત લાંચ લેતા ઝડપાયેલા જિજ્ઞેશ મોદીને ગુજરાત સરકાર ‘ઑપરેશન ગંગાજળ’માં હાંકી કઢાનારા ભ્રષ્ટ અધિકારીઓની યાદીમાં સામેલ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
સુરતના ઉધના સાઉથ ઝોનમાં આસિ. ઇજનેર જિજ્ઞેશ મોદી (ઉ.55) રૂપિયા 1 લાખ 70 હજારનો પગાર મેળવતા હતા. જિજ્ઞેશ મોદીએ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાંખવાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરનું બિલ મંજૂર કરવા પેટે શરૂઆતમાં 50 હજારની લાંચ માગી હતી. રકઝકના અંતે 45 હજાર નક્કી થયા હતા. ઉધના સાઉથ ઝોન ઑફિસની બહાર જિજ્ઞેશ મોદીએ 45 હજારની લાંચ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. લાંચ કેસમાં જિજ્ઞેશ મોદીની ધરપકડ (Jignesh Modi arrested in bribery case) બાદ તેની ઑફિસ તેમજ નિવાસસ્થાને સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.








