- તમારે વેપારીને પહેલીથીજ મોટો નફો આપવો પડે: ભાવ ૩૦થી ૪૦ ટકા વધે પછી જ નફાના તમે હક્કદાર
- ઝવેરી બજારમાં ચાંદીના બી ટુ બી અને બી ટુ સીનો વેપાર પડી ભાંગ્યો: જાગતિક બજાર કરતા ૧૦થી ૧૨ ટકાના પ્રીમીયમથી અશુદ્ધ ચાંદીનો વેપાર
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ભારતીય બુલિયન બજાર અત્યારે નવી કટોકટીનો સામનો કરી રહ્યું છે. ઝવેરી બજારમાં ચાંદીના બી ટુ બી (બીઝનેસ ટુ બીઝનેસ) અને બી ટુ સી (બીઝનેસ ટુ કન્ઝુમર)નો વેપાર પડી ભાંગ્યો છે. મુંબઈના બજારમાં રોજીંદી સરેરાશ ૧૦૦૦થી ૧૫૦૦ કિલો ચાંદી ઠલવાય છે, પણ સામે સોદા ભાગ્યેજ પાંચથી ૧૦ ટકાના પાર ઉતરે છે. આવુ જ સિક્કા, જવેલરી, કટલરી આઈટેમો અને વાસણકુસણ વેચતા જવેરીઓનું છે. આવું કેમ? અમે કેટલાંક જવેલરો અને બુલિયન ડીલરોને પૂછ્યું. તમામનો એક જ જવાબ હતો ચાંદીની શુદ્ધામાં વિશ્વાસની કટોકટી. ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન અધિકારીક પ્રવક્તા અને મેસર્સ ઉમેદમલ ત્રિલોકચંદ જવેલર્સના કુમાર જૈને કહ્યું જો ગ્રાહક ચાંદી ખરીદવા આવે તો, તેમને વાસ્તવિક ચાંદીના કિલો બારમાંથી ૬૫થી ૭૦ ટકા ચાંદીજ પ્રાપ્ત થતી હોય છે, બાકીની અન્ય ધાતુની ભેળસેળ, ફરજીયાત સ્વીકારવી પડે છે. સરકારી નિયંત્રણો પછી ૩૦ કિલો આયાતી ચાંદી બારની આવક નહીવત રહી છે. હાલમાં જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વગરની .૯૯૯ ટચ (કેરેટ) ચાંદીનો ભાવ રૂ. ૨.૬૩ લાખ આસપાસ છે. વગર બીલમાં ૩ ટકા જીએસટી માઈનસ થતા ૮થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ. ૨.૫ લાખ આસપાસ ભાવે ઉપલબ્ધ હોય છે.
હવે જો ગ્રહકના હાથમાં સ્ટર્લીંગ ચાંદીના માર્કા સાથે માત્ર ૬૫/૭૦ ટકા જ ચાંદી આવતી હોય તો ૩૦થી ૪૦ ટકા પ્રીમીયમ આપીને માત્ર કિલો દીઠ રૂ. ૧.૮૦થી ૧.૯૦નાં મૂલ્યની આ ચાંદી તમારા ઘરમાં લઈને આવો છો, તેમ સમજવું. તેમણે કહ્યું આ તો ભારતીય ગ્રાહકો સાથે નરી છેતરપીંડી છે. સરકારે આયાત જકાત ૧૫ ટકા કર્યા પછી તેનું નિયંત્રણ પણ કરી નાખ્યું. પરિણામે બજારમાં અત્યારે સોદા જ સાવ થાપ થઇ ગયા છે. સરકારે આવી સમસ્યાનો સ્વપનેય ખ્યાલ હજુ સુધી નથી કર્યો. લંડન બુલિયન મર્ચન્ટ એસોસિયેશનની એનાલીસ્ટ પેનલના ભારતીય પ્રતિનિધિ ભાર્ગવ વૈદ્યે કહ્યું કે પાંચ વર્ષ અગાઉ રીસાયકલ થતી ચાંદીની શુદ્ધતા ૮૫ ટકા હતી, તે ઘટીને આજે માત્ર ૫૫થી ૭૦ ટકા રહી ગઈ છે. કહેવાનો અર્થ એ છે કે તમારે વેપારીને પહેલીથીજ મોટો નફો આપવો પડે, ભાવ ૩૦થી ૪૦ ટકા વધે પછીથી તમે નફાના હક્કદાર બની શકો. ભારતમાં માળખાગત સુવિધાઓનાં અભાવે સમસ્યાઓ વિકરાળ બની ગઈ છે. ભારત તેની કુલ આવશ્યકતાની ૮૦ ટકા એટલે કે વાર્ષિક સરેરાશ લગભગ ૭૦૦૦ ટન ચાંદી આયાત કરે છે. આની સામે ભારતમાં ચાંદીની શુદ્ધતાની સત્તાવાર ચકાસણી માટે માત્ર ૨૮૬ હોલમાર્કિંગ સેન્ટરો (સોનાના ૧૫૯૫) ઉપલબ્ધ છે. બીજી તરફ તાજેતરમાં ચાંદીની ઇન્વેસ્ટમેન્ટ તથા ઔદ્યોગિક જબ્બર માંગ નીકળી છે. સામે સપ્લાયના મહત્તમ દરવાજા બંધ થઇ જતા, જાગતિક બજાર કરતા અહી ૧૦થી ૧૨ ટકાના પ્રીમીયમ ભાવથી અશુદ્ધ ચાંદી વેચાય છે.
મુંબઈ સ્થિત મેસર્સ મેઘાજી વાનેચંદ બુલિયન ડીલર્સના અનીલ સંઘવીએ કહ્યું કે તાજેતરમાં પ્રેસીયાસ મેટલ્સ રીફાઈનર્સ એસોસિયેશને આ સંદર્ભે મક્કમપણે સરકારનું ધ્યાન દોર્યું છે. પણ અમારી આ સંદર્ભની માંગ તો કેટલાય વર્ષોથી છે, પણ અમારી વાત કાને કોણ ધરે? રીફાઈનરીમાં કાચી ચાંદી ગળાવા જાય, ત્યાંથી એક કિલો વત્તાઓછા વજનના બાર તૈયાર થઇને બજારમાં આવે. વળી કેટલાંક ઘાલખાધીયા ટ્રેડરો તેના પર .૯૯૯ કેરેટ (ટચ)નો સિક્કો લગાડવાનો આગ્રહ કરે. જેથી ગ્રાહક, વેપારીના ભ્રમિત વિશ્વાસ અને મૂડીરોકાણનાં ભ્રમમાં આવી કિલોગ્રામ વજનના ધોરણે (કેરેટેજ શુધ્ધતાનો ખાસ આગ્રહ ક્યારેય નાં રાખે) ચાંદી ઘરે લઇ જાય. પછી જ્યારે વેચવા જાય ત્યારે આંખો ફાટી જાય તેવા ડિસ્કાઉન્ટ ભાવે વેચવાનો વારો આવે, જેમ સોનામાં થાય છે.
અનીલ સંઘવી અને કુમાર જૈને કહ્યું કે નિયમનકારી સરકારી સંસ્થાઓએ આ સંદર્ભે તત્કાળ લાઈસન્સધારી રીફાઇનર્સ અને જ્વેલરી બુલિયનમાં હોલમાર્કિંગ અને શુધ્ધતાના તમામ ધોરણો ફરજીયાતપણે, જાગતિક સ્ટાનડર્ડ મુજબ ભારતભરમાં લાગુ કરવાનો સમય પાકી ગયો છે. તેમણે કહ્યું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાનડર્ડ (બીઆઈએસ)એ તેનું નેટવર્ક તત્કાળ વિસ્તારવું આવશ્યક છે, જેમાં સોનાની માફક સિલ્વર રીફાઈનરીઓને પણ માન્યતાપ્રાપ્ત ફરજીયાત લાઈસન્સ આપવા અને ચાંદીની શુધ્ધતાના ટેસ્ટીંગ સેન્ટર ખોલવા જરૂરી છે.
Indian Silver Purity Marks Chart
Purity Type of Silver BIS Standard Items
99.9% Fine Silver 999 Bars and Coins
99.0% Pure Silver 990 Silver Cutlery, Bars, and Coins
97.0% Pure Silver 970 Silver Cutlery, Bars, and Coins
92.5% Sterling Silver 925 Ornaments & Silver Items
90.0% Coin Silver 900 Ornaments & Silver Items
83.5% Silver 835 Ornaments & Silver Items
80.0% Silver 800 Ornaments & Silver Items
(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૦૧-૦૬-૨૦૨૬








