નવજીવન ન્યૂઝ નેટવર્ક.અમરેલીઃ અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય જનતા, ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. રોજગાર, ધંધા અને નોકરી માટે મોટરસાયકલ તેમજ અન્ય વાહનો દ્વારા રોજિંદું અપડાઉન કરતા લોકો માટે હવે ઈંધણનો ખર્ચ કમરતોડ સાબિત થઈ રહ્યો છે. મોંઘવારીના આ વધતા બોજ વચ્ચે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જેને લઈને સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો ઈંધણના ભાવમાં તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.
સતત ભાવવધારાથી લોકોનું બજેટ ખોરવાયું
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે મધ્યમવર્ગીય પરિવાર, નોકરિયાત વર્ગ અને નાના વેપારીઓ પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં નોકરી અથવા ધંધા માટે રોજ આવનજાવન કરતા લોકો માટે વાહન ચલાવવું હવે મોંઘું બની ગયું છે.
ખેડૂતો માટે પણ આ સ્થિતિ ચિંતાજનક બની છે. ખેતીમાં પહેલાથી જ ડીઝલ આધારિત સાધનો, ટ્રેક્ટર અને સિંચાઈના ખર્ચ વધી રહ્યા છે, ત્યારે ઈંધણના વધતા ભાવને કારણે ખેતી ખર્ચમાં વધુ વધારો થયો છે. બીજી તરફ ધંધા-રોજગારમાં આવક મર્યાદિત હોવાથી લોકો માટે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે.
પેટ્રોલ પંપ પર લોકોનો રોષ ફાટ્યો
પેટ્રોલ ભરાવવા આવેલા એક ગ્રાહકે જણાવ્યું હતું કે, “પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓછા પગારમાં નોકરી કરતા લોકો માટે હવે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સરકાર ભાવ વધારા પર નિયંત્રણ લાવે તેવી અમારી માંગ છે.”
બીજા એક ગ્રાહકે જણાવ્યું હતું કે, “મારે રોજ ધંધા માટે લાઠી સુધી આવવું પડે છે. રોજિંદા વધતા પેટ્રોલના ભાવથી ભારે મુશ્કેલી પડી રહી છે. વાહન વિના કામ ચાલતું નથી અને આવક પ્રમાણે ખર્ચ વધી ગયો છે. સરકાર આ સમસ્યાનો જલદી ઉકેલ લાવે તેવી આશા છે.”
સરકાર સામે વધતો અસંતોષ
ઈંધણના વધતા ભાવને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સામાન્ય માણસ માટે વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. જનતાની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ભાવવધારાને કાબૂમાં લે અને સામાન્ય લોકોને રાહત આપે.








