Thursday, May 28, 2026
HomeNationalનગરપાલિકા પ્રમુખ ચૂંટણી મામલો ફરી ખુલ્યોઃ હાઈકોર્ટે સરકારને ફટકારી, કહ્યું- વિરોધાભાસી અભિગમ...

નગરપાલિકા પ્રમુખ ચૂંટણી મામલો ફરી ખુલ્યોઃ હાઈકોર્ટે સરકારને ફટકારી, કહ્યું- વિરોધાભાસી અભિગમ અપનાવી પ્રક્રિયામાં મોડું કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.જબલપુરઃ મધ્ય પ્રદેશના શ્યોપુર નગરપાલિકા પરિષદ અધ્યક્ષ ચૂંટણી મામલે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ચૂંટણી અરજીને ફરીથી બહાલ કરી છે. અદાલતે રાજ્ય સરકાર અને ચૂંટાયેલા અધ્યક્ષ રેણુ ગર્ગના વિરોધાભાસી વલણ પર કડક નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે અલગ-અલગ મંચો પર જુદી જુદી દલીલો કરીને ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જસ્ટિસ આશિષ શ્રોતીની બેન્ચે પ્રથમ જિલ્લા જજના તે આદેશને રદ કર્યો હતો, જેમાં ચૂંટણી અરજીને સમય પહેલાં દાખલ થયેલી ગણાવી ફગાવી દેવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર મામલો જુલાઈ 2022માં યોજાયેલી શ્યોપુર નગરપાલિકા પરિષદની ચૂંટણી સાથે જોડાયેલો છે, જેમાં 23 પારષદોની પસંદગી થઈ હતી. ત્યારબાદ 5 ઓગસ્ટ 2022ના રોજ યોજાયેલી પ્રથમ બેઠકમાં રેણુ ગર્ગ નગરપાલિકા અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

આ ચૂંટણીને સુમેર સિંહે મધ્ય પ્રદેશ નગરપાલિકા અધિનિયમ, 1961 હેઠળ ચૂંટણી અરજી દાખલ કરીને પડકાર્યો હતો. જોકે, ચૂંટણી ટ્રિબ્યુનલે 1 ફેબ્રુઆરી 2024ના રોજ અરજી ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલનું કહેવું હતું કે અધ્યક્ષની ચૂંટણી અંગે રાજપત્રમાં જાહેરનામું પ્રકાશિત થયું નહોતું અને અરજીકર્તાએ 200 રૂપિયાની ટ્રેઝરી રસીદ પણ જમા કરાવી નહોતી.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર અને રેણુ ગર્ગે અલગ-અલગ અદાલતોમાં જુદી જુદી દલીલો કરી હતી. ચૂંટણી ટ્રિબ્યુનલ સમક્ષ તેમણે દલીલ કરી હતી કે રાજપત્રમાં પ્રકાશન જરૂરી છે, જ્યારે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે 2020ના સુધારા પછી આવી જાહેરનામાની જરૂર જ રહી નથી.

- Advertisement -

આ મુદ્દે અદાલતે કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જે આધાર પર અરજીની ગ્રાહ્યતા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, તે જ મુદ્દે સંબંધિત પક્ષો પોતે જ સ્પષ્ટ નથી.

હાઈકોર્ટે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે જો રાજ્ય સરકારના મતે રાજપત્ર જાહેરનામું જરૂરી નહોતું, તો પછી રેણુ ગર્ગ કયા કાયદાકીય આધાર પર અધ્યક્ષ પદે કાર્યરત રહ્યા હતા.

અદાલતે અગાઉ 8 ઓક્ટોબર 2025ના રોજ રેણુ ગર્ગને અધ્યક્ષ તરીકે કાર્ય કરવા રોકી દીધા હતા. આ આદેશને ખંડપીઠ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ બંને સ્થળે રાહત મળી નહોતી.

- Advertisement -

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારના વલણ પર પણ કડક ટિપ્પણી કરી હતી. અદાલતે કહ્યું હતું કે વારંવાર મુલતવી રાખવાની માંગણી કરવી ‘બેન્ચ હન્ટિંગ’ જેવી સ્થિતિ સર્જે છે. કોર્ટે આને ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

અદાલતે વધુમાં નોંધ્યું હતું કે સરકાર પોતાના વરિષ્ઠ અધિકારીઓને બચાવવા માટે નીચલા અધિકારીઓને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્ય સચિવને વ્યક્તિગત રીતે તપાસ કરીને ચૂંટણી ટ્રિબ્યુનલમાં વિરોધાભાસી વાંધાઓ દાખલ કરવાની મંજૂરી કોણે આપી હતી તે શોધવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

હાઈકોર્ટે 2020 અને 2023ના કાયદાકીય સુધારાઓનું વિશ્લેષણ કરતાં જણાવ્યું હતું કે કાયદામાં ગંભીર વિસંગતિ હતી. અધ્યક્ષ ચૂંટણીની રાજપત્ર જાહેરનામાની જોગવાઈ ન હોવા છતાં ચૂંટણી અરજીની સમયમર્યાદા એ જ જાહેરનામા સાથે જોડાયેલી હતી.

‘સામંજસ્યપૂર્ણ વ્યાખ્યા’ના સિદ્ધાંતનો ઉપયોગ કરતાં અદાલતે કહ્યું હતું કે અધ્યક્ષ ચૂંટણીની પ્રક્રિયા 5 ઓગસ્ટ 2022ના રોજ પૂર્ણ થઈ હતી અને એ જ દિવસથી પડકારવાનો અધિકાર ઉભો થયો હતો. કારણ કે ચૂંટણી અરજી 23 ઓગસ્ટ 2022ના રોજ દાખલ થઈ હતી, તે સમયમર્યાદાની અંદર હતી.

હાઈકોર્ટે ચૂંટણી ટ્રિબ્યુનલને નવેમ્બર 2026 સુધીમાં કેસનો નિકાલ કરવા નિર્દેશ આપ્યો છે. સાથે જ 200 રૂપિયાની ટ્રેઝરી રસીદ સંબંધિત વાંધા પર અંતિમ સુનાવણી દરમિયાન પુરાવાના આધારે નિર્ણય લેવા જણાવ્યું છે.

ન્યાયિક પ્રક્રિયાના દુરુપયોગ બદલ હાઈકોર્ટે રેણુ ગર્ગ પર ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular