Friday, September 18, 2026
HomeNationalઅત્યંત બર્બરતા સાથેના નીઠારી હત્યાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટથી નિર્દોષ છૂટેલા સુરિન્દર કોલીએ...

અત્યંત બર્બરતા સાથેના નીઠારી હત્યાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટથી નિર્દોષ છૂટેલા સુરિન્દર કોલીએ કરી આત્મહત્યા

- Advertisement -

Nthari case latest Update news: ક્યારેક ‘Monster of Nithari’ તરીકે ઓળખાવવામાં આવેલા અને 2006ના નીઠારી હત્યાકાંડના કેસમાં નિર્દોષ છૂટેલા સુરિન્દર કોલીએ આત્મહત્યા કરી મોત વ્હાલું કર્યું છે. હરિદ્વારમાં શંકાસ્પદ સંજોગોમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા બાદ કોલી છેલ્લા કેટલાક સમયથી હરિદ્વારમાં ચાની લારી ચલાવી રહ્યો હતો.

કોલીનો મૃતદેહ ચાની લારીની અંદર દોરડાથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હરિદ્વારની સિટી કોતવાલી હેઠળની સપ્ત ઋષિ પોલીસ ચોકીને સપ્ત સરોવર રોડ પર લાલમાતા મંદિર સામે આવેલી ચાની લારીમાં એક વ્યક્તિએ ફાંસો ખાધો હોવાની માહિતી મળી હતી.

- Advertisement -

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની ઓળખ સુરિન્દર કોલી તરીકે કરી હતી. કોલી નીઠારી હત્યાકાંડના કેસમાં આરોપી હતો. પોલીસે તેના અલ્મોડામાં રહેતા પરિવારજનોને જાણ કરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોલી છેલ્લા કેટલાક મહિનાથી હરિદ્વારમાં રહેતો હતો અને ભાડાની જગ્યાએ ચાની લારી ચલાવતો હતો. તેની ચાની લારીમાંથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મોત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

નીઠારી હત્યાકાંડ

ડિસેમ્બર 2006માં સેક્ટર-31માં આવેલા D-5 બંગલાની બાજુમાં ગટરની પાછળથી પ્લાસ્ટિકની બોરીઓમાં ભરેલા 16 માનવ ખોપરી, હાડકાં અને કપડાં મળી આવ્યા હતા. નજીકના નીઠારી ગામમાં સ્થાનિક લોકો લાંબા સમયથી બાળકો ગુમ થવાની ફરિયાદો કરતા હતા. આ બાળકો મોટાભાગે ગરીબ મજૂર પરિવારોના હોવાનું જણાવાયું હતું.

- Advertisement -

પાયલ નામની એક યુવતી ગુમ થયા બાદ પોલીસની તપાસ આગળ વધી હતી. પોલીસને મળેલો તેનો મોબાઇલ એક રિક્ષાચાલક સુધી લઈ ગયો હતો. રિક્ષાચાલકે મોબાઇલ D-5માંથી કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો હોવાનું જણાવ્યું હતું. D-5 બંગલો વેપારી મોનિન્દર સિંહ પંઢેરનો હતો અને સુરિન્દર કોલી ત્યાં ઘરકામ કરતો હતો.

પોલીસ બંગલામાં પહોંચી ત્યારે એવી સામગ્રી મળી આવી હતી, જેના આધારે શરૂઆતમાં આ સમગ્ર મામલાને સિરિયલ હત્યાઓ અને નરભક્ષી કૃત્યો સાથે જોડવામાં આવ્યો હતો. બાળકોને લલચાવીને તેમની હત્યા કરવામાં આવી, તેમના મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા અને તેમને રાંધવામાં આવ્યા હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી. ત્યારબાદ મોનિન્દર સિંહ પંઢેર અને સુરિન્દર કોલીની ધરપકડ કરવામાં આવી હતી.

કેસની તપાસ અને નિર્દોષ છૂટવાનો તબક્કો

- Advertisement -

કોલી અને પંઢેર સામે અલગ-અલગ FIR હેઠળ બળાત્કાર, હત્યા અને પુરાવાનો નાશ સહિતના આરોપો મૂકવામાં આવ્યા હતા. 2007થી 2010 વચ્ચે CBI દ્વારા કુલ 19 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

કોલીને અનેક કેસોમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે પંઢેરને કેટલાક કેસોમાં ફાંસી અને કેટલાકમાં આજીવન કેદની સજા મળી હતી. જોકે, કેસમાં અપીલો આગળ વધતી ગઈ તેમ તપાસ અને કાર્યવાહી દરમિયાન અનેક વિસંગતતાઓ તથા પ્રક્રિયાગત ખામીઓ સામે આવી હતી.

ઓક્ટોબર 2023માં હાઈકોર્ટે બંનેને વિશ્વસનીય પુરાવાના અભાવને ટાંકીને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ CBI, રાજ્ય સરકાર અને પીડિતોના પરિવારજનોએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 2025માં સુપ્રીમ કોર્ટે પણ સુરિન્દર કોલીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે ગુનાઓની ગંભીરતા સ્વીકારી હતી, પરંતુ સાથે કહ્યું હતું કે કેટલો પણ ગંભીર ગુનો હોય, શંકા હોય, તે વાજબી શંકા ગુના પરના પુરાવાનું સ્થાન લઈ શકે નહીં.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular