- ગેસ એનર્જી બાબતમાં આત્મનિર્ભર થવા ભારત અગ્રેસર: રાજસ્થાનમાંથી ગેસનો મોટો જથ્થો મળ્યો
- કતારની રાસ લફ્ફાન નિકાસ ફેસેલીટીની ભાંગફોડ બાદ વિશ્વિક સ્તરે પુરવઠા સ્થિતિ વધુ નબળી પડી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ):
વૈશ્વિક એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) બજારમાં આવેલા વ્યાપક વ્યવ્ધાને ભાવોને નીચે જવાની ફરજ પાડી છે, પણ તે વધુ સમય નીચા રહે તેવી સંભાવના નથી. જુન નાયમેકસ નેચરલ ગેસ વાયદો મંગળવારે ઇન્ટ્રાડે ટ્રેડીંગમાં ૩.૦૩ ડોલર પ્રતિ એમેમબીટીયુ (મેટ્રિક મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ) બોલાયો. શુક્ર્વારે આ વાયદો સતત ત્રીજા સત્રમાં ૩.૬૮ ટકા ઘટીને ૨.૯૦ ડોલર એક સપ્તાહના તળિયે બંધ થયો હતો. બજારનો આંતરપ્રવાહ મજબુત છે, પણ મોમેન્ટમ (દિશાદોર) નીચે જવાનું સૂચવે છે. અમેરિકન હવામાનના મે અંત સુધીના મોસમી વરતારા બદલાયા છે, પણ ટ્રેડરોએ તેનો આધાર લેવાનું માંડી વાળ્યું છે. અમેરિકન પુરવઠા સ્થિતિનું ચિત્ર હજુ મોટો જથ્થો દાખવે છે, સ્ટોરેજ સ્થિતિ પણ સામાન્ય છે, અને ઉત્પાદન વધ્યે આવે છે.
ભારત પણ ગેસ એનર્જી બાબતમાં આત્મનિર્ભર થવા અગ્રેસર છે. સરકારી ઉર્જા કંપની ઓઈલ ઇન્ડીયા લીમીટેડને રાજ્સ્થાનનાં જેસલમેર જીલ્લાના દાંડેવાલ ફિલ્ડમાંથી ગેસનો મોટો જથ્થો મળી આવ્યાની જાહેરાત કરી છે. આ ગેસ ફિલ્ડમાંથી અંદાજે દૈનિક સરેરાશ ૨૫૦૦૦ સ્ટાનડર્ડ ક્યુબીક મિટર ઉત્પાદન થવાની સંભાવના છે. આ ગેસમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઓછું હોવાથી ગુણવત્તા પણ સારી હોવાનું કહેવાય છે. પેટ્રોલીયમપ્રધાન હરદીપ સિંહ પુરીએ એક ટવીટર મારફતે કહ્યું કે સ્થાનિક ઉર્જા સંકટ સમયે આવેલા આ સમાચાર, ભારત માટે એક નવા આશાવાદ સમાન છે. આનાથી આપણો ઉર્જા પુરવઠો મજબુત થશે અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે.
ભારતીય બજારની સ્થિતિની તુલનાએ જાગતિક એલએનજી બજાર પ્રમાણમાં વધુ લચીલી છે, એ જોતા ટ્રેડરોએ બન્ને બજારના ભાવ પર ચાંપતી નજર રાખવાની રહેશે. ઈરાને કતારની રાસ લફ્ફાન નિકાસ ફેસેલીટીની ભાંગફોડ કરી, ત્યાર બાદ વિશ્વિક સ્તરે પુરવઠા સ્થિતિ વધુ નબળી પડી ગઈ છે. જો ઉત્પાદન કાપની સ્થિતિ વધુ લાંબી ચાલશે તો અમેરિકન કાર્ગે મેળવવાની સ્પર્ધામાં વધારો થશે. હોર્મુઝ સમુદ્ર્ધુનીમાથી જહાજી વહન હજુ નિયંત્રિત છે. જો આ નિયંત્રણ ગંભીર બનશે તો, એશિયન અને યુરોપીયન ગ્રાહકોને પુરવઠો મેળવવા અમેરિકા સુધી લાંબા થવું પડશે. અમેરિકન નિકાસ ટર્મિનલ પરથી અત્યારે દૈનિક ૧૮.૩ અબજ ક્યુબીક ફૂટ નેચરલ ગેસની રવાનગી થાય છે, આ ઘટનાએ ભાવને ઊંચા મથાળે જાળવી રાખ્યા છે.
અમેરિકાના લોઅર-૪૮ ડ્રાય ગેસ ફેસીલીટીમાથી એક વર્ષ અગાઉ કરતા લગભગ બે ટકા વધીને, અત્યારે રોજિંદુ સરેરાશ ૧૧૦.૧ અબજ ક્યુબીક ફૂટ નેચરલ ગેસનું ઉત્પાદન થાય છે. એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનએ અમેરિકાનો ડ્રાય નેચરલ ગેસ ઉત્પાદન અંદાજ, અગાઉ દૈનિક ૧૦૯.૬૦ અબજ ક્યુબીક ફૂટ બાંધ્યો હતો, તે વધારીને હવે ૧૧૦.૬૧ અબજ ક્યુબીક ફૂટ કર્યો છે. ઉત્પાદકો ભાવ અનુકુળતા જોઇને ઉત્પાદન વધારતા હોય છે, તેમના માટે અત્યારે સાનુકુળ સ્થિતિ છે. અમેરિકાનો કુલ વર્કિંગ ગેસ સ્ટોરેજ અત્યારે, ગતવર્ષની તુલનાએ ૩૩ અબજ ક્યુબીક ફૂટ અને પાંચ વર્ષની સરેરાશ કરતા ૧૪૬ અબજ ક્યુબીક ફૂટ વધુ ૨૩૯૧ અબજ ક્યુબીક ફૂટ છે. સામાન્ય મોસમ કરતા આ સ્ટોરેજ ૬ ટકા વધુ છે. અમેરિકન વીજળી ઉપાર્જન એક વર્ષ અગાઉ કરતા બે ટકા વધુ છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








