નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં શનિવારે એક શખસે અંદાજે 30 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. ફાયરિંગની ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં હાજર હોવાથી સુરક્ષા ઘેરો મજબૂત બનાવી દેવાયો હતો. એક શંકાસ્પદ વ્યક્તિને સિક્યુરિટી જવાનોએ ગોળી મારી દીધી છે. ગોળીબારની ઘટનામાં એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાના સમાચાર છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે, ઈજાગ્રસ્ત વ્યક્તિને હુમલાખોરની ગોળી વાગી કે પછી જવાબી હુમલામાં તે ઘાયલ થયો. અંધાધૂંધ ફાયરિંગની ઘટનાને લઈને વ્હાઈટ હાઉસ (Random shooting near White House in Washington DC) તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એફબીઆઈ ડાયરેક્ટર કાશ પટેલે (FBI Director Kash Patel) સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, સુરક્ષા એજન્સીઓ ફાયરિંગના સમાચાર પર કાર્યવાહી કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શંકાસ્પદ હુમલાખોરે સિક્યોરિટી વ્હાઈટ હાઉસના ચેકપોઇન્ટ પર ગોળીઓ ચલાવી હતી. વળતી કાર્યવાહીમાં અમેરિકાના સીક્રેટ સર્વિસના એજન્ટઓ કરેલા ફાયરિંગમાં શંકાસ્પદ હુમલાખોરને ગોળી વાગી હતી અને તેને હૉસ્પિટલ લઈ જવાતા મોત થયું હતું.
અત્રે નોંધનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભૂતકાળમાં જીવલેણ હુમલો (US President Donald Trump has been fatally attacked in the past) તેમજ પ્રયાસ થઈ ચૂક્યા છે. ગત 26 એપ્રિલના રોજ વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલાનિયા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હાજર હતા ત્યારે પણ ફાયરિંગની ઘટના બની હતી. વર્ષ 2024માં ચૂંટણી પહેલાં 13 જુલાઈ 2024ના રોજ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. એક હુમલાખોરે 400 ફૂટના અંતરથી એસોલ્ટ રાઈફલથી ગોળીઓ ચલાવતા એક ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને સ્પર્શીને નીકળી ગઈ હતી.








