નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેરના ભરચક વિસ્તાર એવા પાલ-ઉમરા બ્રિજ પાસે ગત રાત્રિના એક પાગલ યુવક 35 ફૂટ ઊંચા CCTV કેમેરાના થાંભલા પર ચઢી ગયો (Mentally unstable youth climbs onto pillar in Surat city) હતો. દોઢેક કલાક સુધી થાંભલા પર રહેલાં અસ્થિર મગજના યુવકે બીડીના કસ મારી સીસીટીવી કેમેરા તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ હાઈવૉલ્ટેજ ડ્રામાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો રોડ પર ઊભા રહી ગયા હતા અને મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યા હતા. લોકોની એકઠી થયેલી ભીડના કારણે એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સુરત શહેરમાં અસ્થિર મગજનો યુવક હાથમાં એક થેલો લઈને અંદાજે 35 ફૂટ ઊંચા સીસીટીવી કેમેરાના થાંભલા પર આરામથી ચઢી ગયો હતો. આ થાંભલા પર ચારેય બાજુ સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરાને ખેંચી કાઢવાનો કે તોડવાનો પ્રયત્ન કરતો (Attempt to break CCTV camera) હતો, તો ક્યારેક ખિસ્સામાંથી બીડી કાઢીને આરામથી ફૂંકતો નજરે પડ્યો હતો. યુવકનું આ જોખમી વર્તન જોઈને નીચે ઊભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કેટલાંક પ્રત્યક્ષદર્શીઓએ આ ક્ષણો મોબાઈલ ફોનમાં કંડારી લીધી હતી. જ્યારે જવાબદાર નાગરિકોએ આ ઘટનાની જાણ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને કરતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. દોઢેક કલાકની ભારે જહેમત બાદ યુવકને સમજાવીને નીચે ઉતારવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.








