નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : વન નેશન, વન ઈલેકશન (One Nation One Election) મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ ત્રણ દિવસથી ગુજરાતમાં ધામા નાંખ્યા છે. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના ચેરમેને દાવો કરતા જણાવ્યું છે કે, ‘વન નેશન – વન ઈલેક્શન’થી દેશના સાત લાખ કરોડ રૂપિયા બચી જશે. આ રકમ વિકાસ કામોમાં વાપરી શકાશે. એટલું જ નહીં ભારતના જીડીપીમાં 1.6 ટકા જેટલો વધારો (GDP will increase) થવાનો દાવો પણ કર્યો છે.
જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભ્યોએ 20મી મેના રોજ ગુજરાતના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ, સત્તાપક્ષ ભાજપના પદાધિકારીઓ વગેરે સાથે બેઠક (JPC meeting in Gujarat) યોજી હતી. આ બેઠક બાદ જેપીસીના ચેરમેને વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે. જેમાં અગાઉ ધ્યાનમાં ન લેવાયા હોય તેવા ઘણાં મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. દેશમાં જો એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તો 7 લાખ કરોડ રૂપિયા બચાવી શકાય તેમ છે. જેનો ઉપયોગ માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સાથે ગરીબોના કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને જાહેર સુવિધાને લગતા કાર્યો માટે થઈ શકે છે.’ કમિટી દ્વારા એક સાથે ચૂંટણીઓ યોજવા અંગે 18 હજાર પાનાનો રિપોર્ટ રજૂ કરાયો છે.








