Sunday, May 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સ્ફોટક દાવો, કેપ્ટનના માથે ઢોળાયું? કે હતી...

અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સ્ફોટક દાવો, કેપ્ટનના માથે ઢોળાયું? કે હતી કોઈ બીજી ક્ષતિ? ચોંકાવનારો ટર્નિંગ પોઈન્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં ગયા વર્ષે બનેલા એર ઈન્ડિયાના ભયાનક પ્લેન ક્રેશ મામલે એક નવો દાવો સામે આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને હોસ્પિટલના દસ્તાવેજોને આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે કેપ્ટન સુમીત સભરવાલ અંતિમ ક્ષણ સુધી વિમાનને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગયા વર્ષે જૂન મહિનામાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક માટે ઉડેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, ટેકઓફ બાદ થોડા જ સમયમાં મેઘાણીનગર નજીક બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ કેમ્પસ પર તૂટી પડી હતી.

- Advertisement -
London Plane crash
London Plane crash

આ ભયાનક અકસ્માતમાં 260 જેટલા લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે.

આ ઘટનાને લઈને હવે નવા દાવાઓ સામે આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કેપ્ટન સુમીત સભરવાલનો મૃતદેહ એવી સ્થિતિમાં જોવા મળ્યો હતો કે જાણે તેઓ અંતિમ ક્ષણ સુધી વિમાનના કંટ્રોલ પર જ હતા.

અકસ્માતમાં પોતાના પરિવારના સભ્યો ગુમાવનાર રોમિન વોહરાએ દાવો કર્યો હતો કે જ્યારે કેપ્ટનનો મૃતદેહ લાવવામાં આવ્યો ત્યારે તેમના હાથ કંટ્રોલ હેન્ડલ પકડેલી સ્થિતિમાં હતા.

- Advertisement -

બીજી તરફ, હોસ્પિટલ સાથે જોડાયેલા એક ડૉક્ટર તરફથી પણ એવો દાવો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે કે કેપ્ટનનો મૃતદેહ અલગ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને શરીરની સ્થિતિ પરથી લાગતું હતું કે તેઓ અંતિમ ક્ષણ સુધી વિમાનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Vijay Rupani plane crash
Vijay Rupani plane crash

પરિવારના ત્રણ સભ્યોને ગુમાવનાર રોમિન વોહરાએ જણાવ્યું કે, “જ્યારે કેપ્ટન સુમીતનો મૃતદેહ વ્હીલચેર પર લાવવામાં આવ્યો ત્યારે હું માત્ર થોડા જ ફૂટ દૂર હતો. તેમનો મૃતદેહ બેઠેલી મુદ્રામાં હતો અને તેમના બંને હાથ પ્લેનના કંટ્રોલ હેન્ડલ (સ્ટીયરીંગ) પર બરાબર જકડાયેલા હતા, જાણે તેઓ છેલ્લી સેકન્ડ સુધી પ્લેનને ક્રેશ થતું બચાવવા સંઘર્ષ કરી રહ્યા હોય.”

બી. જે. મેડિકલ કોલેજના એક ડૉક્ટરે પણ પુષ્ટિ કરી છે કે કેપ્ટનનો ચહેરો ઓળખી શકાય તેવો હતો, માત્ર પીઠ અને સાઇડનો ભાગ બળ્યો હતો. તેમનો મૃતદેહ મોર્ગના એક અલગ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને તેમના હાથ સ્ટીયરીંગ પકડવાની પોઝિશનમાં જ અકડાઈ ગયા હતા. સીનિયર પાઇલટોના મતે, આ સ્થિતિ સાબિત કરે છે કે કેપ્ટન કોઈ મોટી સિસ્ટમ ફેલ્યોર સામે લડી રહ્યા હતા, તેમણે જાણીજોઈને પ્લેન ક્રેશ કર્યું નહોતું.

- Advertisement -

આ ઘટનાના સંદર્ભમાં કૉકપિટ વોઈસ રેકોર્ડિંગ સંબંધિત દાવા પણ સામે આવ્યા છે. જણાવ્યા મુજબ, ક્રેશ પહેલાં કૉકપિટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અંગે ચર્ચા થઈ હતી.

Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash

દાવા મુજબ, પ્રારંભિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે વિમાનના બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘કટ-ઓફ’ સ્થિતિમાં ગયા હતા.

આ ઉપરાંત કેટલાક અહેવાલોમાં ટેકનિકલ ખામી, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અથવા અન્ય કારણોને લઈને પણ ચર્ચા થઈ રહી હોવાનું જણાવાયું છે.

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક રિપોર્ટ પ્રમાણે, ઉડતાની સાથે જ વિમાનના બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘કટ-ઓફ’ એટલે કે બંધ થઈ ગયા હતા. કૉકપિટ વોઈસ રેકોર્ડર (CVR) થી જાણવા મળ્યું કે ક્રેશ પહેલા કેપ્ટન દ્વારા કો-પાઇલટને પૂછાયું હતું કે, ‘તેં એન્જિન કટ-ઓફ કેમ કર્યું?’ જેના જવાબમાં કો-પાઇલટે કહ્યું હતું, ‘મેં એવું નથી કર્યું!’

હાલ આ મામલે અંતિમ સત્તાવાર તપાસ રિપોર્ટ આવવાનો બાકી છે. અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular