Friday, July 3, 2026
HomeGujaratઅમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે ભેખડ ધસી પડતા બે યુવાનોના કરુણ મોત,...

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે ભેખડ ધસી પડતા બે યુવાનોના કરુણ મોત, ગામમાં શોકની લાગણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર-રખિયાણા ગામની સીમમાં ગુરુવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં રેતી ભરવાની કામગીરી દરમિયાન અચાનક વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

મળતી માહિતી અનુસાર, શેર-રખિયાણા ગામના રહેવાસી અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોર ટ્રેક્ટર લઈને ગામની સીમમાં આવેલા પાણીના વોંકળામાં રેતી ભરવા માટે પહોંચ્યા હતા. બંને યુવાનો ટ્રેક્ટરમાં રેતી ભરવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ઉપરની બાજુથી માટી અને રેતીનો વિશાળ જથ્થો ધસી પડ્યો હતો. ભેખડ એટલી ઝડપથી ધરાશાયી થઈ કે બંને યુવાનોને બહાર નીકળવાની કોઈ તક મળી નહોતી. ગંભીર રીતે દટાઈ જતાં બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

- Advertisement -

આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ ભેખડ નીચે દટાયેલા બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ માંડલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ દુર્ઘટના બાદ ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્થાનિકોમાં લાંબા સમયથી ફરિયાદ છે કે વિરમગામ-માંડલ પંથકમાં રેતી ચોરી અને ગેરકાયદેસર ખનનનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. નદી અને વોંકળાઓમાં ઊંડે સુધી ખોદકામ થતું હોવાને કારણે ભેખડ ધસી પડવાના જોખમમાં વધારો થયો હોવાનું સ્થાનિકો કહે છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર ખનન અને ઓવરલોડ વાહનોની અવરજવર અંગે વારંવાર રજૂઆતો છતાં જવાબદાર વિભાગો પૂરતી કડક કાર્યવાહી કરતા નથી. આવા બનાવો પછી થોડા સમય માટે ચકચાર મચે છે, પરંતુ પછી સ્થિતિ ફરી યથાવત થઈ જાય છે.

- Advertisement -

બે યુવાનોના મોત બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ગેરકાયદેસર ખનન સામે તંત્ર કડક પગલાં લેશે કે નહીં. કારણ કે વારંવાર બનતા આવા અકસ્માતો માત્ર આંકડામાં ઉમેરો નથી, પરંતુ પરિવારો માટે ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ સાબિત થાય છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular