નવજીવન ન્યૂઝ, સુરત : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ વાપીની ટીમે એક મસમોટું મની લોન્ડરિંગ રેકેટ ઝડપી પાડ્યું છે. સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)ના પ્રોત્સાહક નિયમોની આડમાં આ રેકેટ ચલાવવામાં આવતું હતું. સુરત સેઝ (Surat SEZ) માં આવેલી ‘નકલાંગ જવેલર્સ’ દ્વારા આચરવામાં આવેલા અંદાજે 2 હજાર કરોડ રૂપિયાથી વધુના હવાલા કૌભાંડ (Surat Hawala Scam) માં મુખ્ય સૂત્રધાર મોન્ટુ હર્ષદ ગાંધી (રહે. નવસારી) ની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી મોન્ટુ ગાંધી વિદેશથી સસ્તા હીરાની આયાત કરતો હતો. આ હીરાની કિંમત કાગળ પર તેની અસલી કિંમત કરતા 50 ગણી વધુ દર્શાવી તેને એક્સપોર્ટ કરવામાં આવતા હતા. આ પ્રક્રિયા દ્વારા કસ્ટમ્સ ડ્યુટીની ચોરી કરવા સાથે સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભો મેળવવાનો કારસો રચવામાં આવ્યો હતો. DRI ની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે મોન્ટુ ગાંધી પોતે પડદા પાછળ રહીને ‘ડમી પાર્ટનર્સ’ના નામે પેઢીઓ ચલાવતો હતો. ધરપકડ કરાયેલા આરોપીએ કબૂલાત કરી છે કે પેઢીમાં દર્શાવેલા ભાગીદારો માત્ર નામના જ હતા. મોન્ટુ ગાંધીના ધરપકડ બાદ તેને સુરત કોર્ટમાં રજૂ (Montu Gandhi produced in Surat court) કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.








