Saturday, July 4, 2026
HomeGujaratDJ બંધ થતા ઠાકોર સમાજમાં સુધારો આવ્યો, બહેન-દીકરીઓની સુરક્ષા માટે નિર્ણય જરૂરી:...

DJ બંધ થતા ઠાકોર સમાજમાં સુધારો આવ્યો, બહેન-દીકરીઓની સુરક્ષા માટે નિર્ણય જરૂરી: ગેનીબેન ઠાકોર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વાવ-થરાદઃ વાવ-થરાદ વિસ્તારમાં ઠાકોર સમાજના સામાજિક સુધારણા મુદ્દે સંસદ ગેનીબેન ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે કે ઠાકોર સમાજ દ્વારા ઘડાયેલા કડક બંધારણના કારણે સમાજમાં દારૂ જેવી અનેક બદીઓમાં ઘટાડો થયો છે. સાથે જ લગ્ન પ્રસંગોમાં DJ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી પણ સમાજમાં સકારાત્મક બદલાવ આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

અરંટવા ગામમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે બહેન અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને DJ બંધ કરવાનો નિર્ણય અત્યંત જરૂરી હતો. તેમના કહેવા મુજબ DJના કારણે અસામાજિક તત્વો લગ્ન પ્રસંગોમાં આવીને અયોગ્ય વર્તન કરતા હતા, જેના કારણે પરિવાર અને સમાજને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

- Advertisement -

ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણય પછી સમાજમાં શિસ્ત અને ગરિમા વધી છે. બિનજરૂરી મહેમાનો અને અવ્યવસ્થાથી પણ મુક્તિ મળી હોવાનું તેમણે કહ્યું હતું. સમાજની આબરૂ જળવાઈ રહે અને સાંસ્કૃતિક મૂલ્યો મજબૂત બને તે માટે આ પ્રકારના નિર્ણયો જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક અભ્યુદય સંમેલન યોજાયું હતું, જેમાં સમાજના અનેક આગેવાનો અને હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સમાજના બંધારણ હેઠળ લગ્ન પ્રસંગોમાં જાન અથવા મામેરામાં DJ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા અને અન્ય બિનજરૂરી ખર્ચાળ વિધિઓ બંધ કરવા માટે પણ નિયમો ઘડવામાં આવ્યા હતા.

- Advertisement -

ઠાકોર સમાજમાં લગ્ન પ્રસંગોમાં DJ પર પ્રતિબંધનો મુદ્દો અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે, પરંતુ હવે ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular