Friday, June 26, 2026
HomeGujaratઆણંદના તારાપુર પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત; માસૂમ...

આણંદના તારાપુર પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત; માસૂમ બાળકી પણ કાળનો ભોગ બની

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ ગુજરાતમાં હાઈવે અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આણંદ જિલ્લાના તારાપુર હાઈવે પરથી વધુ એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. તારાપુર નજીક આવેલા ફતેપુરા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક જ પરિવારના 4 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

માહિતી અનુસાર આ અકસ્માત ફતેપુરા ગામ નજીક આવેલા ગુજરાત ગેસના CNG પંપ પાસે મોડી રાત્રે સર્જાયો હતો. હાઈવે પર એક ટ્રક ઉભી હતી, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલો ટેમ્પો પાછળથી ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરો ગંભીર રીતે ફસાઈ ગયા હતા.

- Advertisement -

આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં 2 મહિલાઓ, 1 પુરુષ અને 1 માસૂમ બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 5 લોકોને સારવાર માટે તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબો મુજબ કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો દાહોદ પંથકના શ્રમિકો હતા. તેઓ ટેમ્પોમાં સવાર થઈ મજૂરી કામ માટે જઈ રહ્યા હતા અથવા વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. એક જ પરિવારના સભ્યોના મોતના સમાચાર મળતા તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- Advertisement -

સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાઈવે પર ઉભેલી ટ્રક અને ટેમ્પો ચાલકની ગફલત અકસ્માત પાછળનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular